Money9 Gujarati:
કોટન માર્કેટમાં તેજીનો સળવળાટ જોવા મળ્યો છે. આગોતરો કપાસ વાવનારા ખેડૂતો બજારમાં માલ ઠાલવવા લાગ્યા છે તેમજ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનાં રાજ્યોમાંથી પણ રેગ્યુલર આવક થવા લાગી છે. વાયદા બજારથી લઈને હાજર બજારમાં કપાસના ભાવ વધવા લાગ્યા છે.
કપાસના બજારને તેજીનો ટેકો
તાજેતરમાં રૂ બજારોનો ટેકો મળ્યો હોવાથી કપાસમાં તેજી છે. એક મણ કપાસનો ભાવ રૂ. 5-10 સુધર્યો છે. જોકે, જિનર્સનું કહેવું છે કે, આ ભાવવધારો કૃત્રિમ છે અને ઘણો માલ હજુ પણ ખેડૂતો પાસે પડ્યો છે. ઉત્તર ભારતનાં રાજ્યોમાંથી કપાસની નવી આવક વધી છે. દક્ષિણમાં તામિલ નાડુથી નવા કપાસની આવક થવા લાગી છે. સૌરાષ્ટ્રમાં નિયમિતપણે બેથી ત્રણ ગાડી માલ ઠલવાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં જે ખેડૂતોએ આગોતરા કપાસ વાવ્યા હતા, તેમાંથી થોડોક માલ બજારમાં આવી રહ્યો છે. અમુક માર્કેટ યાર્ડ્સમાં એકાદ-બે ભારી કપાસ આવી રહ્યો છે અને ધીમે ધીમે તેમાં વધારો થવાની અપેક્ષા છે.
વાયદા બજાર
MCX પર કૉટનનો ભાવ 9 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. NCDEX પર કૉટન ઑઈલ સીડ કેકમાં તેજી જોવા મળી છે. 4 મહિનાના ઘટાડા બાદ કૉટન ઑઈલ સીડ કેકમાં વધારો થયો છે અને ભાવ 12 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. અમેરિકામાં પણ ભાવ 10 મહિનાની ઊંચી સપાટીની નજીક સરકી રહ્યો છે. સપ્લાય સંબંધિત ચિંતાને કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે.
MCX પર ઓગસ્ટમાં કૉટન 3 ટકા વધ્યું છે જ્યારે છેલ્લાં 3 મહિનામાં 2 ટકા વધારો થયો છે. 2023માં અત્યાર સુધીમાં MCX પર કૉટન 84 ટકા ઊંચકાયું છે અને 1 વર્ષમાં તેમાં 56 ટકા ઉછાળો નોંધાયો છે.
હાજર બજાર
કપાસના ભાવમાં મણે દસેક રૂપિયાનો વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં ભાવ રૂ. 1,530થી રૂ. 1,550ની વચ્ચે ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રથી આવતો કપાસ રૂ. 1,500થી રૂ. 1,550ની વચ્ચે વેચાઈ રહ્યો છે જ્યારે કાઠિયાવાડના કપાસમાં રૂ. 1,550થી રૂ. 1,650માં વેપાર થઈ રહ્યો છે. દોઢેક મહિના અગાઉ કાઠિયાવાડનો કપાસ રૂ. 1,490ની નજીક હતો, જે હવે રૂ. 1,650એ પહોંચ્યો છે. જૂન મહિનામાં મહારાષ્ટ્રનાં કપાસનો ભાવ રૂ.1,400ની આસપાસ હતો, જે હવે રૂ. 1,550ની આસપાસ પહોંચ્યો છે.
જસદણમાં ઊંચા ભાવ
સૌરાષ્ટ્રમાં સરેરાશ રૂ.1,500-1,600ની રેન્જમાં અથડાઈ રહ્યાં છે. સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં સૌથી ઊંચા ભાવ જસદણમાં પ્રતિ મણ રૂ. 1,625 બોલાયા છે. રાજકોટમાં 4Gનાં ભાવ રૂ. 1,580થી રૂ. 1,602 જ્યારે A-Plusનાં ભાવ રૂ. 1,560થી રૂ. 1,580, A ક્વૉલિટીમાં રૂ. 1,540થી રૂ. 1,560, B ક્વૉલિટીમાં રૂ. 1,520થી રૂ. 1,550 અને C ક્વૉલિટીમાં રૂ. 1,450થી રૂ. 1,490 ભાવ બોલાયો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો