Money9 Gujarati:
આ વખતે ચોમાસું સમય પહેલા કેરળમાં પહોંચશે. હવામાન વિભાગ (IMD) દ્વારા 15 મે, બુધવારના રોજ મોડી સાંજે જણાવવામાં આવ્યું હતું કે, વર્તમાન હવામાનની આગાહીના આધારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેની આસપાસ કેરળમાં આવી પહોંચે તેવી શક્યતા છે. આ આગાહીમાં 4 દિવસ આગળ કે પાછળ થઈ શકે છે. આમ, વાસ્તવિક શરૂઆત 27 મેથી 4 જૂન, 2024 વચ્ચે થઈ શકે છે. કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1લી જૂન છે. અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે ચોમાસું 10 જૂન સુધીમાં કેરળમાં પહોંચી જશે.
છેલ્લાં કેટલાક વર્ષોમાં હવામાન વિભાગે કરેલી આગાહી અને વાસ્તવિક ચોમાસાની તારીખ પર નજર નાખીએ તો, વર્ષ 2015 સિવાય કેરળમાં ચોમાસાની શરૂઆત અંગે તેણે કરેલા તમામ દાવાઓમાંથી 2005થી અત્યાર સુધીની તેની તમામ આગાહીઓ સચોટ રહી છે. વર્ષ 2019માં, IMDએ કેરળમાં ચોમાસાના આગમનની તારીખ 8 જૂન આપી હતી જ્યારે 2020માં તે 1લી જૂન, 2021માં 3 જૂન, 2022માં 29 મે અને 2023માં 8 જૂન હતી. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂને કેરળમાં પહોંચે છે, ત્યારબાદ તે ઝડપી ગતિએ ઉત્તર તરફ આગળ વધે છે. 15મી જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે.
La ninaની સાથે સાથે ઈન્ડિયન ઓશન ડીપોલ (IOD)ની સ્થિતિ પણ આ વર્ષે સારા ચોમાસા માટે અનુકૂળ બની રહી છે. ભારતીય હવામાન વિભાગે આ મહિનાની શરૂઆતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી. IMD તરફથી મળેલી તાજેતરની માહિતી અનુસાર, દક્ષિણના રાજ્યો તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં આગામી બે દિવસ સુધી વાવાઝોડું અને વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. IMDએ પણ ભારતીય દ્વીપકલ્પમાં 100 ટકાથી વધુ ચોમાસાના વરસાદની આગાહી કરી છે.
નૈઋત્યનું ચોમાસું ભારતના વાર્ષિક વરસાદનો લગભગ 70 ટકા વરસાદ પૂરો પાડે છે અને તે કૃષિ ક્ષેત્ર માટે જરૂરી છે જે દેશના જીડીપીમાં નોંધપાત્ર યોગદાન આપે છે અને તેની 1.4 અબજ વસ્તીમાંથી અડધાથી વધુને ટેકો આપે છે.
IMD અનુસાર, દેશમાં ચોમાસાનો વરસાદ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ‘સામાન્યથી વધુ’ રહેવાની શક્યતા છે. ચોમાસું તેની સામાન્ય તારીખ 22 મે પહેલા બંગાળની ખાડીમાં આગળ વધશે. ગયા વર્ષે, 96 ટકાના સામાન્ય વરસાદની સામે ચોમાસું 94.4 ટકાએ ‘સામાન્ય કરતાં ઓછું’ હતું. ઓછા વરસાદને કારણે મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં હાલમાં દુષ્કાળની સ્થિતિ છે. રાજ્યમાં પીવાના પાણીથી લઈને ખેતીના પાણી સુધી પાણીની ભારે અછત છે. આવી સ્થિતિમાં વધુ વરસાદ ખેડૂતો માટે સારા સમાચાર લાવી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો