રોજગારી અંગે આવી ખુશખબરઃ 15 લાખથી વધુ લોકોને મળી PF કપાત સાથેની નોકરી
શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2023 દરમિયાન EPFOમાં સામેલ સભ્યોની સંખ્યામાં અગાઉના મહિનાની તુલનાએ 11.97% વૃદ્ધિ થઈ છે અને 15.62 લાખ નવા સભ્યો ઉમેરાયા છે.
Money9 Gujarati: નિવૃત્તિ ભંડોળ (Retirement Fund)નું સંચાલન કરતી સંસ્થા એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ પગારપત્રકના તાજા આંકડા જાહેર કર્યા છે. EPFOએ 20 ફેબ્રુઆરીએ જણાવ્યું છે કે, તેણે ડિસેમ્બર 2023માં 15.62 લાખ સભ્યોનો ચોખ્ખો ઉમેરો કર્યો હતો. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2023 દરમિયાન સભ્યોની સંખ્યામાં અગાઉના મહિનાની સરખામણીએ 11.97 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.
ડિસેમ્બરમાં ઉમેરાયા 15.62 લાખ સભ્ય
EPFO (એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન)ના કામચલાઉ પગારપત્રક ડેટા અનુસાર, સંસ્થાએ ડિસેમ્બરમાં નેટ 15.62 લાખ સભ્યો ઉમેર્યા હતા. ડિસેમ્બર 2022ની સરખામણીમાં તે 4.62 ટકા વધારે છે. ડેટા દર્શાવે છે કે સમીક્ષા હેઠળના મહિના દરમિયાન લગભગ 8.41 લાખ નવા સભ્યો નોંધાયા હતા.
18-25 વર્ષની ઉંમરના લોકોનો હિસ્સો 57.18%
ડિસેમ્બર 2023 દરમિયાન ઉમેરાયેલા કુલ નવા સભ્યોમાંથી, 57.18 ટકા હિસ્સો 18થી 25 વર્ષની ઉંમરના લોકોનો છે. તે દર્શાવે છે કે, દેશના સંગઠિત ક્ષેત્રના કાર્યબળમાં જોડાનારા મોટાભાગના સભ્યો યુવાવર્ગના છે. ડેટા અનુસાર, સમીક્ષા હેઠળના મહિનામાં, લગભગ 12.02 લાખ સભ્યો જેઓ EPFO યોજનાઓમાંથી બહાર ગયા હતા તેઓ પાછા આવ્યા હતા.
2.09 લાખ મહિલા સભ્ય
ઉમેરાયેલા 8.41 લાખ નવા સભ્યોમાંથી લગભગ 2.09 લાખ મહિલા સભ્યો છે, જેઓ પહેલીવાર EPFO સાથે જોડાઈ છે. નવેમ્બર 2023ની સરખામણીમાં આ 3.54 ટકાનો વધારો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક અને હરિયાણામાંથી મહત્તમ સભ્યો ઉમેરાયા છે.
Published - February 20, 2024, 09:40 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો