Money9 Gujarati:
સપ્ટેમ્બરના શરૂઆતના દિવસોમાં વરસેલા વરસાદને પગલે ખરીફ ખેતીની સ્થિતિ સુધરી છે. ખરીફ પાકનું ઉત્પાદન કરતાં મુખ્ય રાજ્યોમાં પાછોતરા વરસાદને કારણે દાળનો વાવેતર વિસ્તાર વધ્યો છે. કૃષિ મંત્રાલયના 22 સપ્ટેમ્બર સુધીના આંકડા અનુસાર, ખરીફ દાળનું વાવેતર હવે માત્ર 4.61 ટકા ઓછું છે, જે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહના અંતે 8 ટકા ઓછું હતું. હવે દેશનાં કુલ 122.57 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ દાળનું વાવેતર નોંધાયું છે, જે ગયા વર્ષની 22 સપ્ટેમ્બર સુધીમાં 128.49 લાખ હેક્ટરમાં હતું.
તુવેર, અડદ અને મગનું વાવેતર
દેશમાં 22 સપ્ટેમ્બર સુધીમાં તુવેરનો વાવેતર વિસ્તાર 43.69 લાખ હેક્ટર રહ્યો છે, જે ગયા વર્ષના 46.06 લાખ હેક્ટરની તુલનાએ 5.14 ટકા ઘટાડો દર્શાવે છે. અડદનું વાવેતર 1.57 ટકા ઓછું થયું છે. 22 સપ્ટેમ્બર સુધીમાં દેશભરમાં 32.79 લાખ હેક્ટર વિસ્તારમાં અડદનું વાવેતર નોંધાયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા સુધીમાં 33.31 લાખ હેક્ટર હતું. મગનો વાવેતર વિસ્તાર સૌથી વધુ 7 ટકા ઓછો નોંધાયો છે. 22 સપ્ટેમ્બર સુધીમાં દેશનાં 31.56 લાખ હેક્ટર વિસ્તારમાં મગનું વાવેતર થયું છે, જે ગયા વર્ષની 22 સપ્ટેમ્બર સુધીમાં 33.92 લાખ હેક્ટર હતું.
ચોખાનું વાવેતર વધ્યું
કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે, 22 સપ્ટેમ્બર સુધીમાં દેશનાં 411.52 લાખ હેક્ટર વિસ્તારમાં ચોખાનું વાવેતર થયું છે, જે ગયા વર્ષના 400.72 લાખ હેક્ટર વિસ્તારની તુલનાએ 2.70 ટકા વધારે છે. જોકે, સોયાબીનનો વાવેતર વિસ્તાર લગભગ ગયા વર્ષ જેટલો છે. સોયાબીનનું વાવેતર 125.59 લાખ હેક્ટરમાં નોંધાયું છે, જે ગયા વર્ષની 22 સપ્ટેમ્બર સુધીમાં 124.77 લાખ હેક્ટરમાં હતું.
ચોમાસાની સીઝન પૂરી થશે
સત્તાવાર રીતે ચોમાસાની સીઝન પૂરું થવા આડે હવે માંડ એકાદ સપ્તાહ બાકી છે અને હજુ સુધી દેશનાં ઘણા રાજ્યોમાં વરસાદ પાછો ફર્યો નથી. હવામાન વિભાગને લાગે છે કે, આવા રાજ્યોમાં ફરી વરસાદ થવાના સાનુકૂળ સંજોગો સર્જાઈ રહ્યાં છે અને આગામી સપ્તાહમાં વરસાદ પાછો ફરવાનું શરૂ થઈ શકે છે. ચાલુ વર્ષે ભારતમાં પડેલા વરસાદની વાત કરીએ તો, વરસાદની ઘટ હવે ઓછી થઈ છે. અગાઉ ભારતમાં ચોમાસાનો વરસાદ સામાન્ય સ્તર કરતાં 10 ટકા ઓછો હતો, પરંતુ હવે તે 7 ટકા ઘટાડો દર્શાવે છે. ઓગસ્ટમાં વરસાદની રેકોર્ડ બ્રેક ઘટની થોડીઘણી ભરપાઈ સપ્ટેમ્બરમાં પડેલા વરસાદથી પૂરી થઈ છે અને દેશભરમાં સરેરાશ 769.6 મિલિમીટર વરસાદ થયો છે જ્યારે સામાન્ય સ્તરે આ સમયગાળા દરમિયાન 827.2 મિલિમીટર વરસાદ પડે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો