MONEY9: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
ટ્રેડિંગ/ડિમેટ એકાઉન્ટમાં નોમિની અપડેટ કરાવી લો તમે 31 માર્ચ પહેલાં ટ્રેડિંગ અને ડિમેટ એકાઉન્ટમાં નોમિની અપડેટ નહીં કરાવો તો, પહેલી એપ્રિલથી તમે શેરનું ખરીદ કે વેચાણ નહીં કરી શકો. જે રોકાણકારો આ ડેડલાઈન ચૂકી જશે તેમનું ટ્રેડિંગ એકાઉન્ટ ઈનએક્ટિવ થઈ જશે. બ્રોકર્સના જણાવ્યા અનુસાર, અડધાથી વધુ રિટેલ ઈન્વેસ્ટર્સે આ નિયમનું પાલન કર્યું નથી. જો તમે પણ હજુ સુધી નોમિનીનું નામ એડ ના કરાવ્યું હોય તો, તાત્કાલિક તમારા બ્રોકરની વેબસાઈટ પર જઈને આ કામ કરી લો. તમે CDLS અથવા NSDL જેવા ડિપોઝિટરીની વેબસાઈટ પર જઈને પણ આ કામ કરી શકો છો.
જીરાના ભાવમાં તેજીઃ કિલોએ ભાવ Rs 30 વધ્યા ગુજરાત, રાજસ્થાન સહિતનાં રાજ્યો કમોસમી વરસાદથી પરેશાન છે અને ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે ત્યારે જીરાના બજારમાં સટ્ટાકીય તેજીનું તોફાન જોવા મળી રહ્યું છે. ગયા વર્ષે દોઢસો રૂપિયે કિલોમાં વેચાતું જીરું જોતજોતામાં 375 રૂપિયા થઈ ગયું છે અને જાણકારો તો 450 સુધીની ગણતરી માંડી રહ્યાં છે. માવઠાને કારણે ગુજરાત અને રાજસ્થાનના ખેતરોમાં જીરાનો ઊભો પાક બગડી ગયો છે પરંતુ જે ખેડૂતોએ માલ ઉતારી લીધો છે, તે ફાયદામાં છે. હોળી પછીના પંદરેક દિવસમાં 1 કિલો જીરું 30 રૂપિયા સુધી ઊંચકાયું છે.
રિલાયન્સે FMCG ઉદ્યોગમાં પણ ભાવયુદ્ધ છંછેડ્યું નાહવાનો સાબુ 10 રૂપિયા ઓછી કિંમતમાં અને લિક્વિડ ડિટરજન્ટ 75 રૂપિયા સસ્તામાં ખરીદવું છે? તો પહોંચી જાવ જિયો માર્ટ. મોંઘવારીના જમાનામાં મુકેશ અંબાણી આપી રહ્યાં છે સસ્તામાં સામાન ખરીદવાની તક. ટેલિકોમ માર્કેટમાં ભાવયુદ્ધ છેડીને ખળભળાટ મચાવ્યા બાદ, હવે અંબાણી FMCG ઉદ્યોગમાં પણ ખળભળાટ મચાવવાની તૈયારીમાં છે. બજારમાં જેટલી પણ પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ છે તેની તુલનાએ રિલાયન્સ સસ્તી કિંમતે કન્ઝ્યુમર ગૂડ્ઝનું વેચાણ કરે છે. રિલાયન્સે કેમ્પા કોલાની કિંમત ઘટાડી હોવાથી મહાકાય બેવરિજ બ્રાન્ડ કોકા કોલાને તેની કોકની કિંમત ઘટાડવાની ફરજ પડી છે. હવે, જોવાનું રહ્યું કે, શું HUL, નેસલે અને ગોદરેજ જેવી FMCG કંપનીઓ સાબુ અને ડિટરજન્ટના ભાવ ઘટાડશે? જો આવું થશે તો, ગ્રાહકોને મોંઘવારીમાં થોડીક રાહત મળશે.
RBI રેપો રેટમાં 0.25% વધારો કરે તેવી ધારણા એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહે RBIની બેઠક મળવાની છે. આ બેઠકમાં વ્યાજના દર વધારવાની જાહેરાત થઈ શકે છે. દેશની સરકારી બેન્કોના અર્થશાસ્ત્રીઓ તેમજ રેટિંગ એજન્સીઓને અપેક્ષા છે કે, રિઝર્વ બેન્ક રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે. બેન્કો આ રેપો રેટના આધારે તેમની લોનના વ્યાજ દર નક્કી કરે છે. એટલે જો, રેપો રેટમાં વધારો થશે તો, તમામ પ્રકારની કન્ઝ્યુમર લોન મોંઘી થઈ જશે.
SBI, HDFC બેન્કની સ્પેશિયલ FD સ્કીમનો લાભ લેવાની છેલ્લી તક સ્પેશિયલ એફડી સ્કીમનો લાભ લેવો હોય તો, 31 માર્ચ છેલ્લી તારીખ છે. દેશની બે મુખ્ય બેન્કોએ તેમની સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ 31 માર્ચ 2023 સુધી લંબાવી છે. SBI તેની 400 દિવસની અમૃત કળશ એફડી સ્કીમ હેઠળ 7.10 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. સીનિયર સીટિઝનને વધુ અડધો ટકો વધુ વ્યાજ મળે છે. HDFC બેન્ક તેની સીનિયર સીટિઝન કેર એફડી સ્કીમમાં 7 ટકા વ્યાજ આપી રહી છે. આ સ્કીમની મુદત 5 વર્ષ 1 દિવસથી લઈને 10 વર્ષ માટેની છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો