Money9 Gujarati:
સરકારી સ્ટોરેજમાં ઘઉંનો સ્ટોક 7 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ના ડેટા અનુસાર, 1 જાન્યુઆરી સુધી કેન્દ્રીય પૂલમાં ઘઉંનો સ્ટોક 163.53 લાખ ટન હતો, જે જાન્યુઆરીના પ્રારંભિક દિવસોમાં 2017 પછીનો સૌથી ઓછો સ્ટોક છે. 2017માં પહેલી જાન્યુઆરી સુધી કેન્દ્રીય પૂલમાં ઘઉંનો સ્ટોક 137.5 લાખ ટન હતો. જો કે, બફર નિયમો મુજબ જેટલો સ્ટોક હોવો જોઈએ તેના કરતા વધુ સ્ટોક છે. ગયા વર્ષે 1 જાન્યુઆરીએ કેન્દ્રીય પૂલમાં ઘઉંનો સ્ટોક 171 લાખ ટનથી વધુ હતો.
દરમિયાનમાં, ફૂડ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (FCI)એ ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) હેઠળ 17 જાન્યુઆરીએ 4.2 લાખ ટન ઘઉંનું વેચાણ કર્યું છે, જે OMSS હેઠળ એક દિવસમાં વેચાણનો રેકોર્ડ છે. આ વર્ષે અત્યાર સુધીમાં FCIએ લગભગ 67 લાખ ટન ઘઉંનું ઓપન માર્કેટમાં વેચાણ કર્યું છે.
ખાદ્ય અનાજના ફુગાવાને અંકુશમાં લેવા માટે સરકારે અનેક પગલાં લીધા છે. સરકારના આ પગલાંમાં ઘઉં અને બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ જેવા પગલાંનો સમાવેશ થાય છે. આ સિવાય જથ્થાબંધ વેપારીઓ અને મોટા ચેઇન રિટેલર્સને 1,000 ટનથી વધુ ઘઉં રાખવાની મંજૂરી ન આપવા અને FCI સ્ટોકમાંથી અનાજને ખુલ્લા બજારમાં વેચવા જેવા પગલાં પણ સામેલ છે.
નિષ્ણાતો કહે છે કે, સરકારે ભરેલા આ પગલાં ઘઉંની વધતી કિંમતોને નિયંત્રિત કરવામાં મદદ કરશે. જો કે, ઘઉંનું ઉત્પાદન કેટલું થાય છે તેના પર ઘણો આધાર રહેશે. માર્ચના અંતમાં ઘઉંના ઉત્પાદનનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. માહિતી અનુસાર, આ વર્ષે દેશભરમાં રવિ સિઝનમાં ઘઉંનું વાવેતર 336.96 લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 335.67 લાખ હેક્ટર હતું અને છેલ્લા 5 વર્ષની સરેરાશ 307.32 લાખ હેક્ટરની વાવણી કરતાં વધુ છે.
નિષ્ણાતો કહે છે કે તેઓ શરૂઆતમાં શિયાળો શરૂ ન થવાને લઈને ચિંતિત હતા અને તેમને ડર હતો કે ડિસેમ્બરના મધ્ય સુધી તાપમાન સામાન્ય કરતા વધુ રહી શકે છે. જો કે અત્યારે હવામાન અને પાક બંને સાનુકૂળ છે.
ઘઉંની આવક શરૂ થઈ છે અને આગામી કેટલાક સપ્તાહમાં આવકમાં વધારો થવાની શક્યતા છે. રાજકોટમાં એક મણ ઘઉંના 1,651 રૂપિયા ભાવ બોલાયો છે. રાજકોટ યાર્ડમાં મિલબર ક્વોલિટીમાં 525 રૂપિયા, એવરેજ ક્વૉલિટીના 530થી 590 રૂપિયા અને સારી ક્વૉલિટી હોય તો 591થી 630 રૂપિયા ભાવ બોલાયા છે જ્યારે પ્રીમિયમ ક્વોલિટીમાં 640 રૂપિયાથી 700 રૂપિયા ભાવ છે. ગોંડલમાં લોકવનમાં ૪૫૦થી ૬૧૪ રૂપિયા, ટૂકડામાં ૫૫૦થી ૭૨૪ રૂપિયા ભાવ હતા. હિંમતનગરમાં મિલબર ક્વોલિટીમાં ૫૩૫થી ૫૪૦ રૂપિયા, મીડિયમમાં ૫૬૦થી ૫૮૦ રૂપિયા અને સારી ક્વોલિટીમાં ૬૫૨ રૂપિયા સુધીના ભાવ હતાં. અમદાવાદની ફ્લોર મિલોનાં ભાવ 2,870 રૂપિયા, વડોદરામાં 2,900 રૂપિયા, સુરતમાં 2,930 રૂપિયા અને હિંમતનગરની મિલોમાં 2,835 રૂપિયા ભાવ બોલાયા છે.
વૈશ્વિક સ્તરે ઘઉંનાં ભાવ સુધર્યા છે. બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો 4.78 સેન્ટ વધીને 5.86 ડોલરની સપાટી પર પહોંચ્યો છે અને વાયદો છેલ્લા એક સપ્તાહ 1.70 ટકા ઘટ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો