Money9 Gujarati:
ભારતમાં સૌથી વધુ મૂલ્યવાન કંપનીઓ ગુજરાતમાં આવેલી છે. ગુજરાતમાં ઓછામાં ઓછી 31 સૌથી વધુ મૂલ્ય ધરાવતી કંપનીઓ છે, જેમનું કુલ મૂલ્ય 14.7 લાખ કરોડ રૂપિયા થાય છે. આ માહિતી ભારતની 500 સૌથી મૂલ્યવાન કંપનીઓ ‘2023 Burgundy Private Hurun India 500’ની યાદીની બીજી આવૃત્તિમાંથી પ્રાપ્ત થઈ છે. અદાણી એન્ટરપ્રાઇઝ ગુજરાતની સૌથી મૂલ્યવાન કંપની છે. અદાણી ગ્રૂપની આ કંપનીનું મૂલ્ય 2.6 લાખ કરોડ રૂપિયા છે. ત્યારબાદ, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) 7 લાખ કરોડ રૂપિયા સાથે બીજા ક્રમે અને અદાણી ગ્રીન એનર્જી 1.4 લાખ કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાને છે.
અદાણી ગ્રુપની આઠ કંપનીઓનું કુલ મૂલ્ય 9.9 લાખ કરોડ રૂપિયા છે, જે ટોચની 500 કંપનીઓના કુલ મૂલ્યના 4.3 ટકા છે. 2023માં અદાણી ગ્રૂપની કંપનીઓનું મૂલ્યાંકન 50 ટકા (9,92,953 કરોડ રૂપિયા) ઘટ્યું હતું. જો કે, અદાણી-હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી જૂથની તરફેણમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી, 17 જાન્યુઆરી 2024 સુધીમાં, અદાણી જૂથે 4,72,636 કરોડ રૂપિયાનું મૂલ્ય પાછું મેળવ્યું હતું.
સમગ્ર દેશની અને આ યાદીની નંબર-1 કંપનીની વાત કરીએ તો, તેમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આવે છે. 2023માં તેનું એકલીનું મૂલ્ય 15.64 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે. 2022ની તુલનાએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું મૂલ્ય 9.3 ટકા ઘટવા છતાં 2023માં આ કંપની નં.-1 પર રહી છે. જોકે, 14 ફેબ્રુઆરી સુધીની માહિતી અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું બજાર મૂલ્ય 20 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે અને આ સિદ્ધિ હાંસલ કરનારી તે ભારતની પ્રથમ કંપની પણ બની ગઈ છે. આમાં જિયો ફાયનાન્સિયલ સર્વિસિસનું 1.72 લાખ કરોડનું બજાર મૂલ્ય સામેલ નથી.
આરોગ્ય સંભાળ ક્ષેત્રે સૌથી વધુ યોગદાન ગુજરાતનું છે. આમાં ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ નંબર 1 પર છે જેની કિંમત 65,332 કરોડ રૂપિયા છે. ત્યારબાદ 61,900 કરોડ રૂપિયાની ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ અને 58,733 કરોડ રૂપિયા સાથે ઝાયડસ લાઇફસાયન્સ છે. એનર્જી સેક્ટરે 5 કંપનીઓ સાથે બીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે કેમિકલ્સ અને કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરની 4 કંપનીઓ ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે.
2023ની બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500 યાદીમાં 25 કંપનીઓ પશ્ચિમ બંગાળ સ્થિત છે. આ કંપનીઓનું સંચિત મૂલ્ય 10.9 લાખ કરોડ રૂપિયા છે. 5,36,811 કરોડ રૂપિયાના મૂલ્ય સાથે, ITC પશ્ચિમ બંગાળની સૌથી મૂલ્યવાન કંપની છે. તે પછી બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ 1,07,466 કરોડ રૂપિયા સાથે અને શ્રી સિમેન્ટ 93,606 કરોડ રૂપિયા સાથે આવે છે.
ઉંમરની દ્રષ્ટિએ, 1892માં સ્થપાયેલી બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ 1,07,466 કરોડ રૂપિયાના મૂલ્યાંકન સાથે સૌથી જૂની છે. આ પછી 1899માં સ્થપાયેલ CESC છે, જેની કિંમત 11,221 કરોડ રૂપિયા છે. ત્રીજા સ્થાને 1910માં સ્થાપિત ITC છે, જેનું મૂલ્યાંકન 5,36,811 કરોડ રૂપિયા છે.
2023 બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500માં ઓછામાં ઓછી 61 કંપનીઓ કર્ણાટક સ્થિત છે. તેમાંથી 35 સ્ટાર્ટઅપ છે. કર્ણાટકની કંપનીઓનું સંચિત મૂલ્ય 22 લાખ કરોડ રૂપિયા છે. કર્ણાટકની સૌથી મૂલ્યવાન કંપની ઇન્ફોસિસ છે જેનું મૂલ્ય 5.7 લાખ કરોડ રૂપિયા છે. આ પછી 2.8 લાખ કરોડ રૂપિયા સાથે ટાઇટન કંપની અને 2 લાખ કરોડ રૂપિયા સાથે વિપ્રો છે.
2023ના બરગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500માં કર્ણાટકના ટોચના સ્ટાર્ટઅપ્સમાં રૂ. 65,400 કરોડના મૂલ્ય સાથે સ્વિગી, રૂ. 58,500 કરોડ સાથે ઝેરોધા અને રૂ. 56,800 કરોડ સાથે રેઝરપેનો સમાવેશ થાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો