Money9 Gujarati:
હવામાન વિભાગે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ માટે વરસાદની અંદાજિત સ્થિતિ જાહેર કરી છે. ચોમાસા માટે સપ્ટેમ્બર મહિનો છેલ્લો છે અને 6 સપ્ટેમ્બર સુધીમાં દેશનાં મહત્તમ વિસ્તારમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ વરસી શકે છે, એમ હવામાન વિભાગે 31 ઓગસ્ટે જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઈશાન ભારત, દક્ષિણ ભારત અને પૂર્વ તથા મધ્ય ભારતનાં કેટલાક જિલ્લાને બાદ કરતાં દેશનાં મહત્તમ વિસ્તારોમાં સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થશે. એટલું જ નહીં, સપ્ટેમ્બરમાં સમગ્ર દેશમાં સરેરાશ તાપમાન પણ વધારે રહેવાનો અંદાજ છે.
ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી
હવામાન વિભાગની આગાહી અનુસાર, 6 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ કોરાકટ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતનાં ખેડૂતો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે ત્યારે હવામાન વિભાગની આગાહીથી તેમની ચિંતામાં વધારો થયો છે. ખેતરોમાં મન મોહી લે તેવો પાક હિલોળા લઈ રહ્યો છે પરંતુ પાછોતરો વરસાદ થાય તો પાકને ચાર ચાંદ લાગી જાય તેવી આશા સાથે ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠાં છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતના માથે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. આથી, 6 સપ્ટેમ્બર સુધી મોટા ભાગનાં જિલ્લામાં વરસાદના કોઈ એંધાણ નથી. દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે. ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી જેવા વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમની પવન ફૂંકાઈ રહ્યાં છે એટલે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયે ગરમીમાં વધારો અનુભવાશે અને તાપમાન 1થી 2 ડિગ્રી ઊંચકાઈ શકે છે.
રાજસ્થાન કોરું રહેશે પણ કેરળ, કર્ણાટકમાં વરસાદ થશે
દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો, હવામાન વિભાગે આગાહી કરી છે કે, કેરળમાં 4થી 6 સપ્ટેમ્બર દરમિયાન વ્યાપક વરસાદ પડી શકે છે જ્યારે કર્ણાટકનાં કાંઠાના વિસ્તારોમાં 6 સપ્ટેમ્બર સુધી સારો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા તેમજ ગોવાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. પૂર્વ અને ઈશાન ભારતમાં અરૂણાચલ પ્રદેશમાં, આસામ અને મેઘાલયમાં મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમ તથા બંગાળમાં અને હિમાલયની તળેટીના વિસ્તારોમાં 6 સપ્ટેમ્બર સુધી સારો વરસાદ પડવાની શક્યતા છે. રાજસ્થાનમાં આ વખતે ઘણો સારો વરસાદ પડ્યો છે અને જુલાઈમાં અતિવૃષ્ટિ જેવી હાલત ગઈ હતી. પરંતુ ઓગસ્ટ સાવ કોરો ગયો છે અને હવે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ સમગ્ર રાજ્યમાં વરસાદનું એક પણ ટીપું પડે તેવી શક્યતા નથી, એમ હવામાન વિભાગે જણાવ્યું છે. આ ઉપરાંત હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં પણ નહીંવત્ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશનાં પૂર્વ વિસ્તારમાં મધ્યમ વરસાદ થઈ શકે છે જ્યારે પશ્વિમ યુપીમાં કોરા દિવસો જવાની શક્યતા છે.
ઓગસ્ટમાં વરસાદની ઘટ
હવામાન વિભાગે મોનસૂન મિશન કપ્પલ્ડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ (MMCFS) અને દુનિયાના અન્ય વેધર મૉડલ્સને ટાંકીને જણાવ્યું છે કે, અલ નીનોની અસર જળવાઈ રહેશે અને છેક 2024ના શરૂઆતના મહિનાઓમાં પણ તેની અસર જોવા મળશે. ઓગસ્ટમાં વરસાદ પર અલ નીનોની અસર પડી હતી, પરિણામે સમગ્ર દેશમાં અત્યાર સુધીનો વરસાદ 10 ટકા ઓછો નોંધાયો છે. ઓગસ્ટ મહિનો છેલ્લાં 123 વર્ષનો સૌથી સૂકો મહિનો રહ્યો છે અને સમગ્ર મહિનામાં વરસાદની ઘટ 32 ટકા નોંધાઈ છે.
ખરીફ પાક પર અસર પડવાની સંભાવના
ચોમાસામાં ઓછો વરસાદ થવાથી ચાલુ ખરીફ સીઝન પર અસર પડી છે. ખરીફ વાવેતર ગયા વર્ષ કરતાં થોડું વધારે થયું છે પરંતુ ઉત્પાદન કેટલું થાય છે તેના પર સૌની નજર છે. સરકારનાં 25 ઓગસ્ટ સુધીનાં આંકડા અનુસાર, દેશમાં કઠોળનું વાવેતર 8 ટકા ઘટ્યું છે. તુવેરનું વાવેતર 5 ટકા, અડરનું વાવેતર 13.8 ટકા, મગનું વાવેતર 5 ટકા ઘટ્યું છે. મગફળી, સૂરજમુખી અને તલના વાવેતરમાં અનુક્રમે 3.31 ટકા, 64.84 ટકા અને 7.34 ટકા ઘટ નોંધાઈ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો