MONEY9: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
ATFની કિંમત ઘટતાં હવાઈ ટિકિટ સસ્તી થવાની શક્યતા ફ્લાઈટની ટિકિટ સસ્તી થવાની શક્યતા છે. છેલ્લાં બે વર્ષથી એર-ટિકિટના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ હવે તેમાં રાહત મળવાની શક્યતા છે. છેલ્લાં બે મહિનામાં વિમાની ઈંધણની કિંમતમાં પ્રતિ કિલો લિટરે 16,000 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં એક કિલોલીટર જેટ ફ્યુઅલની કિંમત ઘટીને 96 હજાર રૂપિયાની નીચે પહોંચી છે. જેટ ફ્યુઅલ સસ્તું થવાથી એરલાઈન કંપનીઓ ટિકિટના ભાડાં પણ ઘટાડે તેવી શક્યતા છે. જો હવાઈટિકિટ સસ્તી થશે તો દેશનાં પ્રવાસન સેક્ટરને પ્રોત્સાહન મળશે અને વધુ લોકો હવાઈપ્રવાસ કરશે. ઓઈલ અને ગેસ કંપનીઓએ વિમાની ઈંધણની કિંમત ઘટાડી છે પરંતુ કાર અને બાઈકમાં વપરતાં પેટ્રોલ કે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. છેલ્લાં 13 મહિનાથઈ પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત્ છે.
બેન્કો મે મહિનામાં 12 દિવસ માટે બંધ રહેશે મે મહિનામાં 12 દિવસ બેન્કો બંધ રહેવાની છે. રિઝર્વ બેન્ક દ્વારા જાહેર થયેલી રજાઓની યાદી અનુસાર, શનિ-રવિ તેમજ વિવિધ તહેવારો અને જ્યંતીને લીધે 12 દિવસ બેન્કિંગ કામકાજ બંધ રહેશે. આ 12 રજાઓમાં 4 રવિવાર અને 2 શનિવાર પણ સામેલ છે. બાકીની છ રજાઓ ચોક્કસ રાજ્યોમાં લાગુ પડશે. મે મહિનામાં 7, 14, 21 અને 28 મેના રોજ રવિવાર છે જ્યારે 13મીએ બીજો અને 27મીએ ચોથો શનિવાર હોવાથી બેન્કોમાં રજા રહેશે. પહેલી મેના રોજ લેબર ડે અને મહારાષ્ટ્ર દિવસ હોવાથી મહારાષ્ટ્ર ઉપરાંત, બિહાર, ગોવા, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળમાં રજા રહેશે. બીજી મેના રોજ, શિમલામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નિમિત્તે બેન્કો બંધ રહેશે. પાંચમી મે, શુક્રવારના રોજ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ગુજરાત, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ, યુપી, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, આસામ, બિહાર, અરૂણાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં બેન્કો બંધ રહેશે. 9 મેના રોજ, રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ હોવાથી બંગાળમાં રજા રહેશે. 16મીએ સિક્કિમ સ્ટેટ ડે હોવાથી સિક્કમમાં અને 22મીએ મહારાણા પ્રતાપ જયંતિ હોવાથી હિમાચલ પ્રદેશમાં બેન્કો બંધ રહેશે.
મારુતિ, હ્યુન્ડાઈના વેચાણમાં વધારો, TATAને લાગ્યો ઝટકો! દેશની ઓટો કંપનીઓએ એપ્રિલ મહિનાના વેચાણના આંકડા જાહેર કર્યાં છે. ઓટો કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે અગાઉના મહિનાના વેચાણનાં આંકડા જાહેર કરે છે. આ આંકડા કંપનીઓ દ્વારા ડીલર્સને થતાં વેચાણના હોય છે જ્યારે ગ્રાહકોને થતા રિટેલ વેચાણના આંકડા 10 તારીખે ફાડા દ્વારા જાહેર થાય છે. એપ્રિલના વેચાણની વાત કરીએ તો, સૌથી વધુ કાર વેચતી કંપની મારુતિએ એપ્રિલમાં વેચાણમાં 7 ટકા વધારો નોંધાવ્યો છે. હ્યુન્ડાઇના ઓટો સેલ્સમાં સાડા ત્રણ ટકાનો વધારો થયો છે જ્યારે ટાટા મોટર્સનું વેચાણ 4 ટકા ઘટ્યું છે. કિઆ મોટર્સના વેચાણમાં મોટો જમ્પ જોવા મળ્યો છે. કિઆનું વેચાણ 22 ટકા વધ્યું છે. આ ઉપરાંત નિસાન મોટર્સના સેલ્સમાં 24 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે જ્યારે એમજી મોટર્સનું વેચાણ તો બમણું થઇ ગયું છે.
કાર કંપનીઓ 81 નવા મોડેલ્સ લૉન્ચ કરશે કાર કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે ચાલુ વર્ષે અનેક ગાડીઓનો કાફલો બજારમાં ઉતારશે. ચાલુ નાણાકીય વર્ષમાં કાર કંપનીઓ 81 નવા મોડેલ્સ લૉન્ચ કરવાની છે. કાર કંપનીઓ આધુનિક ફીચર્સ ધરાવતા નવા મોડેલ્સ રજૂ કરશે. કંપનીઓ 27 જૂની કારના રિફ્રેશ મોડેલ લૉન્ચ કરશે જ્યારે 54 નવા મોડેલ્સ લૉન્ચ કરશે. ગયા નાણાકીય વર્ષમાં કાર કંપનીઓએ માત્ર 17 નવા મોડેલ્સ લૉન્ચ કર્યા હતા જ્યારે 37 રિફ્રેશ મોડેલ્સ હતા. કાર માર્કેટમાં ગ્રાહકોની પસંદમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે. ગ્રાહકો હવે મોટી ગાડીઓ પસંદ કરી રહ્યાં છે અને લક્ઝરી કાર માર્કેટમાં તેજી છે. આથી, કંપનીઓ આ બાબતોને ધ્યાનમાં રાખીને નવા લૉન્ચિંગ કરશે.
RIL દિવાળી સુધીમાં લાવશે જિયો ફાયના.નો IPO મુકેશ અંબાણીની કંપની દિવાળી સુધીમાં આઈપીઓ લાવે તેવી શક્યતા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેની પેટાકંપનીને શેરબજારમાં લઈ જવાની તૈયારીમાં લાગી ગઈ છે. રિલાયન્સ ગ્રૂપ ઓક્ટોબર કે નવેમ્બર સુધીમાં તેની પેટાકંપનીનો આઈપીઓ લાવે તેવી શક્યતા છે. આ કંપની છે જિયો ફાયનાન્શિયલ સર્વિસિસ. આ કંપનીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી અલગ પાડીને શેરબજારમાં લિસ્ટ કરાવવા માટે બીજી મેના રોજ શેરહોલ્ડર્સ પાસે મંજૂરી માંગવામાં આવશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેના એક શેર સામે જિયો ફાયનાન્શિયલ સર્વિસસનો 1 શેર આપશે. રિલાયન્સે આ કંપનીના ચેરમેન તરીકે કે વી કામથની નિમણૂક પણ કરી દીધી છે.
ખાતુ ખાલી હશે છતાં ATMમાં પૈસા ઉપાડવા જશો તો ચાર્જ લાગશે પંજાબ નેશનલ બેન્કે પહેલી મેથી નવા નિયમ લાગુ કર્યાં છે. પીએનબીના ગ્રાહકો હવે ખાતામાં પૈસા નહીં હોય અને એટીએમમાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કરશે, તો તેણે 10 રૂપિયા ચાર્જ વત્તા જીએસટી ભરવો પડશે. બેન્કે તેના ગ્રાહકોને આ નિયમની જાણકારી મેસેજ દ્વારા આપી છે. બેન્કે તેની વેબસાઈટ પર નોટિસ દ્વારા પણ આ નિયમની માહિતી આપી છે. નવા નિયમ 1 મે, 2023થી અમલમાં આવ્યા છે.
ટાટા મોટર્સે પેસેન્જર વ્હિકલ્સના ભાવ વધાર્યાં ટાટા મોટર્સની ગાડીઓ પહેલી મેથી મોંઘી થઈ ગઈ છે. ટાટા ટિયાગોનું બેઝ વેરિયન્ટ હવે 5.54 લાખ રૂપિયામાં પડશે જ્યારે પંચ પ્યોરના બેઝ વેરિયન્ટની કિંમત 5.99 લાખ રૂપિયાથી શરૂ થશે. ટાટાની નેક્સોન XE પેટ્રોલ મેન્યુઅલ ટ્રાન્સમિશન માટે તમારે હવે 7.79 લાખ રૂપિયા ચૂકવવા પડશે. ટાટા હેરિયર XE મેન્યુઅલ ટ્રાન્સમિશન માટે 14.99 લાખ રૂપિયા ચૂકવવા પડશે જ્યારે સફારી XE મેન્યુઅલ ટ્રાન્સમિશનની કિંમત 15.64 લાખ રૂપિયાથી શરૂ થશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો