MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.
SBIએ મોબાઈલ ફંડ ટ્રાન્સફર પરથી SMS ચાર્જ નાબૂદ કર્યો જાહેર-ક્ષેત્રની સૌથી મોટી ધિરાણકર્તા SBIએ તેના ગ્રાહકોને દિવાળી પહેલાં જ ખુશખબરી છે. SBIએ મોબાઈલ ફંડ ટ્રાન્સફર પર લાગતો SMS ચાર્જ નાબૂદ કરી દીધો છે. SBIએ જણાવ્યું છે કે, યુઝર્સ હવે USSD સર્વિસનો ઉપયોગ કરીને વધારાના ચાર્જ વગર સરળતાથી લેવડદેવડ કરી શકશે. તમને એ પણ સમજાવી દઈએ કે, USSD શું છે? USSD એટલે અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસ ડેટા. તેનો ઉપયોગ ટોક ટાઈમ બેલેન્સ અથવા એકાઉન્ટની માહિતી મેળવવા અને મોબાઈલ બેંકિંગ વ્યવહારો કરવા માટે થાય છે. આ સર્વિસ માત્ર ફીચર ફોન પર કામ કરે છે. એટલે કે, SBIની જાહેરાતથી દેશનાં લાખો ફીચરફોન ધારકોને મફતમાં મોબાઈલ ફંડ ટ્રાન્ઝેક્શનનો લાભ મળશે. સ્ટાર, ડબલ નાઈન, હેશ (*99#) ડાયલ કરીને આ સર્વિસનો લાભ મેળવી શકાશે. ગ્રાહકે હવેથી પૈસા મોકલવા માટે, અકાઉન્ટ બેલેન્સ જાણવા માટે, મિની સ્ટેટમેન્ટ મેળવવા માટે, યુપીઆઈનો પિન બદલવા માટે કે આવી અન્ય સર્વિસ માટે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે.
સોમવારે સેન્સેક્સ થયો બાઉન્સ્ડ-બેકઃ 300 પૉઈન્ટ્સની રિકવરી વીતેલા સપ્તાહે સતત 3 દિવસના ઘટાડા બાદ ચાલુ સપ્તાહના પ્રથમ દિવસે બજારોમાં તેજી જોવા મળી. બેન્કિંગ કાઉન્ટર્સમાં નીકળેલી ખરીદીના જોરે બજારો બાઉન્સ્ડ-બેક થયા. 300 પોઈન્ટ્સની રિકવરી સાથે સેન્સેક્સ 59 હજાર 100ની ઉપર બંધ રહ્યો. મહિન્દ્રા, બજાજ ફાયનાન્સ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર, નેસલે અને બજાજ ફિનસર્વમાં રોકાણકારોએ સારી ખરીદી કરી જ્યારે ટાટા સ્ટીલ, ICICI બેન્ક અને પાવર ગ્રીડ કોર્પોરેશન જેવા કાઉન્ટર્સમાં વેચવાલી જોવા મળી. ડિફેન્સ શેર્સ પણ સોમવારે સારા ચાલ્યા. ફોરેન ઈન્વેસ્ટર્સના જોરે, ભારતીય બજારને ટેકો મળી રહ્યો છે અને રૂપિયો પણ ઘસાતો અટક્યો છે. સપ્ટેમ્બરના પ્રથમ 16 દિવસમાં FIIએ ભારતીય શેરબજારમાં 12 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. બજારનાં નિષ્ણાતો કહે છે કે, ફોરેન ઈન્વેસ્ટર્સને ભારતની વૃદ્ધિમય સફરના સહભાગી થવામાં રસ છે, અને આથી તેમણે છેલ્લાં કેટલાક મહિનાથી રોકાણમાં સતત વધારો કર્યો છે.
અદાણીના રોકાણને પગલે અંબુજા સિમેન્ટનો શેર 9% વધ્યો અંબુજા સિમેન્ટના શેર્સમાં સોમવારે સારો ઉછાળો જોવા મળ્યો. દેશનાં નં-1 ધનિક ગૌતમ અદાણીએ અંબુજા સિમેન્ટ્સ અને એસીસી સિમેન્ટ્સની એક્વિઝિશન પ્રોસેસ સફળતાપૂર્વક પૂરી કરવાની જાહેરાત કરી, જેને પગલે અંબુજા સિમેન્ટનો શેર સોમવારે 11 ટકા ઉછળ્યો અને અંતે 9.32 ટકા વધીને 564.40 રૂપિયાએ બંધ રહ્યો. અંબુજા સિમેન્ટ્સમાં અદાણી પરિવારે 20 હજાર કરોડ રૂપિયા ઠાલવ્યા છે, જેને પગલે આ કાઉન્ટરમાં રેલી જોવા મળી. સિમેન્ટ કારોબારની જવાવબદારી ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણીને સોંપવામાં આવી છે. અદાણીએ સિમેન્ટ સેક્ટરમાં એન્ટ્રી કરતાં આ માર્કેટમાં ધમધમાટ છે અને સિમેન્ટ કાઉન્ટર્સમાં રોકાણની તક ઊભી થઈ છે. એક્સપર્ટનું કહેવું છે કે, સિમેન્ટ સેક્ટરનાં ક્વૉલિટી શેર્સમાં રોકાણની તક છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, રામ્કો, દાલમિયા સિમેન્ટ, જેકે સિમેન્ટ જેવા કાઉન્ટર્સ પર વોચ રાખીને સ્ટ્રેટેજી બનાવી શકો છો.
દિવાળીમાં હવાઈટિકિટ માટે કરવો પડશે ડબલ ખર્ચ દિવાળી વેકેશનમાં ફરવા જવાનું છે? તો ફ્લાઈટ ટિકિટ માટે બેથી અઢી ગણો ખર્ચ કરવો પડશે. આ વખતે દિવાળી 24 ઓક્ટોબર સોમવારે છે, એટલે હવાઈભાડાં 22 ઓક્ટોબરથી જ મોંઘા થઈ ગયા છે, કારણ કે ત્યારે શનિવાર છે. સામાન્ય દિવસોમાં મળતી ફ્લાઈટ ટિકિટ દિવાળીના દિવસો દરમિયાન બે થી અઢી ગણા ભાવે વેચાઈ રહી છે. અમદાવાદથી ગોવા, કશ્મીર, દેહરાદૂન, કોચી, કોલકાતા માટેનું વન-વે હવાઈભાડું 15 હજાર રૂપિયાને પાર થઈ ગયું છે. અમદાવાદથી મુંબઈની ફ્લાઈટ સામાન્ય દિવસોમાં પચ્ચીસો રૂપિયામાં મળી જાય છે, પરંતુ દિવાળી વેકેશનમાં તેની કિંમત 6,000થી 8,500 રૂપિયાની વચ્ચે પહોંચી ગઈ છે. ફેમસ ટુરિસ્ટ પ્લેસની વાત કરીએ તો, અમદાવાદથી દેહરાદૂનની ફ્લાઈટ 18 હજાર રૂપિયા સુધીમાં મળે છે જ્યારે અમદાવાદથી જયપુરની ફ્લાઈટ 13,250 સુધીમાં મળી રહી છે. અમદાવાદથી ગોવાની ફ્લાઈટ સામાન્ય દિવસોમાં 5 હજારની આસપાસ મળી રહે છે, જે દિવાળી દરમિયાન 16 હજાર રૂપિયામાં ઉપલબ્ધ છે. એજન્ટોએ દિવાળીના મહિનાઓ અગાઉ ટિકિટના સ્લોટ બૂક કરી લીધા છે, એટલે જેમ-જેમ દિવાળી નજીક આવતી જશે, તેમ-તેમ હવાઈભાડાં વધતા જશે. ટૂર ઓપરેટર્સનું કહેવું છે કે, સરકારે માર્ચના અંતે ભાડાં પરથી મર્યાદા દૂર કરી, અને તેના લીધે પણ છેલ્લાં બે સપ્તાહમાં હવાઈભાડાં 10થી 15 ટકા વધી ગયા છે.
રેલવેમાં કેન્સલ થતી ટિકિટ રિયલ-ટાઈમ ધોરણે ફાળવવામાં આવશે ટ્રેનમાં મુસાફરી કરવાનું હવે વધુ સગવડતાભર્યું બનશે. સરકારે એક નવી સિસ્ટમ બનાવી છે, જેમાં છેલ્લી ઘડીએ કેન્સલ થતી ટિકિટનું રિયલ-ટાઈમ ધોરણે અપડેટ થશે અને વેઈટિંગ લિસ્ટના પ્રવાસીને ખાલી પડેલી સીટ ફાળવી દેવામાં આવશે. આ સુવિધા માટે રેલવે દ્વારા હેન્ડ-હેલ્ડ ટર્મિનલ્સ એટલે કે, HHT ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અગાઉ રેલવે દ્વારા ટ્રેન ઉપડવાના થોડા સમય પહેલાં મુસાફરોનો રિઝર્વેશન ચાર્ટ બનાવવામાં આવતો હતો. અત્યાર સુધી પેપર ચાર્ટનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે HHT ડિવાઈસનો ઉપયોગ કરીને રિયલ-ટાઈમ રિઝર્વેન્શનની માહિતી ધરાવતો ડિજિટલ ચાર્ટ બનાવવામાં આવે છે. ડિજિટલ ચાર્ટને કારણે રેલવેનો ટિકિટ સ્ટાફ હવે રિયલ-ટાઈમમાં કન્ફર્મ ટિકિટ અને કેન્સલ ટિકિટની માહિતી અપડેટ કરે છે. પરિણામે, જો કોઈ મુસાફર અંતિમ મિનિટોમાં બૂકિંગ કેન્સલ કરે અથવા બૂકિંગ કન્ફર્મ ન કરે તો, તેની ખાલી સીટની જાણકારી HHT ડિવાઈસ પર લાઈવ જોઈ શકાશે. તેના આધારે જે લોકો વેઈટિંગ લિસ્ટમાં હશે, તેમને ખાલી સીટની ફાળવણી થઈ જશે.
છેલ્લાં 1 વર્ષમાં ચોખાના ભાવ 10% વધ્યા ખાણીપીણીની ચીજવસ્તુઓ મોંઘી થવાથી લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. ઓછામાં પૂરું, છેલ્લાં બે મહિનામાં દેશનાં કેટલાક રાજ્યોમાં તો ચોખાના ભાવ 40 ટકા સુધી વધી ગયા છે. ગ્રાહકો બાબતોના મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લાં 1 વર્ષમાં ચોખાની છૂટક વેચાણ કિંમત 10 ટકા વધી છે. એક કિલો ચોખાનો સરેરાશ ભાવ 38 રૂપિયા છે, જે 1 વર્ષ અગાઉ 34 રૂપિયા હતો. ખરીફ સીઝનમાં ઓછું વાવેતર થવાથી અને અમુક રાજ્યોમાં બરાબર વરસાદ ન પડવાથી ચોખાના ભાવ વધ્યા છે. સરકારી અધિકારીઓ જણાવે છે કે, ચોખાના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થવાની શક્યતા છે.
કોટક મહિન્દ્રા બેન્કે FDના ઈન્ટરેસ્ટ રેટ વધાર્યાં ખાનગી સેક્ટરની ધિરાણકર્તા કોટક મહિન્દ્રા બેન્કે વિવિધ મુદતની ફિક્સ્ડ ડિપૉઝિટના રેટમાં વધારો કર્યો છે. બેન્ક હવે 23 મહિનાની FD પર 6.10 ટકા ઈન્ટરેસ્ટ રેટ ઑફર કરી રહી છે. કોટક બેન્કમાં આ રેટ સૌથી વધુ છે. બેન્કનો સૌથી ઓછો રેટ 2.50 ટકા છે. કોટક મહિન્દ્રા બેન્ક સીનિયર સીટિઝનને રેગ્યુલર સીટિઝન કરતાં અડધો ટકો વધુ ઈન્ટરેસ્ટ રેટ પણ આપે છે.
SBIએ સીનિયર સીટિઝન માટેની ખાસ FD સ્કીમની મુદત લંબાવી ભારતની સૌથી મોટી સરકારી ધિરાણકર્તા SBIએ સીનિયર સીટિઝન માટેની તેની સ્પેશિયલ ફિક્સ્ડ ડિપૉઝિટ સ્કીમને ફરી લંબાવી છે. ‘SBI વી-કેર’ નામની આ સ્કીમ હેઠળ, SBI દ્વારા FDના ઈન્ટરેસ્ટ રેટ પર અડધો ટકો ઉપરાંત 0.30 ટકા વધુ ઈન્ટરેસ્ટ રેટ આપવામાં આવે છે. આ સ્કીમ માટે સીનિયર સીટિઝને પાંચ વર્ષ કે તેના કરતાં વધુ સમયગાળા માટે FD કરવી જરૂરી છે. બેન્કે આ સ્કીમને 31 માર્ચ, 2023 સુધી લંબાવી છે.
iPhone 14 Pro પર મેળવો 11,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ એપલે તાજેતરમાં લૉન્ચ કરેલા આઈફોન 14ને ખરીદવા માટે દુનિયાભરનાં ગેજેટપ્રેમીઓ પડાપડી કરી રહ્યાં છે. કેટલાક ગ્રાહકો વધુ પૈસા ખર્ચવા તૈયાર છે જ્યારે કેટલાક બેસ્ટ ડીલ્સ અને ડિસ્કાઉન્ટ શોધી રહ્યાં છે. અમારી પાસે એક ખાસ ખબર છે, જે સાંભળીને તમને આ ફોન પર 11 હજાર રૂપિયાનું જંગી ડિસ્કાઉન્ટ મળી શકશે. અત્યારે એક સ્કીમ ભારે ચર્ચામાં છે, ‘સેવ નાઉ, પે લેટર’. આ સ્કીમને કારણે આટલું બધું ડિસ્કાઉન્ટ મળી શકે એમ છે. ‘હબલ મની’ નામની એક કંપની એપલના આઈફોન 14 સીરિઝના હેન્ડસેટ માટે આ સ્કીમ ચલાવે છે, જેનો ઉપયોગ કરીને તમે થોડી-થોડી બચત કરીને તમારો મનગમતો હેન્ડસેટ ઓછી કિંમતે ખરીદી શકો છો. તમારે દર મહિને થોડી-થોડી રકમ જમા કરાવવી પડે છે અને બદલામાં તમને કેશ રિવૉર્ડ મળે છે. અત્યારે 3 મહિનાના, છ મહિનાના અને 9 મહિનાના સેવિંગ પ્લાન્સ ઉપલબ્ધ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો