Money9 Gujarati:
નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના આદેશાનુસાર, ડેટ રિકવરી ટ્રિબ્યુનલ-1 (Debt Recovery Tribunal) દ્વારા યોજવામાં આવેલી લોક અદાલતમાં કરોડો રૂપિયાની લેણાંના કેસોનો સમાધાનકારી નિકાલ કરવામાં આવ્યો છે. વીતેલા સપ્તાહે યોજાયેલી લોક અદાલતમાં લગભગ 426 કરોડ રૂપિયાના કેસોમાં બંને પક્ષ વચ્ચે સમાધાનકારી રસ્તો શોધવામાં સફળતા મળી છે. લોક અદાલતમાં 426 કરોડ રૂપિયાના કેસોમાં સમાધાનકારી નિકાલ કરવામાં સફળતા મળી હતી. DRT-1 દ્વારા 25થી વધુ કેસોમાં પરસ્પર સંમતિ અને સમાધાનથી નિકાલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આમ, આ લોક અદલાતને કારણે દેશની વિવિધ અદાલતોમાં ચાલી રહેલા કેસોનું ભારણ હળવું કરવામાં મદદ મળશે.
રિકવરી ઑફ ડેટ્સ ડ્યૂ ટુ બેન્ક્સ એન્ડ ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ એક્ટ, 1993 હેઠળ રચવામાં આવેલી ડેટ રિકવરી ટ્રિબ્યુનલ એક અર્ધ-ન્યાયિક સંસ્થા છે. તેનો હેતુ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ગ્રાહકોને આપવામાં આવેલી લોનની વસૂલાતનો છે. ક્લેમની રકમ 4,26,21,79,849.90 રૂપિયા હતી, જેની સામે સમાધાન થયેલી રકમનો આંકડો 1,14,03,64,908.66 રૂપિયા રહ્યો હતો.
અરજી કરનારી બેન્કોમાં SBI, PNB, બેન્ક ઓફ બરોડા, યુનિયન બેન્ક, કેનેરા બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ડિફોલ્ટ થનારી કંપનીઓ અને લોકોમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાયનાન્સ અને સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.
નાણા મંત્રાલય હેઠળ આવતી DRT-1, અમદાવાદ દ્વારા પ્રિસાઈડિંગ ઓફિસર અનિલકુમાર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ 9 સપ્ટેમ્બરે લોક અદાલત યોજાઈ હતી. લોનની વસૂલાત માટે અરજી કરનારી બેન્કો, નાણાકીય સંસ્થાઓ અને ઋણધારકો વચ્ચે આર્થિક બાબતોના સેટલમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમુક કિસ્સામાં પારિવારિક લેતીદેતીના કેસમાં પણ પતાવટ કરવામાં આવી હતી. લોક અદાલતમાં રજિસ્ટ્રાર શૈલેષ વાઘેલા, રિકવરી ઓફિસર આલોક કુમાર દિક્ષીત અને DRT-1ના અન્ય અધિકારીઓ સી.કે. રાઠોડ અને સી.એસ. સોલંકી પણ હાજર રહ્યાં હતા.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો