Money9 Gujarati:
ભારતમાં આ વખતનું ચોમાસું છેલ્લાં 8 વર્ષનું સૌથી નબળું ચોમાસું સાબિત થવાના સંકેત મળી રહ્યાં છે. ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે અને હવે સપ્ટેમ્બરમાં પણ ઓછો વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અલ નીનો મજબૂત બન્યું હોવાથી આ સ્થિતિ ઊભી થઈ હોવાનું હવામાન નિષ્ણાતો કહી રહ્યાં છે. આ વખતનો ઓગસ્ટ મહિનો છેલ્લાં 123 વર્ષનો સૌથી સૂકો ઓગસ્ટ મહિનો સાબિત થઈ શકે છે. ભારતમાં ચોમાસું અત્યંત મહત્ત્વનું છે કારણ કે, ખેતીવાડી માટે તેમજ તળાવો અને જમીનમાં ઊંડે સુધી પાણી (aquifers) ભરવા માટે વરસાદ મુખ્ય ભૂમિકા ભજવે છે. આ બંને માટે 70 ટકા પાણીની વ્યવસ્થા ચોમાસાના વરસાદના આધારે થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, દુનિયામાં સૌથી વધુ વસતિ ધરાવતા ભારતમાં ખેતીવાડી માટે જેટલો વિસ્તાર છે તેમાંથી 50 ટકા વિસ્તારમાં સિંચાઈની સુવિધા જ નથી, એટલે ચોમાસાનો વરસાદ ના થાય તો 50 ટકા ખેતીને નુકસાન પહોંચવાનો ખતરો રહે છે.
છેલ્લાં 10 વર્ષમાં વરસાદની ઘટ
2005માં ભારતમાં વરસાદની 25 ટકા ઘટ નોંધાઈ હતી. તેની પહેલાં 1965માં 24.6 ટકા, 1920માં 24.4 ટકા, 2009માં 24.1 ટકા અને 1913માં 24 ટકા ઘટ પડી હતી.
ઓગસ્ટમાં કેમ ઓછો વરસાદ થયો?
હવામાન વિભાગનાં વડા મૃત્યુંજય મહોપાત્રાએ જણાવ્યું છે કે, ઓગસ્ટમાં નોર્મલ કરતાં નીચો વરસાદ થવા પાછળ અલ નીનો જવાબદાર છે. આ ઉપરાંત મેડન જુલિયન ઓસિલેશન (MJO)ને કારણે બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં હવાનું દબાણ ઓછું થવાથી વરસાદનો માહોલ બગડ્યો છે.
સપ્ટેમ્બરમાં શું થશે?
મોહપાત્રાએ જણાવ્યું છે કે, “સપ્ટેમ્બર મહિનામાં વરસાદ નોર્મલ (422.8 મિલિમીટર) કરતાં નીચલા સ્તરે (94 ટકાથી 99 ટકા) રહેવાની શક્યતા છે.” ભારતમાં વરસાદની નોર્મલ સ્થિતિ એટલે છેલ્લાં 50 વર્ષની લોંગ-પીરિયડ એવરેજ (LPA)ના 96 ટકાથી 1906 ટકાની વચ્ચે પડતો વરસાદ. જો 96 ટકાથી ઓછો વરસાદ પડે તો તેને નોર્મલ કરતાં ઓછો વરસાદ કહેવા અને 106 ટકાથી ઉપર વરસાદ પડે તો તેને નોર્મલ કરતાં વધારે વરસાદ કહે છે.
સંબંધિત ખબરઃ દેશમાં વરસાદની 8% ઘટઃ 40% વિસ્તારમાં સામાન્યથી પણ ઓછો વરસાદ
અલ નીનોની અસર
હવામાન વિભાગનાં અધિકારીના કહેવા પ્રમાણે, અલ નીનોને લીધે ઓગસ્ટમાં ઓછો વરસાદ થયો છે અને સપ્ટેમ્બરમાં પણ અલ નીનોની નેગેટિવ અસર પડી શકે છે. 1 જૂનથી 28 ઓગસ્ટ સુધીમાં દેશમાં સીઝનના વરસાદની 8 ટકા ઘટ પડી છે. 2015માં પણ અલ નીનોને લીધે ચોમાસામાં ઓછો વરસાદ થયો હતો. 2015માં 14 ટકા ઘટ રહી હતી. હવામાન વિભાગ 31 ઓગસ્ટે સપ્ટેમ્બર મહિનાનો અંદાજ જાહેર કરશે. હવામાન વિભાગે 26 મેના રોજ ચોમાસા માટે જે આગાહી કરી હતી તેમાં જણાવ્યું હતું કે આ વખતે અલ નીનોને લીધે ચોમાસાની સીઝનમાં 4 ટકા ઓછો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે ઓગસ્ટના પ્રારંભે જણાવ્યું હતું કે, ભારતમાં ઓગસ્ટ મહિનો સૌથી સૂકો રહેવાની દિશામાં આગળ વધી રહ્યો છે. આ વખતે વરસાદ અનિયમિત રહ્યો છે. જૂનમાં સામાન્ય કરતાં 9 ટકા ઓછો વરસાદ થયો હતો જ્યારે જુલાઈમાં વરસાદનું સ્તર સામાન્ય કરતાં 13 ટકા ઉપર રહ્યું હતું, પરંતુ ઓગસ્ટમાં વરસાદ 8 ટકા ઘટી ગયો છે.
અધિકારી કહે છે કે, ઓગસ્ટમાં અત્યાર સુધીમાં વરસાદની 32 ટકા ઘટ રહી છે અને આગામી ત્રણ દિવસ માટે વરસાદની જે આગાહી છે તેમાં મોટા ભાગનાં રાજ્યોમાં વરસાદની નહીંવત્ શક્યતા છે, એટલે લાગે છે કે, ઓગસ્ટ મહિનો છેક 1901 પછીનો સૌથી સૂકો મહિનો રહેશે. ઓગસ્ટમાં 254.9 મિલિમીટર વરસાદ પડ્યો છે, જે ચોમાસાની સીઝન દરમિયાન થતા વરસાદના લગભગ 30 ટકા છે.
Current district & station Nowcast warnings at 1730 IST Date, 29th August. For details kindly visit: https://t.co/AM2L3hjkRWhttps://t.co/uP8lcY7kk6
If you observe any weather, kindly report it at: https://t.co/5Mp3RJYA2y@moesgoi @DDNewslive @ndmaindia@airnewsalerts pic.twitter.com/UlJpnAElwF
— India Meteorological Department (@Indiametdept) August 29, 2023
ઓછો વરસાદ એટલે ખેતીવાડીને નુકસાન
હવામાન વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ જણાવે છે કે, જુલાઈમાં સારો વરસાદ થયા બાદ હવે વરસાદ ખેંચાયો છે. ખરીફ વાવેતર લગભગ પૂરું થઈ ગયું છે અને વર્તમાન સ્થિતિને જોતાં વાવેતરમાં નજીવો વધારો થઈ શકે છે. જો સપ્ટેમ્બરમાં પૂરતો વરસાદ નહીં આવે તો દાળ, ચોખા અને શાકભાજી જેવી આવશ્યક ખાદ્ય ચીજોના ભાવ વધી શકે છે. પરિણામે, ખાદ્ય ફુગાવો ઊંચકાશે. જાન્યુઆરી 2020 પછી હમણાં જુલાઈ 2023 સુધી દેશમાં ખાદ્ય ફુગાવો ઊંચા સ્તરે રહ્યો છે. ઓછું ઉત્પાદન થવાને કારણે ચોખા, ઘઉં અને ખાંડના ઉત્પાદનમાં દુનિયામાં બીજો ક્રમ ધરાવતા ભારતમાં આ વસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો વારો આવ્યો છે. હવે જો ચોમાસું ખરાબ રહેશે તો સરકાર વધુ આકરાં પગલાં ભરી શકે છે. નિકાસ પર પ્રતિબંધ મૂકીને સરકારે સ્થાનિક સ્તરે મોંઘવારીને અંકુશમાં રાખવાના પગલાં ભર્યાં છે, પરંતુ તેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચોખા, ઘઉં અને ખાંડના ભાવ આભ આંબી રહ્યાં છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો