MONEY9: જો તમે પોતાનું ઘર બનાવવાનું કે નવું ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યાં છો, તો તમારે વધુ ખર્ચ કરવો પડે તેવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે, સિમેન્ટ મોંઘો થવાનો તખ્તો ગોઠવાઈ ગયો છે. સતત 4 મહિના સુધી તો, સિમેન્ટના ભાવ ઘટ્યા હતા, પરંતુ માંગમાં વધારો થવાથી સિમેન્ટ કંપનીઓને ભાવ વધારવાની તાકાત મળી છે…
દેશમાં ચોમાસાની સીઝન પતી…, એટલે બાંધકામ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલુ થઈ ગઈ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન જેવા સેક્ટર્સમાં સિમેન્ટની જબરજસ્ત માંગ હોવાથી ફેક્ટરી લેવલે યુટિલાઈઝેશન લેવલ ઉપર જઈ રહ્યું છે અને રૂપિયો તૂટવાથી કંપનીઓનો ખર્ચ વધી ગયો છે. એક બાજુ માંગ વધી રહી છે અને સાથે સાથે ખર્ચ પણ વધી રહ્યો છે, એટલે સિમેન્ટ કંપનીઓ પર ભાવ વધારવાનું દબાણ સર્જાયું છે.
IIFL સિક્યોરિટીઝે તેના રિપોર્ટમાં નોંધ્યું છે કે, સિમેન્ટ કંપનીઓ ડિસેમ્બર સુધીમાં ભાવ ધીમે-ધીમે 6 થી 8 ટકા વધારી શકે છે. શ્રી સિમેન્ટ 15 નવેમ્બર પછી 50 કિલો થેલીના ભાવમાં ધીમે ધીમે 15 રૂપિયા સુધીનો વધારો કરે તેવી ધારણા છે. તાજેતરમાં જ અલ્ટ્રાટેક સિમેન્ટ, દાલમિયા ભારત અને જેકે સિમેન્ટ જેવી કંપનીઓની એનાલિસ્ટ્સ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં કંપનીઓએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં તેમની કમાણી પર અસર પડી છે. ઈનપુટ કૉસ્ટ વધવાથી માર્જિન પર દબાણ સર્જાયું છે. જોકે, ત્રણેય કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરથી સ્થિતિ સુધરવાની આશા પણ વ્યક્ત કરી છે.
બ્રોકરેજ કંપની જેફરિઝના એનાલિસ્ટ્સનું માનવું છે કે, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સિમેન્ટની સરેરાશ કિંમત 5.5 ટકા નીચે રહી હતી, પરંતુ હવે સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ વધાર્યો હોવાથી, સિમેન્ટ સેક્ટરની સરેરાશ કિંમત વધશે. રેટિંગ એજન્સી ક્રિસિલ પણ માને છે કે, આગામી મહિનામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં સિમેન્ટની માંગ વધશે.
પરંતુ માંગમાં વધારો થવાથી સિમેન્ટ કંપનીઓને ભાવ વધારવાની તક મળી જશે. અને જો ભાવ વધશે તો ઘર બનાવવાનો ખર્ચ પણ વધશે. આથી, બિલ્ડર્સ ઘરના ભાવ વધારશે, અને છેવટે, બોજ તો, ગ્રાહકોના માથે જ આવશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો