Money9 Gujarati:
સામાન્ય જનતા માટે ખુશખબર છે. આવતા મહિને ડુંગળીની કિંમત ઘટવાની શક્યતા છે. 50થી 60 રૂપિયે કિલો મળતી ડુંગળીનો ભાવ 40 રૂપિયાની નીચે પહોંચી શકે છે. જો આવું થશે તો રસોડાનું ખોરવાઈ ગયેલું બજેટ બરાબર થઈ જશે. સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ ડુંગળીના ભાવ ઘટવાની આશા પ્રબળ થઈ ગઈ છે. જોકે, ડુંગળીના ખેડૂતો આ નિર્ણયથી આક્રોશમાં છે અને ઠેર-ઠેર વિરોધના સૂર ઊઠી રહ્યાં છે.
ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે 11 ડિસેમ્બરે જણાવ્યું હતું કે, “નિકાસ પર પ્રતિબંધના નિર્ણયથી ડુંગળીના ભાવ ઘટવાની અપેક્ષા છે.” તેમની વાત માની લઈએ તો, ડુંગળીના ભાવ પ્રતિ કિલો 40 રૂપિયાની નીચે પહોંચી શકે છે. અત્યારે એક કિલો ડુંગળીની રાષ્ટ્રીય સરેરાશ કિંમત 57.02 રૂપિયા છે. સિંહે કહ્યું હતું કે, ડુંગળીના વધતા ભાવને લઈને લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. ઘણા લોકો કહે છે કે, ડુંગળીના ભાવ 100 રૂપિયા થઈ જશે, પરંતુ મારા મતે, કિંમત 60 રૂપિયાને પાર પણ નહીં થાય.
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયથી દેશભરનાં ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતો જણાવે છે કે, ડુંગળી પેદા કરવામાં બિયારણથી માંડીને રસાયણિક ખાતર, દવાઓ, ડીઝલ-પેટ્રોલ અને મજૂરીના ઊંચા ખર્ચા કેમ સરકારની નથી દેખાતા? ડુંગળી હવે ગરીબોની કસ્તૂરી નથી, પરંતુ તવંગરથી લઈને રેસ્ટોરન્ટ્સમાં ડુંગળીનો ભરપૂર ઉપયોગ થાય છે. હોટેલમાં તો એક પણ આઈટમ ડુંગળી વગર રંધાતી નથી, ત્યારે ક્યા ગરીબને કસ્તુરી મોંઘી લાગે છે? સરકાર ખેડૂતોના પેટ પર પાટુ મારીને ચૂંટણીના વર્ષમાં લોકોને વ્હાલા થવા આવા પગલાં ભરે છે. ખેડૂતો કહે છે કે, સરકારે એ વિચારવું જોઈએ કે, ખેડૂતોના હાથમાં ડુંગળીની પડતર શું થાય છે?
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે ચીમકી ઉચ્ચારી છે કે, જો સરકાર ખેડૂતોની વાત નહીં સાભળે તો ખેડૂતો પાસે રસ્તા પર ઉતર્યા સિવાય કોઈ વિકલ્પ નહીં બચે. નાસિક જિલ્લાના ચાંદવડમાં ડુંગળીની ખેડૂતોની મુલાકાત લીધા બાદ પવારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના નિર્ણયની વિરુદ્ધમાં રેલી કાઢી હતી. અહીં થયેલા ‘રસ્તા રોકો’ કાર્યક્રમમાં પવારે ભાગ લીધો હતો અને નજીકના હાઈવે પર રેલીને સંબોધન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, નાસિકમાં ડુંગળીનું મોટા પાયે ઉત્પાદન થાય છે. ભારતના કુલ ઉત્પાદનમાં ડુંગળીનું 37 ટકાથી પણ વધારે ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે અને તેમાંથી 10 ટકા ઉત્પાદન નાસિક જિલ્લામાં થાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો