Money9 Gujarati:
દેશનાં 150 મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર છેલ્લાં 10 વર્ષની સરેરાશ કરતાં નીચે જળવાઈ રહ્યું છે. ઓગસ્ટમાં છેલ્લાં 123 વર્ષનો સૌથી ઓછો વરસાદ થવાથી જળાશયોમાં પાણીનું સ્તર 10 વર્ષની સરેરાશની નીચે ઊતરી ગયું હતું અને તેમાં હજુ સુધી કોઈ સુધારો થયો નથી. સેન્ટ્રલ વોટર કમિશન (CWC)ના 6 સપ્ટેમ્બર સુધીના આંકડા પ્રમાણે, જળાશયોમાં 111.737 અબજ ઘન મીટર (BCM) પાણીનો સંગ્રહ હતો, જે જીવંત સંગ્રાહક ક્ષમતાના 62 ટકા છે. એક વર્ષ અગાઉ બરાબર આ તારીખ સુધી પાણીનો જથ્થો 150.851 BCM હતું જ્યારે છેલ્લાં 10 વર્ષની સરેરાશ 129.591 BCM હતી. આમ અત્યારે 150 જળાશયોમાં જેટલા પાણીનો સંગ્રહ છે તે ગયા વર્ષના સંગ્રહના 74 ટકા અને 10 વર્ષના સરેરાશ સંગ્રહના 86 ટકા છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં નૈઋત્યુના ચોમાસાનો અત્યાર સુધીમાં 11 ટકા ઓછો વરસાદ પડ્યો છે.
નદીઓમાં પાણી ઘટ્યું
દેશનાં મુખ્ય 150 જળાશયોમાંથી 27 જળાશયમાં તો પાણીનો 50 ટકા સંગ્રહ પણ થયો નથી. CWCના બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે, મહાનદી અને પેન્નારની વચ્ચે પેન્નાર તેમજ પૂર્વ તરફ વહેતી નદીઓમાં પાણીના સંગ્રહની મહત્તમ ઘટ છે જ્યારે સુવર્ણરેખા, બ્રાહ્મણી અને બૈતરની, કાવેરી, માહી, કૃષ્ણા અને તાડરીથી કન્યાકુમારી સુધી પશ્ચિમ તરફ વહેતી નદીઓમાં પાણીના સંગ્રહમાં ઘટાડો થયો છે.
બિહારના જળાશયો ખાલી
બિહારમાં પાણીનું સ્તર સામાન્ય લેવલ કરતાં 82 ટકા ઓછું છે જ્યારે આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં 62 ટકા ઘટ છે. આ ઉપરાંત કેરળમાં પાણીનો સંગ્રહ 48 ટકા, તામિલ નાડુમાં 55 ટકા, પશ્ચિમ બંગાળમાં 46 ટકા, ઉત્તર પ્રદેશમાં 42 ટકા, ઓડિશામાં 32 ટકા અને ઝારખંડમાં 26 ટકા ઓછો છે.
દક્ષિણનાં 50% જળાશયમાં 40%થી ઓછું પાણી
CWCના આંકડા પરથી જાણવા મળે છે કે, માત્ર 5 જળાશયમાં ક્ષમતા કરતાં વધારે પાણી છે. આ જળાશયોમાંથી 3 તેલંગાણામાં છે જ્યારે 2 પશ્ચિમ ભારતમાં છે. દક્ષિણ ભારતનાં 42 જળાશયમાંથી 17માં 40 ટકાથી પણ ઓછો પાણીનો સંગ્રહ થયો છે જ્યારે પૂર્વનાં 23 જળાશયમાંથી 9 જળાશયમાં પાણીનો 40 ટકા કરતાં ઓછો સંગ્રહ થયો છે. પશ્ચિમનાં 49 જળાશયમાંથી માત્ર 7માં જ્યારે મધ્ય પ્રદેશનાં 26 જળાશયમાંથી 7 જળાશયમાં પાણીના સંગ્રહની આવી જ સ્થિતિ છે.
ગુજરાતની સ્થિતિ સારી
ઉત્તર પ્રદેશમાં સારો વરસાદ થવાથી જળાશયોમાં પાણીનો સારો સંગ્રહ થવા છતાં 10માંથી 1 જળાશયમાં સંગ્રહ ક્ષમતા કરતાં 50 ટકાથી ઓછું પાણી નોંધાયું છે. CWCમાં જણાવ્યા પ્રમાણે સિંધુ, કચ્છ અને સૌરાષ્ટમાં પશ્ચિમ તરફ વહેતી લૂણી, નર્મદા, તાપી, સાબરમતી, ગોદાવરી નદીઓમાં અને પેન્નાર તથા કન્યાકુમારીની વચ્ચે પૂર્વની તરફ વહેતી નદીઓમાં પાણીનો સંગ્રહ સામાન્ય કરતાં થોડોક સારો છે. ગંગા, બ્રહ્મપુત્ર, બહાર અને અન્ય, મહાનદી અને તાપીથી તાડરી સુધી પશ્ચિમ તરફ વહેતી નદીઓમાં પાણીનો સંગ્રહ સામાન્ય સ્તરની આસપાસ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો