Money9 Gujarati:
રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા પર ભારતને મળતું ડિસ્કાઉન્ટ બે મહિનામાં બમણું થઈ ગયું છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 90 ડૉલરને પાર થઈ ગયો છે ત્યારે ભારતને રશિયા પાસેથી મળતાં ક્રૂડ ઓઈલ પર પ્રતિ બેરલ 8થી 10 ડૉલરનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અગાઉ રશિયાએ ભારતને ડિસ્કાઉન્ટ આપવાનું બંધ કરી દીધું હતું, પરંતુ ભારતનાં આયાતકારોએ રશિયા પાસેથી ઓઈલની ખરીદી ઘટાડીને ડિસ્કાઉન્ટ આપવાનું દબાણ બનાવ્યા બાદ, રશિયાએ ડિસ્કાઉન્ટ ફરી શરૂ કર્યું હતું. ડિસ્કાઉન્ટ મળવા લાગ્યું એટલે આયાતકારોએ રશિયા પાસેથી ઓઈલની ખરીદી વધારી અને સપ્ટેમ્બરમાં ભારતમાં થયેલા ક્રૂડ ઓઈલમાં રશિયન ઓઈલનો હિસ્સો વધીને 38 ટકા થઈ ગયો, જે ઓગસ્ટમાં 33 ટકા હતો.
રશિયન સપ્લાય વધ્યો
રશિયાથી આયાત થતા ઓઈલમાં 65 ટકાથી પણ વધારે હિસ્સો ધરાવતી ભારતની સરકારી રિફાઈનરીઓએ સપ્ટેમ્બરમાં રશિયાથી ઓઈલની આયાતમાં 25 ટકાનો વધારો નોંધ્યો છે, નહીંતર ઓગસ્ટમાં તેમની રશિયન આયાત 30 ટકા ઘટી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સરકારી રિફાઈનરીઓ મહત્તમ ડિસ્કાઉન્ટ મેળવવા અને પેમેન્ટની જટિલતામાંથી બચવા માટે રશિયન ઓઈલની ખરીદી બિન-રશિયન સપ્લાયર્સ પાસેથી કરી રહી છે. આ સપ્લાયર્સ કોઈ નાના-મોટા ખેલાડી નથી હોતા, પરંતુ મોટા ગજાનાં ખેલાડી હોય છે. તેમની પાસે રશિયન ઓઈલનો સપ્લાય મેળવવાની, ઈચ્છા પડે ત્યારે પ્રતિબંધ મૂકવાની અને વૈશ્વિક ધારાધોરણો તથા નિયમો કોરાણે મૂકીને ભારત સુધી ઓઈલનો સપ્લાય સુરક્ષિત રીતે પહોંચાડવાની તાકાત હોય છે.
હાજર બજારમાં સોદા
સરકારી રિફાઈનરીઓ રશિયાનું મોટા ભાગનું ઓઈલ હાજર બજારમાં (Spot Market) કરે છે. આમ તો, G7 દેશોએ રશિયન ઓઈલ પર 60 ડૉલર પ્રતિ બેરલની મર્યાદા મૂકેલી છે. એટલે ભારતીય રિફાઈનરીઓ રશિયાનું ઓઈલ ડિસ્કાઉન્ટમાં પણ આ ભાવથી તો વધારે ભાવે જ ખરીદે છે. ભારતની સરકારી કંપની BPCLની કુલ ઓઈલની ખરીદીમાં રશિયન ઓઈલનો હિસ્સો લગભગ 50 ટકા છે જ્યારે IOC અને HPCLના કુલ ઓઈલમાં રશિયાનો હિસ્સો લગભગ 33 ટકા છે.
પેમેન્ટ
ઓઈલ સપ્લાયર્સની પ્રાથમિકતાના આધારે સરકારી રિફાઈનરીઓ દ્વારા રશિયન તેલનું પેમેન્ટ અમેરિકન ડૉલર અને UAE દિરહામમાં કરવામાં આવે છે. જોકે, રિફાઈનરીઓએ ચીનના ચલણ યુઆનમાં પેમેન્ટ કર્યું હોવાના સમાચાર બાદ સરકારે નારાજગી વ્યક્ત કરી હતી અને આથી, કંપનીઓએ યુઆનનો ઉપયોગ બંધ કર્યો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો