MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.
સાબુના ભાવમાં થયો Rs 20નો ઘટાડો છેલ્લા બે વર્ષમાં રોજિંદા ઉપયોગની વસ્તુઓના ભાવમાં સતત વધારો થયો છે, પરંતુ હવે કંપનીઓએ આવી વસ્તુઓની કિંમત ઘટાડવાનું શરૂ કર્યું છે. સાબુ, શેમ્પૂ, બિસ્કિટ જેવી FMCG આઈટમ્સના ભાવમાં થતા ફેરફાર નરી આંખે દેખાતા નથી, પરંતુ તમારા બજેટ પર તેની વ્યાપક અસર પડતી હોય છે. જેમકે, 100 ગ્રામના ‘ગોદરેજ નંબર 1’ સાબુની કિંમત છેલ્લાં કેટલાક દિવસોમાં 20 રૂપિયા ઘટી છે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે આ સાબુનું ગ્રામેજ વધારીને 50 ગ્રામ કર્યું છે પરંતુ તેની કિંમત 10 રૂપિયા જ રાખી છે, એટલે કે વજન વધાર્યો છે, પરંતુ ભાવ વધાર્યો નથી. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે કહ્યું છે કે કંપની ડિસેમ્બર ક્વાર્ટરમાં અન્ય પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કરશે. અન્ય એક કન્ઝ્યુમર કંપની પારલેજીએ બિસ્કિટના મોટા પેક પર ગ્રાહકોને 10-15% ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું છે. નિષ્ણાતોના મતે, અન્ય FMCG કંપનીઓના સાબુ અને બિસ્કિટ પણ ટૂંક સમયમાં સસ્તા થઈ શકે છે.
શુક્રવારે બજારોમાં મંદી ફેલાઈ: સેન્સેક્સ, નિફ્ટીમાં પડ્યા ગાબડાં શુક્રવારે શેરબજારમાં મંદીવાળાના વાવટા ફરકતા જોવા મળ્યા. વૈશ્વિક માર્કેટમાં ઘેરાતા મંદીના વાદળો, ફેડ દ્વારા રેટમાં તીવ્ર વૃદ્ધિના એંધાણ અને ભારતીય જીડીપીમાં ઘટાડો થવાની શક્યતાને પગલે શેરબજારો કડકભૂસ થયા અને બે ટકાથી મોટા ગાબડાં પડ્યાં. રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું. સેન્સેક્સ 1 હજાર પોઈન્ટ્સથી વધુ ઘટીને 58,800ની ઉપર બંધ રહ્યો. સરકાર દ્વારા ડિફેન્સ બજેટ વધવાની અપેક્ષાને પગલે ડિફેન્સ કાઉન્ટર્સમાં સવારના કામકાજ દરમિયાન 10 ટકા સુધીનો વધારો થયો હતો, પરંતુ અંતે આ ઊભરો શમી ગયો. ટેક મહિન્દ્રા અને અલ્ટ્રાટેક સિમેન્ટ જેવા શેર 4 ટકાથી પણ વધુ ઘટ્યા.
હર્ષા એન્જિનિયર્સ ઈન્ટરનેશનલનો IPO 74 ગણો ભરાયો શુક્રવારે હર્ષા એન્જિનિયર્સ ઈન્ટરનેશનલના IPOમાં સબ્સક્રિપ્શનનો છેલ્લો દિવસ હતો. બજારમાં મોટા કડાકા છતાં આ ઈશ્યૂને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. BSE પર ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે, ઈશ્યૂના અંતિમ દિવસે તે 74 ગણો ભરાયો હતો. રિટેલ ઈન્વેસ્ટર્સની કેટેગરી 17 ગણી, નોન-ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સની કેટેગરી 70 ગણી, એમ્પ્લોયીઝ કેટેગરી 11 ગણી જ્યારે ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સની કેટેગરી 176 ગણી ભરાઈ ગઈ હતી. અંતિમ દિવસે ગ્રે માર્કેટમાં બોલાતું પ્રીમિયમ 240 રૂપિયા હતું જ્યારે તેનો પ્રાઈસ બેન્ડ 314થી 330 રૂપિયા છે. હવે જોઈએ, હર્ષાના શેર કોને લાગે છે..? અને લિસ્ટિંગમાં કેટલો ફાયદો થાય છે? શેરની લિસ્ટિંગ તારીખ 26 સપ્ટેમ્બર છે.
IT સ્ટોક્સમાં 2થી 3 વર્ષ માટે રોકાણ કરવું, ટૂંકા ગાળા માટે નહીંઃ શેરખાન નાના રોકાણકારોએ માર્કેટના બદલાતા પ્રવાહ પર નજર રાખવી જરૂરી છે. અત્યારે અમેરિકામાં મંદીની વાતો થઈ રહી છે, તો યુરોપીયન દેશો પણ મોંઘવારીની આગમાં તપી રહ્યાં છે. આવા સંજોગોમાં ટેકનોલોજી કંપનીઓના માર્જિન પર દબાણ સર્જાયું હોવાથી મોટા ગજાનાં ઈન્વેસ્ટર્સે આઈટી સ્ટોક્સમાંથી પૈસા કાઢીને બેન્કિંગ સેક્ટરમાં નાખવાનું શરૂ કરી દીધું છે. ફોરેન ઈન્સ્ટિટ્યૂશલ ઈન્વેસ્ટર્સે ચાલુ વર્ષના એપ્રિલથી અત્યાર સુધીમાં આઈટી સ્ટોક્સમાં રોકાણ 26 ટકા ઘટાડ્યું છે જ્યારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે ફાયનાન્સિયલ સેક્ટરમાં રોકાણ 11 ટકા વધાર્યું છે. સેક્ટોરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો, 2022માં નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 28 ટકા ઘટ્યો છે જ્યારે બેન્ક નિફ્ટી 16 ટકા વધ્યો છે. બ્રોકરેજ ફર્મ શેરખાનના કેપિટલ માર્કેટ સ્ટ્રેટેજી હેડ ગૌરવ દુઆ કહે છે કે, સ્ટોક માર્કેટમાં હવે બેન્ક, ઓટો અને એન્જિનિયરિંગ સ્ટોક્સમાં તેજીની શક્યતા છે. નજીકના સમયગાળામાં તો આઈટી સેક્ટર અંડરપર્ફોર્મ કરશે. જો બેથી ત્રણ વર્ષ જોખમ લેવાની ક્ષમતા હોય તો જ, આઈટી સેક્ટરમાં પૈસા નાખવા.
ગૌતમ અદાણી બન્યા વિશ્વનાં બીજા ક્રમના ધનિક વ્યક્તિ ભારતનાં નં.1 ધનિક ગૌતમ અદાણી વિશ્વનાં અબજોપતિની યાદીમાં બીજા ક્રમે પહોંચી ગયા છે. ફ્રાન્સના બિઝનેસમેન બર્નાર્ડ આરનોલ્ટને પાછળ પાડીને અદાણીએ આ પોઝિશન હાંસલ કરી છે. અદાણી અને તેમના પરિવારની નેટ વર્થ 155.4 અબજ ડૉલર નોંધાઈ છે જ્યારે નંબર વન પર બેઠેલા ઈલોન મસ્કની નેટ વર્થ 273.5 અબજ ડૉલર છે. અદાણી ગ્રૂપના શેર્સમાં ચાલી રહેલી તેજીને પગલે ગૌતમ અદાણીની નેટવર્થમાં જબરજસ્ત વધારો થયો છે અને તેઓ મુકેશ અંબાણીથી પણ આગળ નીકળી ગયા છે.
મસાલાના ભાવમાં ભડકો, જીરુની કિંમત બમણી થઈ ગઈ ખાવાપીવાની ચીજવસ્તુઓ સતત મોંઘી થઈ રહી છે અને હવે મસાલાના ભાવમાં ભડકો થયો છે. ઊંઝા માર્કેટયાર્ડ્સમાં એક વર્ષ પહેલાં બાવીસ્સોથી ચોવીસ્સો રૂપિયામાં મળતું એક મણ જીરું હવે સાડા ચાર હજાર રૂપિયાથી પણ વધુ ભાવે મળે છે. ઊંઝા માર્કેટયાર્ડના વાઈસ પ્રેસિડન્ટ અરવિંદ પટેલનું કહેવું છે કે, એક મણ જીરાનો ભાવ હજુ પણ વધશે અને 4,700થી 5,000 રૂપિયા થઈ જશે. અથાણું અને મસાલાનું ઉત્પાદન કરતી એક કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દીપકભાઈ સંઘવી કહે છે કે, લીલા મરચાં અને કાળી ઈલાયચીની છૂટક કિંમત પણ ડબલ થઈ ગઈ છે. છેલ્લાં 1 વર્ષમાં હળદરને બાદ કરતાં અન્ય તમામ મસાલાના ભાવ બમણા થયા છે અને તેમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. જો તમને મસાલેદાર અને ચટાકેદાર ખાવાનો શોખ હોય, તો ઊંચી કિંમત ચૂકવવાની તૈયારી રાખવી પડશે.
RBI વ્યાજ દરમાં 0.50% વધારો કરશે: નોમુરા, મોર્ગન સ્ટેન્લે સસ્તામાં મળતી લોનના દિવસો ગયા, હવે ઊંચા વ્યાજદર માટે તૈયાર રહેજો. વિશ્વની બે જાણીતી બ્રોકરેજ કંપની નોમુરા અને મોર્ગન સ્ટેન્લેના જણાવ્યા અનુસાર, ભારતીય રિઝર્વ બેંક તેની આગામી મોનેટરી પોલિસીની બેઠકમાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરી શકે છે. આરબીઆઇની ક્રેડિટ પોલિસીની બેઠક 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બરની વચ્ચે મળવાની છે. અત્યારે રેપો રેટ 5.40 ટકા છે અને તે વધીને 6 ટકા કે 6 ટકાથી ઉપર જવાની શક્યતા છે. બેંકોએ તથા નાણાકીય સંસ્થાઓએ રિઝર્વ બેન્કના રેપો રેટ સાથે તાલ મિલાવીને વ્યાજના દરમાં ફેરફાર કરવો પડે છે. એટલે કે, જો રિઝર્વ બેન્ક રેપો રેટ વધારશે તો, તમારી હોમ લોન, ઓટો લોન અને અન્ય તમામ પ્રકારની લોન પણ તે પ્રમાણે મોંઘી થશે અને તમારે વધુ હપ્તા ભરવા પડશે.
સેન્ટ્રલ બૅન્ક ઑફ ઈન્ડિયાએ FDના ઈન્ટરેસ્ટ રેટ વધાર્યાં સરકારી ધિરાણકર્તા સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ બેન્કમાં બે કરોડ રૂપિયાથી ઓછી રકમની FD કરનાર ગ્રાહકને નવા રેટનો ફાયદો મળશે. બેન્કે 10 સપ્ટેમ્બરથી નવા રેટ લાગુ કર્યા છે. હવે બેન્ક 7 દિવસથી 14 દિવસની FD પર 2.75 ટકા, 15 દિવસથી 30 દિવસની FD પર 2.90, 31 દિવસથી 45 દિવસની FD પર 3 ટકા, 46થી 90 દિવસની FD પર 3.35 ટકા, 60થી 90 દિવસની FD પર 3.50 ટકા અને 91 દિવસથી 179 દિવસની FD પર 4 ટકા વ્યાજ આપશે. જો તમે 3 વર્ષથી 5 વર્ષની FD કરાવશો, તો બેન્ક તમને 5.50 ટકા વ્યાજ આપશે. બેન્ક સીનિયર સીટિઝનને અડધો ટકો વધુ વ્યાજ આપે છે.
અનુકૂળતા મુજબ ફ્લાઇટને રિશિડ્યુઅલ કરોઃ Ixigo હવે, ફ્લાઈટ ઉપડવાના ગણતરીના કલાકો પહેલાં તમે અનુકૂળતા પ્રમાણે શિડ્યુઅલમાં ફેરફાર કરી શકશો. ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ ઈગ્ઝિગોએ હવાઈમુસાફરો માટે એક ખાસ ફીચર સામેલ કર્યું છે. કંપનીએ જણાવ્યું છે કે, હવાઇયાત્રીઓ હવે વિમાન ઉપડવાના 8 થી 24 કલાક પહેલા તેમની ફલાઇટ, મુસાફરીની તારીખ, ફ્લાઈટના ઓરિજન અને ડેસ્ટિનેશનને રિશિડ્યુઅલ કરી શકશે. આ ખાસ ફિચર ફ્લેક્સી-ઓપ્શન તરીકે ઓળખાશે. જોકે, યાત્રીએ આ ફિચરનો લાભ લેવા માટે 149 રૂપિયાની મામૂલી ફી ચૂકવવી પડશે. આ ખાસ ફિચર અત્યારે તો ફક્ત ડોમેસ્ટીક ફ્લાઇટ્સ માટે રાખવામાં આવ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો