મોંઘા થવાની યાદીમાં ટામેટાં, ડુંગળી બાદ દાળ અને અનાજનો વારો php // echo get_authors();
?>
ઓક્ટોબરમાં દાળનો જથ્થાબંધ મોંઘવારી દર વધીને 19.4 ટકા નોંધાયો છે અને આગામી સમયમાં તે વધુ ઉપર જવાની શક્યતા છે. અનાજના ભાવ પણ સતત ઊંચા સ્તરે જળવાઈ રહ્યાં છે અને આગામી સમયમાં તેમાં રાહત મળવાની શક્યતા નથી.
ટામેટાંની મોંઘવારીમાંથી રાહત મળી તો, ડુંગળી મોંઘીદાટ થઈ ગઈ અને હજુ તેમાંથી કળ વળી નથી ત્યાં અનાજ અને દાળની મોંઘવારી માથું ઊંચકવા લાગી છે. આગામી મહિનાઓમાં દાળ અને અનાજના ભાવ વધવાના સંકેત મળવાનું શરૂ થઈ ગયું છે.
જથ્થાબંધ ભાવ વધ્યા
સરકારે જાહેર કરેલા તાજા આંકડા પ્રમાણે, ઓક્ટોબર મહિનામાં દાળની જથ્થાબંધ મોંઘવારીનો દર વધીને 19.53 ટકા થયો હતો, જે સપ્ટેમ્બરમાં 17.69 ટકા હતો. છૂટક મોંઘવારીની વાત કરીએ તો, ઓક્ટોબરમાં દાળની છૂટક મોંઘવારીનો દર લગભગ 19 ટકાએ પહોંચી ગયો હતો, જે સપ્ટેમ્બરમાં 16.3 ટકા હતો. એક સારી વાત એ છે કે, ટામેટાં અને બટાટાના ભાવ ઘટવાનું શરૂ થઈ ગયું છે. ડાંગરનો જથ્થાબંધ ફુગાવો સપ્ટેમ્બરમાં 8.97 ટકાથી વધીને ઓક્ટોબરમાં 9.39 ટકા રહ્યો હતો. અનાજનો જથ્થાબંધ ફુગાવાનો દર સપ્ટેમ્બરના 7.28 ટકાથી વધીને ઓક્ટોબરમાં 7.51 ટકા થયો હતો. ડુંગળીનો ફુગાવો તો ઓક્ટોબરમાં 62.6 ટકા જેટલા ઊંચા સ્તરે પહોંચ્યો હતો, જે સપ્ટેમ્બરમાં પણ 55.05 ટકાના સ્તરે હતો. આમ, ડુંગળી, અનાજ અને દાળને કારણે જથ્થાબંધ ફુગાવો હવે નેગેટિવમાંથી પોઝિટિવ થવાની ધારણા છે.
શા માટે વધી શકે છે કિંમત?
દાળ અને અનાજના ભાવ વધવા પાછળ બે પરિબળ ભૂમિકા ભજવી રહ્યાં છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઉત્પાદન ઘટવાનો અંદાજ છે તથા રવિ વાવેતરમાં ઘટાડો થવાની શક્યતાને કારણે દાળ અને અનાજના ભાવ વધી શકે છે. સરકારને તો અપેક્ષા છે કે, આગામી દિવસોમાં રવિ વાવેતર જોર પકડશે પરંતુ, બજારને રવિ વાવેતરમાં સુધારો થવાની શક્યતા દેખાતી નથી. એક્સપર્ટ કહે છે કે, અનાજ અને દાળના ભાવ વધવાની સાથે ડુંગળીના ઊંચા ભાવને કારણે અત્યારે છૂટક મોંઘવારીમાં થયેલો ઘટાડો ફરી વધી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં રિટેલ ફુગાવાનો દર ઘટીને 4.87 ટકાના 4 મહિનાના તળિયે પહોંચ્યો હતો.
મોંઘવારી ભડકશે?
મીડિયા રિપોર્ટ્સે HDFC બેન્કના અર્થશાસ્ત્રીઓને ટાંકીને નોંધ્યું છે કે, ઓક્ટોબરમાં દાળની મોંઘવારીનો દર 41 મહિનાના ઊંચા સ્તરે પહોંચી ગયો હતો જ્યારે અનાજની મોંઘવારીનો દર પણ ઊંચા સ્તરે જળવાઈ રહ્યો છે. ખેતીવાડીના બજારોમાં બોલાતા ભાવના આધારે નવેમ્બરમાં ડ઼ુંગળીના ભાવમાં 59 ટકા જ્યારે ટામેટાંના ભાવમાં 20 ટકા વધારો નોંધાયો છે જ્યારે દાળ અને અનાજના ભાવ તો ઘણા વધી ગયા છે. દાળ અને અનાજની મોંઘવારીનો દર વધવાથી મોંઘવારીનો કુલ દર પણ વધી શકે છે.
Published: November 16, 2023, 12:27 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો