Money9 Gujarati:
ભારતના શેરબજારોમાં ચૂંટણીના પરિણામો અગાઉનો યુફોરિયા જોવા મળી રહ્યો છે અને તેની સાથે વોલેટિલિટી ઈન્ડેક્સ ઉછાળા મારી રહ્યો છે. Fear Index તરીકે ઓળખાતો ઈન્ડિયા વિક્સ (India VIX) 13 મે, સોમવારના રોજ 16 ટકા વધીને 20ના લેવલને પાર થઈ ગયો છે. આજે તેણે 21.48નું 20 મહિનાનું ઊંચું સ્તર હાંસલ કરી લીધું છે. ગયા સપ્તાહના સોમવારે પણ તે 14 ટકા ઉછળ્યો હતો. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો અંગેની વિવિધ અટકળોના પગલે India VIXમાં ઉછાળો જોવા મળ્યો છે.
2014ની લોકસભા ચૂંટણી વખતે VIX વધીને માર્ચના અંત સુધીમાં 36-38ના લેવલે પહોંચ્યો હતો અને 2019માં પણ તે વધીને 30ના લેવલે પહોંચ્યો હતો. એપ્રિલ 2023માં આ ઈન્ડેક્સ 20 ટકા તૂટીને 10ની નીચે પહોંચી ગયો હતો પરંતુ ત્યારથી સતત વધી રહ્યો છે અને છેલ્લાં 13 સેશનમાં તે ડબલ થઈ ગયો છે. 4 જૂને ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે અને તેને લઈને ગબરાટ વધવાથી મે મહિનામાં સેન્સેક્સ 2,000 પોઈન્ટ્સ તૂટ્યો છે.
NSE મુજબ, વોલેટિલિટી ઈન્ડેક્સ ટૂંકા ગાળામાં ભાવની વધઘટ સંબંધિત બજારના અંદાજો આપે છે. આમાં કિંમતોમાં ફેરફારની ઝડપ અને તેની સાઈઝ સમાવિષ્ટ છે. એટલે કે કિંમતના સ્તરોમાં કેટલી વધઘટ જોવા મળી રહી છે અને આ ફેરફારની ગતિ કેટલી ઝડપી છે. જો ઇન્ડેક્સ વધે છે, તો તેનો અર્થ એ છે કે ભાવ સ્તરમાં ખૂબ ઊંચા ફેરફારો જોવા મળી શકે છે અથવા તેમાં ખૂબ જ ઝડપી ફેરફારો જોવા મળી શકે છે. વોલેટિલિટી ઇન્ડેક્સ આપેલ ઇન્ડેક્સ વિકલ્પની ઓર્ડર બુક પર આધારિત છે અને ટકાવારી તરીકે દર્શાવવામાં આવે છે.
જિઓજિત ફાયનાન્સિયલ સર્વિસિસના ચીફ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ આનંદ જેમ્સ કહે છે કે, “2019ના ચૂંટણી પરિણામોની જાહેરાત અગાઉ જેવી સ્થિતિ જોવા મળી હતી, તેને મળતી સ્થિતિ વર્તમાન VIXની મૂવમેન્ટમાં દેખાઈ રહી છે. તે વખતે પણ બજારો માર્ચમાં પીક પર પહોંચ્યા હતા અને VIX વધીને 28.6ના લેવલે હતો. મુખ્ય તફાવત એટલો છે કે, તેની પહેલાં VIXની રેન્જ અગાઉના છ મહિનામાં 20-14ની હતી અને લાંબા સમયગાળા સુધી વોલેટિલિટી ઊંચી રહેવાના સંકેત મળ્યાં છે.”
વર્તમાન VIX દર્શાવે છે કે, ચૂંટણીના પરિણામો આશ્ચર્યજનક રહેવાની અપેક્ષા નથી. જો તમને લાગતું હોય કે ચૂંટણીના નેગેટિવ પરિણામ આવશે તો, અગાઉની બે ચૂંટણીના VIX કરતાં અત્યારે નીચા VIXનો લાભ લઈને સંભવિત પરિણામો સામે હેજિંગ કરી શકો છો, એમ ટેકનીકલ એનાલિસ્ટ્સ નૂરેશ મેરાણી અને હર્ષ દોષી કહે છે.
India VIX નિફ્ટી ઈન્ડેક્સ ઓપ્શન પ્રાઈસ આધારિત એક વોલેટિલિટી ઈન્ડેક્સ છે. નિફ્ટી ઓપ્શન્સની શ્રેષ્ઠ Bid-Ask પ્રાઈસમાંથી વોલેટિલિટી ટકાવારીનો આંકડો ગણવામાં આવે છે, જેનાથી આવતા 30 કેલેન્ડર દિવસમાં સ્ટોક માર્કેટ કેટલું વોલેટાઈલ રહી શકે છે તેનો અંદાજ કાઢવામાં આવે છે.
એપ્રિલ 2024ના પ્રારંભે જ્યારે નિફ્ટી રેકોર્ડ લેવલે હતો ત્યારે VIX 11ની નજીક હતો, પરંતુ અત્યારે 16ની ઉપર છે જ્યારે નિફ્ટી ફરી રેકોર્ડ પીક તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો છે.
અગાઉ જાન્યુઆરી 2024ના બીજા પખવાડિયામાં જ્યારે નિફ્ટી નવી પીક પર હતો ત્યારે VIXનું લેવલ 13.78 હતું પરંતુ તેના ત્રણ સપ્તાહ બાદ, નિફ્ટી જ્યારે ફરી આ પીક તરફ આગળ વધ્યો ત્યારે VIX વધીને 15-16ની રેન્જમાં પહોંચ્યો હતો અને છેક ફેબ્રુઆરી સુધી આ લેવલે રહ્યો હતો. પરંતુ આ વખતે આશ્ચર્યજનક બાબત એટલી જ છે કે, VIX ખૂબ ઓછા સમયમાં તીવ્ર વધારો અને ઘટાડો દર્શાવી રહ્યો છે. અમેરિકામાં CBOE Volatility Index છે, તેવી જ રીતે આપણી પાસે India VIX છે. આ ઈન્ડેક્સ શેરબજારની વોલેટિલિટી દર્શાવે છે. VIX વધે તેમ બજારના ધબકારા વધી જાય છે અને બજારમાં અનિશ્ચિતતા વધવાથી રોકાણકારો ગભરાટ ઊભી થાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો