Money9 Gujarati:
ચોખાનું ખરીફ વાવેતર વધવા છતાં આ વખતે દેશમાં ચોખાનું ઉત્પાદન 5 ટકા ઘટવાની શક્યતા છે. નેશનલ રાઈસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ICAR)ના ડિરેક્ટર અમરીશ કુમાર નાયકનું કહેવું છે કે, ચોખાનું ઉત્પાદન કરનારા મુખ્ય રાજ્યો પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ-પૂર્વ અને બિહારમાં ઓછો વરસાદ થયો હોવાથી ઉત્પાદન ઘટવાનો અંદાજ છે. આ રાજ્યોનાં ખેડૂતોને ઓછું પાણી અને ટૂંકા સમયગાળામાં તૈયાર થઈ જાય તેવા પાકની ખેતી કરવાની સલાહ પણ આપવામાં આવી છે. 90થી 110 દિવસના ગાળાને ખેતી માટે ટૂંકો સમયગાળો માનવામાં આવે છે.
ઉત્પાદન 55 લાખ ટન ઘટશે?
નાણાકીય વર્ષ 2023માં ખરીફ ચોખાનું ઉત્પાદન 11.0032 કરોડ ટન હતું અને જો તેમાં 5 ટકાનો ઘટાડો થશે તો આ વખતે ઉત્પાદન લગભગ 55 લાખ ટન ઘટીને 10.45 કરોડ ટન થઈ શકે છે. જો ચોખાનું ઉત્પાદન ઘટશે તો કિંમત ઉપર જવાની શક્યતા છે. ભારતમાં ચોખાની મોંઘવારીનો દર હજુ પણ બે આંકડામાં છે. છેક ઓક્ટોબર 2022થી ચોખાનો ફુગાવો બે અંકમાં છે. 2022ના છેલ્લાં મહિનામાં ચોખાનો ફુગાવો 10.49 ટકાના સ્તરે હતો. 2023માં જાન્યુઆરીમાં ચોખાનો ફુગાવો 10.44 ટકા, ફેબ્રુઆરીમાં 11.22 ટકા, માર્ચમાં 11.51 ટકા, એપ્રિલમાં 11.37 ટકા અને મે મહિનામાં 11.33 ટકાના સ્તરે રહ્યો હતો.
ચોખાનું ખરીફ વાવેતર
સરકારે જાહેર કરેલાં ખરીફ વાવેતરનાં 25 ઓગસ્ટ સુધીના આંકડા અનુસાર, 384.05 લાખ ટન વિસ્તારમાં ચોખાનું વાવેતર થયું છે, જે 2022ની 25 ઓગસ્ટ સુધીમાં 367.83 લાખ હેક્ટર હતું. એટલે કે, આ વખતે ચોખાનું વાવેતર 4.41 ટકા વધારે થયું છે. આમ છતાં ઉત્પાદન ઘટવાની શક્યતા છે, કારણ કે પાછોતરો વરસાદ ખેંચાયો છે અને તેના કારણે ઊપજ ઘટવાની શક્યતા છે.
આગામી બે સપ્તાહ મહત્ત્વનાં
નાયકનું કહેવું છે કે, ચોખાની ખેતી માટે આગામી 15 દિવસ મહત્ત્વનાં છે. જો આગામી બે સપ્તાહમાં સારો વરસાદ થશે તો પાકને વાંધો નહીં આવે. ચોમેર સારો વરસાદ થવો જરૂરી છે, માત્ર અમુક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસે અને અમુક વિસ્તારો કોરા રહે તે ન ચાલે. બધે સારો વરસાદ થવો જોઈએ, જેથી ડાંગરના રોપા વાવતી વખતે અને બાદમાં તે તૈયાર થઈ જાય ત્યાં સુધી વાંધો ન આવે. આ વખતે વરસાદ ઓછો થવાથી ઓડિશામાં ડાંગરનું વાવેતર વિલંબમાં મૂકાયું છે. યુપી, બિહાર જેવા રાજ્યોના ઘણા જિલ્લામાં ઓછો વરસાદ થવાથી ત્યાં ડાંગરની ખેતી પ્રભાવિત થઈ છે.
દેશનાં 267 જિલ્લામાં ઓછો વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 1 જૂનથી 24 ઓગસ્ટની વચ્ચે દેશનાં 267 જિલ્લામાં સામાન્યથી ઓછો વરસાદ નોંધાયો છે. પશ્ચિમ બંગાળનાં 19 જિલ્લા, ઓડિશાના 11, ઝારકંડના 19, બિહારના 30, ઉત્તર પ્રદેશનાં 32 અને છત્તીસગઢનાં 11 જિલ્લામાં ઓછો વરસાદ વરસ્યો છે.
આ વખતે જૂનમાં યુપી, બિહાર, ઓડિશા, બંગાળ, ઝારખંડ જેવા વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચા સ્તરે હતો. ચોમાસું પણ વિલંબથી બેઠું હતું અને પાણીની અછત સર્જાઈ હતી, પરિણામે ડાંગરની નર્સરીઓ સમયસર તૈયાર થઈ શકી નહોતી. ખેડૂતો સમયસર ડાંગરનું વાવેતર કરી શક્યા નહોતા. આથી, ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ડાંગરનું વાવેતર ગયા વર્ષની તુલનાએ ઓછું રહ્યું હતું. કૃષિ નિષ્ણાતો કહે છે કે, જુલાઈમાં સારો વરસાદ થયો હતો, પરંતુ ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે. ઘણા જિલ્લામાં 25-30 દિવસથી વરસાદ પડ્યો નથી. વરસાદની આટલી લાંબી બ્રેકને કારણે ચોખાની ખેતી પર નકારાત્મક અસર પડી છે અને ખાસ તો ફ્લડ ઈરીગેશન (flood irrigation)નો સહારો લેતા ખેડૂતોના ઉત્પાદન પર અસર પડશે.
હવામાનમાં ફેરફારની અસર
પરંપરાગત ચોખાની વેરાઈટી સંપૂર્ણ રીતે પરિવક્વ થવામાં લગભગ 160-200 દિવસનો સમય લાગે છે. હવામાનમાં થતા નજીવા ફેરફારની ખૂબ ગંભીર અસર આ વેરાઈટી પર પડે છે. એટલે કે, આ વેરાઈટી હવામાનના પરિવર્તન સામે અતિ-સવંદેનશીલ છે.
વૈશ્વિક સ્તરે પણ ઉત્પાદન ઘટશે
ICRAના કૉર્પોરેટ સેક્ટર રેટિંગ્સના વાઈસ પ્રેસિડન્ટ અને સેક્ટર હેડ મનીષ પાઠકનું કહેવું છે કે, આ વખતે અલ નીનો સક્રિય છે અને હવામાનમાં વ્યાપક ફેરફાર થઈ રહ્યાં હોવાથી નાણાકીય વર્ષ 2024માં વૈશ્વિક સ્તરે ચોખાનું ઉત્પાદન લગભગ 70 લાખ ટન ઘટવાનો અંદાજ છે. ઓછામાં પૂરું વૈશ્વિક સ્તરે ચોખાનો જથ્થો 17.02 કરોડ ટનના છ વર્ષના તળિયે પહોંચી જવાનો અંદાજ છે. આ કારણસર આંતરરાષ્ટ્રીય બજારમાં ચોખાનો ભાવ રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. વૈશ્વિક સ્તરે ચોખાના ભાવ છેલ્લાં કેટલાક મહિનાથી સતત વધી રહ્યાં છે અને કિંમત 11 વર્ષની ઊંચી સપાટીને પાર થઈ ગઈ છે. દુનિયાનાં લગભગ 3 અબજ લોકો ચોખા આરોગતા હોવાથી ચોખાની મોંઘવારીથી બધા દેશ પરેશાન છે.
એશિયામાં ખેતી પર અસર
અલ નીનોને લીધે એશિયાનાં મોટા ભાગના દેશો ડાંગરનું વાવેતર કરી શક્યા નથી. વિશ્વમાં ચોખાની નિકાસમાં ભારત પછી બીજા ક્રમે આવતા થાઈલેન્ડમાં મે મહિનામાં સામાન્ય કરતાં 26 ટકા ઓછો વરસાદ થયો છે, જેથી ત્યાંની સરકારે ખેડૂતોને માત્ર એક વખત ચોખાનું વાવેતર કરવા વિનંતી કરી છે. તમામ દેશો પોતાની સ્થાનિક જરૂરિયાત પૂરી કરવાની મથામણ કરી રહ્યાં છે. થાઈલેન્ડ, વિએતનામ અને ઈન્ડોનેશિયામાં પણ ચોખાની ખેતી પ્રભાવિત થઈ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો