Money9 Gujarati:
શાકભાજી, દાળ, અનાજમાં મોંઘવારી શરૂ થયા બાદ હવે મકાઈ પણ મોંઘી થઈ રહી છે. છેલ્લાં એક મહિનામાં દેશમાં મકાઈના ભાવમાં 23 ટકાનો ઉછાળો નોંધાયો છે. ભારતમાં મકાઈનું વાવેતર ઘટવાથી ભાવ વધવા લાગ્યા છે. મકાઈની મોંઘવારી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ આકરી બનવાની શક્યતા છે, કારણ કે રશિયાએ બ્લેક સી મારફતે યુક્રેનને મકાઈ સહિતનાં અનાજની નિકાસ કરવાના સોદામાં આગળ વધવાની ના પાડી દીધી છે, જેના લીધે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘઉં, મકાઈ અને સોયાબીનના ભાવમાં ઓચિંતો ઉછાળો આવ્યો છે.
કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મકાઈ થઈ મોંઘી
કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ચોમાસાનો વરસાદ ઓછો થયો છે, આથી મકાઈનું વાવેતર ઘટ્યું છે, જેના લીધે ભાવ વધી ગયા છે. છેલ્લાં એક મહિનામાં મહારાષ્ટ્રમાં મકાઈની કિંમત 23 ટકાથી પણ વધુ ઉપર ગઈ છે જ્યારે કર્ણાટકમાં મકાઈનો ભાવ લગભગ 10 ટકા વધ્યો છે. કૃષિજગતનાં સૂત્રોનું કહેવું છે કે, આગામી સમયમાં મકાઈની મોંઘવારી હજુ પણ વધતી રહેશે. મકાઈની કિંમત વધવાથી પોલ્ટ્રી ઈન્ડસ્ટ્રીઝનો ખર્ચ પણ વધી ગયો છે
કેટલી મોંઘી થઈ મકાઈ? agmarknet પર ઉપલબ્ધ આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં જુલાઈમાં મકાઈની સરેરાશ કિંમત રૂ. 2,263 પ્રતિ ક્વિન્ટલ છે, જે જૂનની તુલનાએ 23.26 ટકા વધારે છે. જૂન મહિનામાં મહારાષ્ટ્રમાં મકાઈની સરેરાશ કિંમત 1,836 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. કર્ણાટકમાં એક ક્વિન્ટલ મકાઈની સરેરાશ કિંમત માસિક ધોરણે 9.83 ટકા વધીને 2,178 રૂપિયા થઈ ગઈ છે. કર્ણાટકમાં જૂનમાં મકાઈની કિંમત 1,983 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. જોકે, 2022ના જુલાઈની તુલનાએ મકાઈના ભાવ હજુ ઓછા છે. જુલાઈ 2022માં મહારાષ્ટ્રમાં મકાઈનો ભાવ 2,408 રૂપિયા હતો જ્યારે કર્ણાટકમાં 2,241 રૂપિયા હતો.
મકાઈનું વાવેતર કેટલું ઘટ્યું? કૃષિ મંત્રાલયના ચાલુ ખરીફ સીઝનના અત્યાર સુધીના આંકડા અનુસાર, 45.16 લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર નોંધાયું છે, જે ગયા વર્ષની તુલનાએ લગભગ 4 ટકા ઓછું છે. ગયા વર્ષે અત્યાર સુધીમાં 47.06 લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર થઈ ગયું હતું. હવામાન વિભાગના આંકડા દર્શાવે છે કે, આ વખતે ચોમાસામાં 17 જુલાઈ સુધીમાં મહારાષ્ટ્રમાં 17 ટકા અને કર્ણાટકમાં 26 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આ બંને રાજ્યમાં ઓછો વરસાદ વરસવાથી મકાઈ સહિતનાં પાકના વાવેતર પર અસર પડી છે.
નિકાસમાં થયો ઘટાડો મકાઈની નિકાસમાં નજીવો ઘટાડો નોંધાયો છે. 2022-23માં 34.54 લાખ ટન મકાઈની નિકાસ થઈ છે જ્યારે 2021-22માં 36.90 લાખ ટન મકાઈની નિકાસ થઈ હતી. એટલે કે, 2022-23માં મકાઈની નિકાસમાં 4 ટકાનો ઘટાડો થયો છે.
પોલ્ટ્રી ખેડૂતોનો ખર્ચ વધ્યો પોલ્ટ્રી ઈન્ડસ્ટ્રીઝ પહેલેથી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો અને હવે મકાઈ મોંઘી થવાથી તેમની પરેશાની વધી છે. ચીકનની કિંમત ઘટી ગઈ છે અને તેની માંગ પણ ઘટી છે. ઓછામાં પૂરું મકાઈ મોંઘી થઈ છે એટલે પોલ્ટ્રી ઈન્ડસ્ટ્રીઝના ખર્ચમાં વધારો થયો છે. કર્ણાટક પોલ્ટ્રી ફાર્મર બ્રીડર્સ એસોસિયેશનના અધ્યક્ષ સુશાંત રાય જણાવે છે કે, અત્યારે મકાઈની કિંમતમાં 20 ટકાથી પણ વધુ ઉછાળો આવ્યો છે, જેની સીધી અસર પોલ્ટ્રી ફાર્મરના ખર્ચ પર પડી છે.
ગયા વર્ષનું ઉત્પાદન કૃષિ ઉત્પાદનના ત્રીજા સરકારી અંદાજ મુજબ, 2022-23 પાક વર્ષમાં ભારતમાં 359.13 લાખ ટન મકાઈનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થઈ શકે છે, જે 2021-22ની તુલનાએ 21.83 લાખ ટન વધારે હશે. 2021-22માં મકાઈનું ઉત્પાદન 337.30 લાખ ટન નોંધાયું હતું. કૃષિ મંત્રાલયે જાહેર કરેલા બીજા અનુમાનમાં મકાઈનું ઉત્પાદન 346.13 લાખ ટન રહેવાનો અંદાજ આપ્યો હતો. જો સરકારના અંદાજ મુજબ મકાઈનું વાવેતર થશે તો કિંમતમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ અત્યાર સુધીના આંકડા જોતા લાગતું નથી કે આ વખતે મકાઈનું વાવેતર વધશે. ઓછામાં પૂરું વૈશ્વિક સ્તરે મકાઈની કિંમત વધવાનું શરૂ થઈ ગયું છે. રશિયાએ યુક્રેનમાંથી અનાજની નિકાસ કરવાનો સોદો રદ કર્યો હોવાથી વૈશ્વિક બજારમાં ઘઉં, મકાઈ અને સોયાબીનના ભાવ વધવા લાગ્યા છે. આ સ્થિતિને જોતાં ભારતનાં નિકાસકારો મકાઈની નિકાસ વધારવા પ્રયાસ કરશે અને તેની અસર ભારતીય બજારમાં જોવા મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો