Money9 Gujarati:
જૂન મહિનાના ફુગાવાના આંકડા જાહેર થયા છે. શાકભાજી, દૂધ અને મસાલાના ઊંચા ભાવને કારણે જૂનમાં છૂટક મોંઘવારીનો દર વધીને 4.81 ટકા થયો છે. મે મહિનામાં ફુગાવો 4.25 ટકાના 25 મહિનાના તળિયે પહોંચી ગયા બાદ તેમાં ફરી વધારો થયો છે.
ધાન્ય અને સંબંધિત ઉત્પાદનોનો ફુગાવો 12.71 ટકા, ઈંડાંનો ફુગાવો 7.03 ટકા, દૂધ અને દૂધનાં ઉત્પાદનોનો ફુગાવો 8.56 ટકા, કઠોળનો ફુગાવો 10.53 ટકા, મસાલાનો ફુગાવાનો દર સૌથી ઊંચો 19.19 ટકા જ્યારે કપડાં અને પગરખાંનો દર 6.19 ટકાના સ્તરે રહ્યાં હતા.
છૂટક મોંઘવારીની ભીતરમાં
સરકારે 12 જુલાઈએ કન્ઝ્યુમર-પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારિત ફુગાવાના આંકડા જાહેર કર્યાં હતા. જૂન મહિના માટે જાહેર થયેલા આંકડા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની 2 ટકાથી 6 ટકાની સહનીય રેન્જની અંદર છે અને સતત ચોથા મહિને તે આ રેન્જની અંદર રહ્યાં છે.
છેલ્લાં કેટલાક સપ્તાહથી શાકભાજીના ભાવ વધી રહ્યાં હોવાથી ફુગાવાનો દર તીવ્રપણે વધવાની ધારણા હતી. મે મહિનામાં કન્ઝયુમર ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ (CFPI) 2.91 ટકા હતો, જે જૂનમાં વધીને 4.49 ટકા થયો હતો. ગ્રામ્ય ફુગાવો 4.72 ટકા રહ્યો હતો જ્યારે શહેરી ફુગાવાનો દર 4.96 ટકા રહ્યો હતો.
ફૂડ એન્ડ બેવરેજ અને ફ્યુઅલ સેગમેન્ટનો ફુગાવાનો દર અનુક્રમે 4.63 ટકા અને 3.92 ટકા હતો. કઠોળનો ફુગાવો મે મહિનાનાં 12.65 ટકાના સ્તરથી નજીવો વધીને 12.71 ટકા થયો હતો.
ફુગાવાનો દર ફરી વધવા લાગતા રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજના દર ઘટાડવાની શરૂઆત મોડી થવાની શક્યતા છે. આગામી ઓગસ્ટ 2023ની બેઠકમાં રિઝર્વ બેન્કની મોનેટરી પૉલિસી કમિટી (MPC) તેનો હૉકિશ ટોન જાળવી રાખશે અને રેપો રેટ યથાવત્ રાખશે તેવી શક્યતા છે અને રેટ કટ માટે વિલંબ કરશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો