Money9 Gujarati:
Jeera price: રવિ સીઝનના પ્રારંભે જ જીરાના બજારમાં મંદીનો માહોલ છવાયો છે અને કિંમત 4 મહિનાના તળિયે પહોંચી ગઈ છે. વાયદા બજારની સાથે સાથે ઓપન માર્કેટમાં પણ જીરુંના ભાવ તૂટ્યો છે. ઠંડીના અભાવે હજુ સુધી ખેડૂતોએ જીરૂનું વાવેતર હાથમાં લીધું નથી, ત્યાં બજારે ભાવ તૂટવાનો ડામ આપ્યો છે.
ગુજરાત 30,000-46,000
રાજસ્થાન 47,000-51,500
ભાવ કેમ તૂટ્યા?
વાયદા બજારમાં જીરુંનો ભાવ 5 ટકાથી પણ વધારે તૂટીને 51,135 રૂપિયાએ પહોંચી ગયો છે. ઓક્ટોબર મહિનામાં જીરુંનો ભાવ 14 ટકા સુધી તૂટી ગયો છે, જેના કારણે NCDEX પર જીરુંના ભાવમાં લોઅર સર્કિટ વાગી હતી. NCDEX પર અત્યારે ભાવ 54,500 રૂપિયાની નીચે ચાલી રહ્યો છે અને તેનું કારણ પ્રોફિટ બૂકિંગ હોવાનું માનવામાં આવે છે.
નિકાસ વધશે અને માંગ વધશે એટલે જીરુંના ભાવ વધી શકે છે. અત્યારે જીરુંનો માલ ઓછો છે. ખેડૂતોએ અને વેપારીઓએ સારા ભાવે વેચવાલી કરી દીધી છે. ઓછામાં પૂરું ગરમી વધવાથી જીરુંની ક્વૉલિટી પર અસર પડી છે. રશિયા-યુક્રેન વોર બાદ ઈઝરાયેલ-હમાસ વચ્ચે વિવાદ વકરવાથી નિકાસ પર અસર પડી છે. વૈશ્વિક સ્તરે માંગ પર અસર પડી છે. જેના કારણે જીરુંના બજારમાં મંદી જોવા મળી રહી છે.
સપ્ટેમ્બરમાં તો જીરુંનો ભાવ વધ્યો હતો અને કિંમતમાં 9 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. સપ્ટેમ્બર મહિનાના પ્રારંભિક દિવસોમાં વાયદા બજારમાં જીરુંનો ભાવ 66,000 રૂપિયાની નજીક સરકી રહ્યો હતો. આ ભાવે એક મણ જીરુંનો ભાવ 13,200 રૂપિયા કહેવાય, પરંતુ હવે વાયદા બજારમાં ભાવ 47,000 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે, જે મુજબ એક મણના ભાવ 9,400 રૂપિયા થયા છે.
હાજર બજારમાં પણ એક મણ જીરું માટે 9,200 રૂપિયામાં સોદા પડી રહ્યાં છે. નવરાત્રિના પ્રારંભથી 27 ઓક્ટોબર સુધીમાં વાયદા બજારમાં પ્રતિ ક્વિન્ટલ 10,000 રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે વાયદામાં પ્રતિ મણ ઘટાડો 2,000 રૂપિયા છે.
હવે શું થશે?
કૃષિ બજારનાં નિષ્ણાતો જણાવે છે કે, દિવાળી પહેલાં કિંમત 50,000ની નીચે ઉતરીને 48,000 રૂપિયા થઈ શકે છે.
વાવેતર અને નિકાસ
વર્ષ 2022-23માં જીરુંનું વાવેતર 9.02 લાખ હેક્ટર વિસ્તારમાં થયું હતું. નિકાસની વાત કરીએ તો, 2021-22માં ભારતે 2.17 લાખ ટન જીરુંની નિકાસ કરી હતી. નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ નિકાસ વધવાની ધરાણા છે. તહેવારો હોવાથી લોકલ માર્કેટમાં પણ ઘરાકી જોવા મળશે તેવી શક્યતા છે.
ખેડૂતોની ચિંતા વધી
ખેડૂતો સામે એક નહીં, પરંતુ બેવડી ચિંતા ઊભી થઈ છે. ખેડૂતોએ હજુ જીરાનો એક દાણો જમીનમાં મૂક્યો પણ નથી, ત્યાં ખુલ્લા બજારમાં અને વાયદા બજારમાં જીરુનાં ભાવ પાણીમાં બેસી ગયા છે. ઓછામાં પૂરું, કુદરતે પણ ચિંતા વધારી છે. દિવાળી નજીક હોવા છતાં ઠંડીનો ચમકારો થયો નથી. વળી, હવામાન વિભાગ કહે છે કે, સપ્ટેમ્બર બાદ હવે નવેમ્બર મહિનો પણ ગરમ રહેવાનો છે.
જીરુંનું વાવેતર કરવું કે નહીં?
આ વખતે, જીરાના બીજનો ભાવ સૌથી વધારે એટલે કે એક કિલોનો 900 રૂપિયા બોલાઈ રહ્યાં છે. ખેડૂતો મોંઘા ભાવે બીજ ખરીદીને ઊંચા તાપમાનમાં વાવેતર કરવાનું જોખમ ખેડે પરંતુ બજારમાં ભાવ જ ના મળે તો? આ સવાલ સાથે ખેડૂતો જીરૂ વાવેતરની મુઠ્ઠ મુકતા પહેલા વિચારી રહ્યાં છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો