MONEY9: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
કેન્દ્રીય કર્મચારી, પેન્શનધારકોનું DA વધવાની શક્યતા સરકારી કર્મચારી અને પેન્શનધારકો માટે ખુશખબર છે. તેમના પગારમાં વધારો થવાની શક્યતા છે. જુલાઈ મહિનામાં સરકારી કર્મચારી અને પેન્શનધારકોના DAમાં ચાર ટકાનો વધારો થઈ શકે છે. તાજેતરમાં સરકારે DA ચાર ટકા વધાર્યું હતું.., હવે સરકાર આ વર્ષના બીજા છ મહિનામાં પણ DA ચાર ટકા વધારી શકે છે. સરકારે જાન્યુઆરીથી જુલાઈ 2023ના પ્રથમ છ મહિનામાં ડીએ અને ડીઆરમાં ચાર ટકાનો વધારો કર્યો હતો. જો સરકાર ફરી ચાર ટકા ડીએ વધારશે તો, કેન્દ્રીય કર્મચારીઓનું DA 42 ટકાથી વધીને 46 ટકા થઈ જશે. ધારો કે કેન્દ્રીય કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા છે, એટલે 42 ટકા લેખે 7,560 રૂપિયા DA થાય. જો ડીએ વધીને 46 ટકા થાય તો, આ રકમ 8,280 રૂપિયા થઈ જશે. એટલે કે, 18,000 બેઝિક પગારધારકને મહિને 720 રૂપિયા પગારવધારો મળશે.
સ્માર્ટફોન કંપનીઓએ ઉત્પાદન ઘટાડ્યું સ્માર્ટફોન બનાવતી કંપનીઓએ ઉત્પાદનમાં કાપ મૂક્યો છે. મોબાઈલ ફોનની માંગ સતત ઘટી રહી છે. ખાસ તો, એન્ટ્રી-લેવલના અને મિડિયમ રેન્જના મોબાઈલ ફોનનું વેચાણ ઘટી રહ્યું છે. એટલે જાન્યુારીથી એપ્રિલમાં કંપનીઓએ ઉત્પાદન 15 ટકાથી 20 ટકા ઘટાડ્યું છે. દિવાળી પછીના ક્વાર્ટરમાં વેચાણ ઘટતું હોય છે, પરંતુ આ વખતે વેચાણ વધારે પડતું ઘટ્યું છે. ઓક્ટોબરથી ડિસેમ્બરમાં સ્માર્ટફોન શિપમેન્ટમાં 30 ટકાનો જ્યારે જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લાં દોઢેક વર્ષથી ટેલિકોમ સર્વિસ મોંઘી થઈ ગઈ છે તેમજ મોબાઈલ ફોનની કિંમત પણ 10 ટકા વધી હોવાથી માંગ પર અસર પડી છે.
હોમ બ્રોડબેન્ડ માર્કેટમાં રિલાયન્સ જિયોની લીડ વધશે હોમ બ્રોડબેન્ડ માર્કેટમાં પણ રિલાયન્સ જિયોની બોલબાલા રહેશે. રિલાયન્સ જિયો પાસે 90 લાખ હોમ બ્રોડબેન્ડ સબ્સક્રાઈબર્સ છે અને 31 ટકા બજાર પર અંબાણીનો કબજો છે. હરીફ એરટેલ 72 લાખ ગ્રાહકો સાથે 25 ટકા બજાર પર કબજો ધરાવે છે. જિયોએ હવે આક્રમક સ્ટ્રેટેજી અપનાવી છે. જિયોએ ફાઈબરની સાથે સાથે 5G ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ સોલ્યુશન આપીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે, કારણ કે, વાયરલેસ સોલ્યુશનને કારણે જિયોને સસ્તા પ્લાન ઑફર કરવાની તક મળશે. જિયોએ તાજેતરમાં 198 રૂપિયાનો એન્ટ્રી પ્લાન લૉન્ચ કર્યો હતો, જેની સામે એરટેલનો સૌથી સસ્તો પ્લાન 699 રૂપિયાનો છે. એટલું જ નહીં, જિયો પાસે લોકલ કેબલ ઓપરેટર્સનું વિશાળ નેટવર્ક પણ છે, એટલે હોમ બ્રોડબેન્ડ માર્કેટમાં જિયો વધુ મજબૂત બનશે અને તેની લીડ વધતી જશે.
ONGCએ જૂનાગઢમાં સંશોધન હાથ ધર્યું જૂનાગઢની જમીનમાં તેલ અને કુદરતી ગેસ છે કે નહીં તે જાણવા માટે ONGCએ સરવે હાથ ધર્યો છે. જૂનાગઢમાં ઓઇલ અને ગેસનો ભંડાર શોધવા માટે ONGC દ્વારા 500 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સંશોધન હાથ ધરાયું છે. જેમાંથી 250 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સરવે થઈ ચૂક્યો છે. માણાવદરનાં જુદા-જુદા ગામડાંમાં સરવેની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં 4 હજાર જેટલા સેન્સર પણ મૂકાયા છે અને ડ્રીલિંગ દ્વારા બોર કરીને ત્યાંથી નમૂના પણ લેવાયા છે.. આ નમૂનાને સંશોધન માટે વડોદરા અને દહેરાદૂન મોકલવામાં આવશે. સંશોધન કર્યા બાદ એ ખબર પડશે કે અહીં જમીનમાં તેલ અને કુદરતી ગેસ છે કે નહીં. જો ONGCને જૂનાગઢમાં ઓઈલ કે ગેસનો ભંડાર મળશે, તો તેનાથી ઉત્પાદનને વેગ મળશે અને સ્થાનિક સ્તરે રોજગારી વધારવામાં પણ મદદ મળશે. ભારત તેની 80 ટકાથી વધુ જરૂરિયાત પૂરી કરવા માટે ઓઈલ અને ગેસની આયાત કરે છે, જેના માટે જંગી ખર્ચ પણ કરવો પડે છે.
મેનકાઈન્ડ ફાર્માનો IPO ખુલી ગયો મેનફોર્સ કોન્ડોમ્સ અને પ્રેગા ન્યૂઝ બ્રાન્ડ માટે જાણીતી કંપની મેનકાઈન્ડ ફાર્માનો IPO 25 એપ્રિલે ખુલી ગયો છે. પ્રથમ દિવસે તેને નબળો પ્રતિસાદ મળ્યો છે. પહેલા દિવસે રિટેલ કેટેગરી માત્ર 10 ટકા ભરાઈ છે. જો તમે IPO ભરવા માંગતા હોવ તો, અરજી કરવાની છેલ્લી તારીખ 27 એપ્રિલ છે. કંપનીએ શેર દીઠ 1,026થી 1,080 રૂપિયા ભાવ નક્કી કર્યો છે. ગ્રે માર્કેટમાં શેર દીઠ 90થી 95 રૂપિયા પ્રીમિયમ બોલાઈ રહ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો