Money9 Gujarati:
આગામી એક મહિના સુધી શેરબજારમાં કેટલો ઉતાર-ચઢાવ રહેવાની અપેક્ષા છે તે દર્શાવતો India Volatility Index (India VIX) સતત નવમા ટ્રેડિંગ સત્રમાં વધ્યો છે. સોમવારે 16ના લેવલને પાર કરીને 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ 7 મે, મંગળવારે પણ India VIX 17.63ની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો અને બાદમાં 16.87ના લેવલે ટ્રેડ થતો હતો. આ લેવલ દર્શાવે છે કે, છેલ્લાં 9 ટ્રેડિંગ સેશનમાં India VIX 73 ટકા ઉછળ્યો છે. 23 એપ્રિલે એક જ દિવસે આ ઈન્ડેક્સ 20 ટકા ઘટીને 10ની નીચે પહોંચી ગયો હતો. પરંતુ ત્યારથી સતત વધીને 17ના લેવલે પહોંચ્યો છે.
India VIX નિફ્ટી ઈન્ડેક્સ ઓપ્શન પ્રાઈસ આધારિત એક વોલેટિલિટી ઈન્ડેક્સ છે. નિફ્ટી ઓપ્શન્સની શ્રેષ્ઠ Bid-Ask પ્રાઈસમાંથી વોલેટિલિટી ટકાવારીનો આંકડો ગણવામાં આવે છે, જેનાથી આવતા 30 કેલેન્ડર દિવસમાં સ્ટોક માર્કેટ કેટલું વોલેટાઈલ રહી શકે છે તેનો અંદાજ કાઢવામાં આવે છે.
સાતમી મેના રોજ, નિફ્ટીમાં 270 પોઈન્ટ્સની વ્યાપક ટ્રેડિંગ રેન્જ જોવા મળી હતી. નિફ્ટી તેના પીક લેવલની નજીક છે, પરંતુ આ લેવલ પર ટકતો નથી. નિફ્ટી જ્યારે પણ તેની પીક ફરી બનાવવા જાય છે ત્યારે ભૂતકાળની જેમ VIXમાં આવી મૂવમેન્ટ જોવા મળે છે.
એપ્રિલ 2024ના પ્રારંભે જ્યારે નિફ્ટી રેકોર્ડ લેવલે હતો ત્યારે VIX 11ની નજીક હતો, પરંતુ અત્યારે 16ની ઉપર છે જ્યારે નિફ્ટી ફરી રેકોર્ડ પીક તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો છે.
અગાઉ જાન્યુઆરી 2024ના બીજા પખવાડિયામાં જ્યારે નિફ્ટી નવી પીક પર હતો ત્યારે VIXનું લેવલ 13.78 હતું પરંતુ તેના ત્રણ સપ્તાહ બાદ, નિફ્ટી જ્યારે ફરી આ પીક તરફ આગળ વધ્યો ત્યારે VIX વધીને 15-16ની રેન્જમાં પહોંચ્યો હતો અને છેક ફેબ્રુઆરી સુધી આ લેવલે રહ્યો હતો. પરંતુ આ વખતે આશ્ચર્યજનક બાબત એટલી જ છે કે, VIX ખૂબ ઓછા સમયમાં તીવ્ર વધારો અને ઘટાડો દર્શાવી રહ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો