Money9 Gujarati:
સરકારે ખરીફ વાવેતરના તાજા આંકડા જાહેર કર્યાં છે. 1 સપ્ટેમ્બર સુધીમાં દેશનાં 1,077.82 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ વાવેતર થયું છે. ઓગસ્ટમાં છેલ્લાં 122 વર્ષનો સૌથી ઓછો વરસાદ પડ્યો હોવાથી ખરીફ વાવેતરમાં માત્ર 0.43 ટકા વધારો થયો છે. ઓછા વરસાદની ગંભીર અસર કઠોળના વાવેતર પર પડી છે અને બીક છે કે, આગામી સમયમાં તુવેર, અડદ અને મગમાં મોંઘવારી વધી શકે છે. અત્યાર સુધીમાં થયેલા વાવેતરમાં કહેવા પૂરતો વધારો થયો છે, પરંતુ ઉત્પાદન વધશે કે નહીં તે મોટો સવાલ છે. કારણ કે, ખેતરમાં તૈયાર થયેલા પાકને વરસાદની તાતી જરૂર છે અને ઘણા વિસ્તારોમાં છેલ્લાં 30 દિવસથી વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી. ઓછામાં પૂરું સપ્ટેમ્બરમાં પણ ખાસ વરસાદ પડે તેવી શક્યતા લાગતી નથી. જે પાકના વાવેતરમાં વધારો થયો છે તેની ઉપજ ઓછી થવાની બીક છે કારણ કે વરસાદ ખેંચાયો છે. વરસાદ ઓછો થવાથી પાકની યીલ્ડમાં ઘટાડો થવાની આશંકા છે, જેના લીધે ઉત્પાદન ઓછું થઈ શકે છે.
ઓગસ્ટ બન્યો વિલન
ઓગસ્ટ મહિનામાં દેશભરમાં વરસાદની ગંભીર અછત રહી હતી, જેના કારણે સમગ્ર ચોમાસાનું ગણિત ખોરવાઈ ગયું હતું. ઓગસ્ટમાં સામાન્ય કરતાં લગભગ 36 ટકા ઓછો વરસાદ પડવાથી ચોમાસું પ્લસમાંથી માઈનસમાં આવી ગયું હતું અને જળાશયોમાં પાણીનું સ્તર 10 વર્ષની સરેરાશથી પણ નીચે ઉતરી ગયું હતું. દેશમાં સૌથી ઓછો વરસાદ દક્ષિણ ભારતમાં અને મધ્ય ભારતમાં છે. દક્ષિણનાં રાજ્યોમાં ઓગસ્ટમાં સામાન્ય કરતાં 60 ટકા ઓછો વરસાદ થયો છે જ્યારે મધ્ય ભારતમાં આ ઘટ 47 ટકા છે. ઓગસ્ટમાં ઓછો વરસાદ થવાથી ચોમાસાની સીઝનની વરસાદની અછત વધીને 10 ટકા થઈ ગઈ છે. જુલાઈમાં ચોમાસાની સીઝનનો વરસાદ સામાન્ય કરતાં 13 ટકા વધારે હતો, પરંતુ ઓગસ્ટમાં અલ નીનો વધારે મજબૂત થવાથી વરસાદ ખેંચાયો હતો અને સામાન્ય કરતાં 10 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ દેશનાં મોટા ભાગનાં વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે.
1 સપ્ટેમ્બર 2023 સુધીમાં ખરીફ વાવેતર (લાખ હેક્ટરમાં) |
|||
પાક | 2023 | 2022 | ફેરફાર |
ચોખા | 398.08 | 383.79 | 3.73% |
તુવેર | 42.66 | 45.27 | -5.76% |
કળથી | 0.29 | 0.26 | 11.92% |
અડદ | 31.68 | 36.65 | -13.56% |
મગ | 30.98 | 33.57 | -7.72% |
જવાર | 14.06 | 15.57 | -9.71% |
બાજરો | 70.81 | 70.41 | 0.56% |
રાગી | 8.13 | 7.73 | 5.16% |
મકાઈ | 82.86 | 80.66 | 2.73% |
મગફળી | 43.37 | 45 | -3.62% |
સૂરજમુખી | 0.69 | 1.98 | -64.97% |
એરંડો | 8.53 | 7.26 | 17.45% |
સોયાબીન | 125.13 | 123.91 | 0.99% |
શેરડી | 59.91 | 55.65 | 7.66% |
કપાસ | 122.99 | 125.64 | -2.11% |
કુલ | 1077.82 | 1073.22 | 0.43% |
(નોંધઃ વાવેતર વિસ્તાર લાખ હેક્ટરમાં છે) |
ચોખા
ચોખાનું વાવેતર ઓછું થવાનો અંદાજ હતો, પરંતુ જુલાઈમાં થયેલા સારા વરસાદને પગલે તેનો વાવેતર વિસ્તાર નજીવો પણ વધ્યો છે. ચોખાનો વાવેતર વિસ્તાર 398.08 લાખ હેક્ટર નોંધાયો છે, જે 2022ની 1 સપ્ટેમ્બર સુધીમાં 383.79 લાખ હેક્ટર હતો. આમ, ચોખાના વાવેતરમાં 3.73 ટકાનો વધારો થયો છે.
કઠોળ
સૌથી ચિંતાજનક સ્થિતિ કઠોળના વાવેતરની છે. દેશમાં ખરીફ કઠોળનું વાવેતર 8.48 ટકા ઘટીને 119.09 લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષ કરતાં 11.04 લાખ હેક્ટર ઓછું છે. તુવેરનો વાવેતર વિસ્તાર 5.76 ટકા ઘટ્યો છે જ્યારે અડદના વાવેતર વિસ્તારમાં 13.56 ટકાનો ઘટાડો નોંધાયો છે. મગનો વાવેતર વિસ્તાર પણ 7.72 ટકા ઘટ્યો છે.
ધાન્ય
દેશમાં કુલ 181.06 લાખ હેક્ટર વિસ્તારમાં અનાજનું વાવેતર થયું છે, જે ગયા વર્ષે 1 સપ્ટેમ્બર સુધીમાં 179.13 લાખ હેક્ટરમાં થયું હતું. આમ, 1 સપ્ટેમ્બર 2023 સુધીમાં અનાજનો વાવેતર વિસ્તાર 1.08 ટકા વધ્યો છે. જવારના વાવેતરમાં 9.71 ટકાનો ઘટાડો થયો છે જ્યારે બાજરીનો વાવેતર વિસ્તાર 0.56 ટકા વધ્યો છે. રાગીનું વાવેતર 5.16 ટકા, મકાઈનું વાવેતર 2.73 ટકા અને નાના ધાન્યનું વાવેતર 9.23 ટકા વધ્યું છે.
તેલીબિયાં
તેલીબિયાંનો વાવેતર વિસ્તાર 0.94 ટકા ઘટીને 190.11 લાખ હેક્ટર થયો છે. ગયા વર્ષની 1 સપ્ટેમ્બર સુધીમાં દેશનાં 191.91 લાખ હેક્ટર વિસ્તારમાં તેલીબિયાંનું વાવેતર થયું હતું. મગફળીનું વાવેતર 3.62 ટકા ઘટીને 43.37 લાખ હેક્ટર થયું છે જ્યારે સૂરજમુખીનું વાવેતર 64.97 ટકા ઘટ્યું છે. સીસમનો વાવેતર વિસ્તાર 7.59 ટકા ઘટ્યો છે. એરંડાનું વાવેતર 17.45 ટકા વધ્યું છે જ્યારે સોયાબીનના વાવેતરમાં 0.99 ટકાનો નજીવો વધારો થયો છે.
અન્ય પાક
શેરડીના વાવેતરમાં 7.66 ટકા વધારો થયો છે. 1 સપ્ટેમ્બર 2023 સુધીમાં 59.91 લાખ હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર થયું છે, જે ગયા વર્ષની 1 સપ્ટેમ્બર કરતાં 4.26 લાખ હેક્ટર વધારે છે. શણનું વાવેતર 5.74 ટકા ઘટ્યું છે. કપાસની વાત કરીએ તો, આ વખતે 122.99 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર નોંધાયું છે. 1 સપ્ટેમ્બર 2022 સુધીમાં દેશનાં 125.64 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું હતું, આમ કપાસમાં 2.11 ટકા ઓછું વાવેતર થયું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો