Money9 Gujarati:
Jeera Mandi Bhav: જીરુંમાં ગાંડી થયેલી તેજી હેઠી બેઠી છે. વર્ષ 2023માં પ્રતિ ક્વિન્ટલ 35,000 રૂપિયાથી શરૂ થયેલું જીરું જોતજોતામાં 65,000 રૂપિયા સુધીની સફર ખેડી ચૂક્યું છે. જોકે, વધ્યા મથાળેથી પટકાઈને અત્યારે ભાવ 40,000ની નીચે પહોંચી ગયો છે. છેલ્લાં ત્રણેક મહિનાથી જીરૂમાં ઘટાડાનો દોર યથાવત્ છે. NCDEX પર માર્ચ વાયદો તો ઘટીને છેક 30,500 રૂપિયાએ પહોંચી ગયો છે જ્યારે ઊંઝા APMCમાં સારી ક્વૉલિટીમાં હાજર કિંમત 38,105.69 રૂપિયા થઈ છે.
2024માં જીરુંનો સપ્લાય વધવાની શક્યતા હોવાથી જીરુંની કિંમત ઘટવાની શક્યતા છે. ઓગસ્ટ 2023માં NCDEX (નેશનલ કોમોડિટીઝ એન્ડ ડેરિવેટિવ્સ એક્સચેન્જ) પર એક ક્વિટન્લ જીરુંની કિંમત 65,000 રૂપિયાની વિક્રમ ઊંચાઈએ પહોંચી ગઈ હતી. જોકે, આ મથાળાથી ભાવમાં 50 ટકા ઘટાડો આવી ચૂક્યો છે અને ભાવ હજુ ઘટે તેવી શક્યતા વરતાઈ રહી છે.
20 ડિસેમ્બરે ઊંઝા માર્કેટ યાર્ડમાં સ્પોટ પ્રાઈસ 38,105.69 રૂપિયા બોલાઈ છે. NCDEX પર 20 ડિસેમ્બરે એક્સપાયરીના દિવસે જીરું 37,900 રૂપિયાએ પહોંચ્યા પછી ઘટીને 37,600 રૂપિયા નોંધાયું છે.
જીરુંમાં ઊંચા ભાવ મળ્યા હોવાથી લગભગ બમણું વાવેતર થયું છે. 2022-23માં 5.50 લાખ હેક્ટર વિસ્તારમાં જીરુંનું વાવેતર થયું હતું. જીરૂનાં વેપારીઓ કહે છે કે, જીરૂમાં નવા નિકાસ વેપારો નથી અને 25મી ડિસેમ્બર સુધી ખુલે તેવી ધારણાં નથી. બીજી બાજુ, હાજર બજારમાં પણ કોઈ મોટી હિલચાલ નથી. જીરૂનાં વાવેતરનાં અહેવાલો સારા આવી રહ્યાં છે અને અત્યાર સુધીનું વાતાવરણ પાક માટે સાનુકૂળ રહ્યું છે. હવે જાન્યુઆરી-ફેબ્રુઆરીનું તાપમાન અતિ મહત્તવનું રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો