Money9 Gujarati:
Red chilli prices: આવતા વર્ષે લાલ મરચાંની કિંમતમાં જોરદાર ઉછાળો જોવા મળે તેવી શક્યતા છે. તામિલનાડુ કૃષિ વિશ્વવિદ્યાલય (TNAU)ના અંદાજ અનુસાર, 2024માં જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન, લાલ મરચાંની સન્નમ (Sannam) વેરાઈટીનો ભાવ વધીને પ્રતિ કિલો 200થી 210 રૂપિયાની આસપાસ પહોંચી શકે છે. 2023ના આ બંને મહિનામાં સન્નમ વેરાઈટીની કિંમત પ્રતિ કિલો 175થી 180 રૂપિયાની આસપાસ હતી. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લાલ મરચાંના પાકની લણણી થાય છે.
તામિલનાડુ એગ્રી યુનિવર્સિટીના કૃષિ અને ગ્રામીણ વિકાસ અધ્યયન કેન્દ્ર દ્વારા ખેડૂતોને લાલ મરચાંની સન્નમ વેરાઈટીનું વાવેતર કરવાની સલાહ આપી છે. જોકે, ઉત્તર-પૂર્વના વરસાદ તથા અન્ય રાજ્યોમાંથી આવકને પગલે તેની કિંમતમાં ઘટાડો પણ થઈ શકે છે.
કૃષિ વિશ્વવિદ્યાલયની ભાવનો અંદાજ લગાવતી ટીમે તિરુનેલવેલી બજારમાં લાલ મરચંના છેલ્લાં 15 વર્ષના ભાવના આંકડાનું વિશ્લેષણ કર્યું છે અને ત્યારબાદ ભાવમાં વધારો થવાની ભવિષ્યવાણી કરી છે.
સરકારના કૃષિ મંત્રાલયે જાહેર કરેલા પ્રથમ અંદાજ (2022-23)માં લાલ મરચાંનો વાવેતર વિસ્તાર 8.52 લાખ હેક્ટર જણાવ્યો છે અને ઉત્પાદન 19.58 લાખ ટન થવાનો અંદાજ આપ્યો છે. ભારતમાં લાલ મરચાંનું સૌથી વધુ ઉત્પાદન કરનારા રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને તામિલ નાડુનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં થતું ઉત્પાદન કુલ ઉત્પાદનમાં 93 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.
ભારતમાં પાકતા મરચાંની નિકાસ મુખ્યત્ત્વે ચીન, શ્રીલંકા, મલેશિયા, બાંગ્લાદેશ, સિંગાપોર, થાઈલેન્ડ અને યુનાઈટેડ આરબ એમિરાટ્સ (UAE) સહિતના એશિયાના દેશોમાં થાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો