MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.
ચાઇનીઝ લોન એપ સામે લાલ આંખ સરળતાથી લોન આપતી અને લોકો સાથે છેતરપીંડી કરતી ચાઇનીઝ મોબાઇલ એપથી સાવધ રહેજો. આ શબ્દો હતા દેશના નાણાપ્રધાન નિર્મલા સિથારામનના. તેમણે આ શબ્દો કહ્યા છે દેશની રાજ્યસભામાં. રાજ્યસભામાં TMCના સાંસદ નદીમુલ હકે જણાવ્યું હતું કે, દેશમાં 600 જેટલી એપ કોઇ પણ પ્રકારની તપાસ વગર નાની લોન્સ આપી રહી છે. પરંતુ જો લોન લેનાર હપ્તાની ચુકવણીમાં નિષ્ફળ જાય તો આ એપ્સ લોન લેનારને રિકવરી માટે હેરાન કરે છે. તાજેતરમાં આવી એપ પરથી લોન લઇને હપ્તા નહીં ભરી શકનાર એક લોનધારકને એપના સંચાલકો દ્વારા ધાકધમકી આપવામાં આવતી હતી. આ લોનધારકને માત્ર 3 હજાર રૂપિયા ચુકવવાના બાકી હતા પરંતુ એપ સંચાલકોની હેરાનગતિથી પરેશાન થઇને તેણે આપઘાત કરી લીધો. આ મુદ્દા પર નાણા પ્રધાને જણાવ્યું હતું કે દેશની રિઝર્વ બેન્ક અને સરકારે આ બાબતનું સંજ્ઞાન લીધું છે અને સરકાર સુનિશ્ચિત કરશે કે સામાન્ય માણસને કોઇ પણ એપ દ્વારા છેતરવામાં આવે.
ભારત સીરીઝ નંબર પ્લેટ માટે મળી છૂટ હવેથી વધુ સંખ્યામાં ભારત સીરીઝવાળા વાહનો દેશના રસ્તાઓ પર દોડતા થશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે કે, જો તમારે, અત્યારે તમે જે વાહન ચલાવો છો તેના માટે ભારત સીરીઝની નંબર પ્લેટ જોઇતી હોય તો તમે અરજી કરીને ભારત સીરીઝની નંબર પ્લેટ મેળવી શકો છો. તમારે તમારા રેગ્યુલર વ્હિકલ રજિસ્ટ્રેશનને ભાર સીરીઝ નંબરમાં ફેરવવા માટે ટેક્સ પેટે ચોક્કસ રકમ ચુકવવી પડશે. જો તમે ખાનગી ક્ષેત્રના કર્મચારી હોવ તો તમારે ભારત સીરીઝની નંબર પ્લેટ લેવા માટે વર્કિંગ સર્ટિફિકેટ આપવું પડશે પરંતુ જો તમે વિદ્યાર્થી હોવ તો તમને ભારત સીરીઝની નંબર પ્લેટ નહીં મળે.
હોન્ડા કાર્સ વધારશે ગાડીઓના ભાવ નવા વર્ષના પ્રારંભથી ઓટોમોબાઈલ્સની કિંમતમાં વધારો થશે. દરરોજ કોઈ ને કોઈ કંપની ભાવમાં વધારો જાહેર કરી રહી છે. મારુતિ, ટાટા, કિઆ, હ્યુન્ડાઈ, ફોક્સવાગન, મર્સિડીઝ-બેન્ઝ, ઓડી બાદ હવે હોન્ડા કાર્સ ઈન્ડિયાએ પણ ભાવ વધારવાની જાહેરાત કરી છે. હોન્ડા કાર્સે જણાવ્યું છે કે, 23 જાન્યુઆરી-2023થી તેની ગાડીઓની કિંમત 30 હજાર રૂપિયા સુધી વધી જશે. હોન્ડાએ પણ ભાવમાં વધારો કરવા માટે અન્ય કંપનીઓ જેવા કારણોને જવાબદાર ગણાવ્યા છે. કાચો માલ મોંઘો થવાથી ઓટોમોબાઈલ કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. આ સિવાય પ્રદૂષણ સંબંધિત નવા નિયમોનું પાલન કરવા માટે પણ કંપનીઓના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે.
સૉવરિન ગોલ્ડ બોન્ડની Series IIIમાં રોકાણની તક કોવિડ મહામારી ત્રાટકી ત્યારથી ભારતનાં રોકાણકારોમાં સ્ટોક માર્કેટ, ફિક્સ્ડ ડિપોઝિટ, ગોલ્ડ જેવી એસેટનું આકર્ષણ વધ્યું છે… આ સિવાય અન્ય એક વિકલ્પ પણ રોકાણકારોને આકર્ષી રહ્યો છે અને તે છે, સોવરિન ગૉલ્ડ બોન્ડ. વર્ષ 2015થી શરૂ થયેલી આ સરકારી સ્કીમને સાડા સાત વર્ષ થઈ ગયા છે અને અત્યાર સુધીમાં જેટલા પણ ગોલ્ડ બોન્ડ વેચાયા છે, તેમાંથી 75 ટકા બોન્ડ માત્ર 2020-21 અને 2021-22માં વેચાયા છે. જો તમે હજુ સુધી ગોલ્ડ બોન્ડ સ્કીમને સબ્સક્રાઈબ ના કરી હોય તો, આવતા સપ્તાહે કરી શકો છો. રિઝર્વ બેન્ક દ્વારા 19 ડિસેમ્બરથી સોવરિન ગોલ્ડ બોન્ડની નવી એડિશન શરૂ થઈ રહી છે. તેની ઈશ્યૂ પ્રાઈસ હજુ જાહેર થઈ નથી. જો તમે ઓનલાઈન સબ્સક્રાઈબ કરશો તો, તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તમે બેન્કની વેબસાઈટ પરથી સબ્સક્રાઈબ કરી શકો છો. સરકાર તમને દર વર્ષે અઢી ટકા વ્યાજ આપશે. તમે 8 વર્ષ બાદ પૈસા પાછા લઈ શકો છો. શુક્રવારે 999 પ્યોરિટી ધરાવતા 1 ગ્રામ સોનાનો ભાવ 5,388 રૂપિયા હતો.
ICICI પ્રુ. MFએ લૉન્ચ કર્યું ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ વધતા વ્યાજ દરના માહોલને ધ્યાનમાં રાખીને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ લૉન્ચ કરવા લાગી છે. હવે, ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે પણ આવું ફંડ લૉન્ચ કર્યું છે. આ ફંડનું નામ છે નિફ્ટી SDL સપ્ટેમ્બર-2026 ઈન્ડેક્સ ફંડ. આ સ્કીમનો NFO 20 ડિસેમ્બર સુધી ખુલ્લો છે. આ સ્કીમ એક ઓપન-એન્ડેડ સ્કીમ છે અને તે નિફ્ટી SDL સપ્ટેમ્બર 2026 ઈન્ડેક્સનું અનુકરણ કરશે. SDL એટલે કે સ્ટેટ ડેવલપમેન્ટ લોન. જેવી રીતે કેન્દ્ર સરકાર ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ઈશ્યૂ કરે છે, તેવી જ રીતે વિવિધ રાજ્યો દ્વારા ભંડોળ મેળવવા માટે જે સિક્યોરિટીઝ ઈશ્યૂ કરવામાં આવે તેને SDL કહે છે. આમ, આવી સિક્યોરિટીઝમાં ક્રેડિટ રિસ્ક લગભગ નહીંવત્ રહે છે. કંપનીએ જણાવ્યું છે કે, વ્યાજના દર વધી રહ્યાં છે ત્યારે જે રોકાણકારો ફિક્સ્ડ-સમયગાળા માટે રોકાણ કરવા માંગે છે તેઓ ટાર્ગેટ મેચ્યોરિટી ફંડને પસંદ કરી શકે છે. આ ઈન્ડેક્સ ફંડનો સમયગાળો સપ્ટેમ્બર 2026 સુધીનો છે, એટલે જે રોકાણકારો મધ્યમ-ગાળા માટે રોકાણ કરવા માંગે છે, તેઓ આ વિકલ્પ અંગે વિચારી શકે છે.
IRM Energy લાવશે IPO શહેરી ગેસ વિતરણ કંપની IRM એનર્જી લિમિટેડે IPO લાવવા માટે ડ્રાફ્ટ પેપર્સ જમા કરાવ્યા છે. કંપની IPOમાં એક પણ ફ્રેશ શેર ઈશ્યૂ નહીં કરે, એટલે કે તે સંપૂર્ણપણે ઑફર-ફોર-સેલ હશે. કંપનીના પ્રમોટર્સ દ્વારા શેર વેચવામાં આવશે. IRM એનર્જીનો 49 ટકાથી પણ વધુ હિસ્સો કેડિલા ફાર્માસ્યુટિકલ્સ પાસે છે. કંપની ગુજરાત, પંજાબ અને તામિલ નાડુમાં CNG અને PNGનું વિતરણ કરે છે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા છ મહિનામાં કંપનીની આવક બમણી થઈને 504 કરોડ રૂપિયા નોંધાઈ છે જ્યારે કર બાદનો નફો 18 ટકા ઘટીને 39 કરોડ રૂપિયા થયો છે.
BOI અને ICICI બેન્કે FD વ્યાજ દર વધાર્યાં વધુ બે બેન્કોએ ફિક્સ્ડ ડિપોઝિટના રેટમાં વધારો કર્યો છે. ખાનગી સેક્ટરની ધિરાણકર્તા ICICI બેન્ક હવે 15 મહિનાની FD પર 7 ટકા વ્યાજ દર ઑફર કરી રહી છે. જો તમે સીનિયર સીટિઝન હશો, તો તમને અડધો ટકો વધુ વ્યાજ મળશે. આ બેન્કમાં 1 વર્ષની FD કરાવશો, તો 6.6 ટકા વ્યાજ મળશે. અન્ય એક ધિરાણકર્તા, બેન્ક ઑફ ઈન્ડિયાએ પણ FDના રેટમાં વધારો કર્યો છે. આ બેન્ક 444 દિવસની FD પર 6.75 ટકા ઈન્ટરેસ્ટ રેટ આપી રહી છે. જો સીનિયર સીટિઝન 3 વર્ષ માટે FD કરાવે તો, બેન્ક સાડા છ ટકા વ્યાજ ચૂકવશે, પરંતુ જો 3 વર્ષથી વધુ મુદત માટે FD કરાવે તો, બેન્ક પોણો ટકો વધુ વ્યાજ ચૂકવશે.
નવેમ્બરમાં રૂ. 4,646 કરોડનું સર્વોચ્ચ ફાસ્ટેગ કલેક્શન ફાસ્ટેગ ટોલ કલેક્શનમાં સતત વધારો થઇ રહ્યો છે. નવેમ્બર 2022માં સરકારે ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનમાંથી રૂ. 4,646 કરોડની આવક કરી. નવેમ્બર મહિનામાં અત્યાર સુધીના સૌથી વધુ 285 મિલિયન ટ્રાન્ઝેક્શન થશે. અગાઉ ચાલુ વર્ષે મે મહિનામાં સર્વોચ્ચ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. નિષ્ણાતોનું માનવું છે કે ટોલ ટેક્સની વસૂલાત માટે વધુને વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી તેમજ સિસ્ટમ વધુ ઓટોમેટિક થવાથી ફાસ્ટેગ કલેક્શનમાં સતત વધારો થશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો