MONEY9 GUJARATI:
ગુજરાતની માંદી કંપનીને ખરીદવા માટે અંબાણી અને અદાણી ફરી સામસામે આવી ગયા છે. OPG ગ્રૂપની કંપની ભદ્રેશ્વર વિદ્યુતને ખરીદવા માટે અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી ગ્રૂપની અદાણી પાવરે રસ દર્શાવ્યો છે. નાદારી નોંધાવનારી આ કંપની અગાઉ OPGS પાવર ગુજરાત તરીકે ઓળખાતી હતી. તે કચ્છમાં બે વીજમથક ધરાવે છે, જેની ઉત્પાદન ક્ષમતા 150 મેગાવોટની છે. અંબાણી અને અદાણી ઉપરાંત, અમદાવાદની ટોરેન્ટ પાવર તેમજ અનિલ અગરવાલની વેદાંતા અને જિન્દાલ પાવર સહિત કુલ 14 કંપનીએ બિડ જમા કરાવી છે, એવો અહેવાલ ઈકોનોમિક ટાઈમ્સે પ્રકાશિત કર્યો છે.
નાદારીની અદાલતમાં કેસઃ ભદ્રેશ્વર વિદ્યુતે ગયા વર્ષે નાદારી નોંધાવી હતી. SBIએ તેની સામે કેસ કર્યો છે અને નાદારીની અદાલતમાં રિઝોલ્યુશન પ્રોસેસ ચાલી રહી છે. આ કંપનીએ રૂ.3,463 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની છે, જેમાં ફાયનાન્શિયલ ક્રેડિટર્સના રૂ.2,936 કરોડના ક્લેમ સામેલ છે. ભદ્રેશ્વર પાવર અગાઉ OPGS પાવર ગુજરાત તરીકે ઓળખાતી હતી. તે OPG ગ્રૂપ દ્વારા પ્રમોટ થયેલું એક સ્પેશિયલ પર્પઝ વ્હિકલ (SPV) છે. ગુજરાતમાં કચ્છમાં તેના બે વીજમથક છે, જેની કુલ ઉત્પાદન ક્ષમતા 150 મેગાવોટ છે. વીજમથકોનો પહેલો યુનિટ ફેબ્રુઆરી-2015માં પૂરો થયો હતો જ્યારે બીજો યુનિટ ફેબ્રુઆરી-2016માં પૂરો થયો હતો.
કોણ-કોણ છે સ્પર્ધામાંઃ ભદ્રેશ્વર વિદ્યુત માટે રસ દાખવનારી અન્ય કંપનીઓમાં શેરિશા ટેકનોલોજિસ પણ સામેલ છે. આ કંપનીએ તાજેતરમાં અનિલ જૈનની કંપની રેફેક્સ ઈન્ડસ્ટ્રીઝનો 22.7 ટકા હિસ્સો ખરીદ્યો હતો. સૂત્રોના મતે, જેપી ઈસ્કૉન, કંડલા એગ્રો એન્ડ કેમિકલ્સ તેમજ કચ્છ કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝે પણ પ્રારંભિક બિડ જમા કરાવી છે.
અદાણી-અંબાણી ફરી સામસામેઃ ભદ્રેશ્વર વિદ્યુત ત્રીજી નાદાર કંપની છે, જેના માટે દેશનાં બે દિગ્ગજ કોર્પોરેટ હાઉસ, અંબાણી અને અદાણી એકબીજાની સામસામે આવી ગયા છે. અગાઉ આ બંને કોર્પોરેટ જૂથે SKS પાવર અને લેન્કો અમરકંટક પાવર માટે રિઝોલ્યુશન પ્લાન્સની ઓફર કરી હતી, પરંતુ તેમણે બિડિંગમાં આક્રમકતા દાખવી નહોતી. રિલાયન્સ ગ્રૂપ અને અદાણી ગ્રૂપે ફ્યુચર રિટેલ માટે પણ ઈરાદાપત્રો જમા કરાવ્યા હતા.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માત્ર સમાચાર પૂરતી મર્યાદિત છે, તેને રોકાણની સલાહ તરીકે ગણતરીમાં લેવી નહીં. આ ખબર લખનાર વ્યક્તિ પાસે ખબરમાં સામેલ કંપનીના શેર નથી. રોકાણ કરવા માટે રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની સલાહ લેવી.)
અન્ય સમાચારઃ https://gujarati.money9.com/uncategorized/money-time-bulletin-12216.html
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો