MONEY9 GUJARATI: વર્મા જી સુકન્યા સમૃદ્ધિ યોજના એટલે કે SSYને લઈને મૂંઝવણમાં છે… તેનું કારણ એ છે કે ઘણા પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ દિકરી માટે SSYને યોગ્ય રોકાણ નથી ગણાવતા. જ્યારે હવે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમામ નાની બચત યોજનાઓની તુલનામાં સૌથી વધુ 8 ટકા વ્યાજ મળી રહ્યું છે. માટે વર્માજી હજુ પણ એવું જ વિચારી રહ્યા છે કે દીકરી માટે SSY કરતાં વધુ સારું કોઈ રોકાણ ન હોઈ શકે. હવે એવું કહી શકીયે કે વર્માજીની સમજ સાચી છે પણ ટાઈમિંગ ખોટું છે.
વાસ્તવમાં નેહા 10 વર્ષની થઈ ગઈ છે. પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ જિતેન્દ્ર સોલંકી કહે છે કે જો દીકરી મોટી હોય તો તેના અભ્યાસ માટે સુકન્યા ખાતું ખોલાવવાનો કોઈ અર્થ નથી. આ રોકાણ મેચ્યોર થાય ત્યાં સુધીમાં, અભ્યાસનો સમયગાળો પસાર થઈ ગયો હશે. નેહા જ્યારે 1 થી 2 વર્ષની હતી ત્યારે વર્માજીએ આ રોકાણ તેના માટે કર્યું હોત તો સારું હોત.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 10 વર્ષ સુધીની બાળકીનું ખાતું ખોલાવી શકાય છે. આ ખાતામાં 15 વર્ષ માટે રોકાણ કરવામાં આવે છે અને તેની મેચ્યોરિટી 21 વર્ષ પછી થશે. જો વર્માજી ઓગસ્ટ 2023માં સુકન્યા યોજનામાં દિકરી માટે ખાતું ખોલાવે છે, તો રોકાણ 15 વર્ષ માટે એટલે કે 2038 સુધી કરવું પડશે અને તે રોકાણના શરૂ થયાના 21 વર્ષ પછી એટલે કે વર્ષ 2044માં મેચ્યોર થશે. ત્યાં સુધીમાં નેહા 31 વર્ષની થઈ જશે અને હાયર એજ્યુકેશનની ઉંમર વટાવી ચૂકી હશે.
જો કે, જ્યારે પુત્રી 18 વર્ષની થાય છે, ત્યારે સ્કીમમાં જમા રકમમાંથી 50 ટકા રકમ ઉપાડી શકાય છે. 2031માં નેહા 18 વર્ષની થશે, પછી અડધી રકમ વિડ્રો કરી શકાશે. પરંતુ આ રકમ અભ્યાસના લક્ષ્ય સુધી પહોંચવામાં વધુ મદદ કરશે નહીં અને એક લાંબાગાળાના રોકાણને તમે વચ્ચેથી તોડી નાખશો. જો આપણે હવે 10 વર્ષની દીકરી માટે રોકાણ કરવાનું શરૂ કરીએ અને વાર્ષિક 1 લાખ રૂપિયા જમા કરીએ, તો દીકરી 18 વર્ષની થાય ત્યાં સુધીમાં 11,48,000 રૂપિયા જમા થઈ જશે. તમે આમાંથી 50 ટકા એટલે કે 5,74,000 રૂપિયા વિડ્રૉ કરી શકશો. જો આ રોકાણ પ્રિમેચ્યોર વિડ્રૉ વગર ચાલુ રહે છે, તો 21 વર્ષ પછી, તમે 46.53 લાખનું કોર્પસ જમા કરાવી શકશો.
વર્માજી માટે વધુ સારું રહેશે કે તેઓ તેમની પુત્રીના શિક્ષણ માટે સુકન્યાને બદલે કોઈ અન્ય વિકલ્પ શોધે. સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર જિતેન્દ્ર સોલંકી કહે છે કે નેહાના ઉચ્ચ શિક્ષણ માટે હજુ લગભગ 10 વર્ષ બાકી છે. આ માટે તેમણે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ. આ રોકાણ SIP દ્વારા કરી શકાય છે. આ રોકાણમાં તેને સુકન્યા યોજના કરતાં વધુ સારું રિટર્ન મળી શકે છે. જો વર્માજી દર મહિને 10,000 રુપિયાની ઇક્વિટીમાં SIP શરૂ કરે છે અને વાર્ષિક 12% રિટર્ન ધારે છે, તો તેઓ આગામી 8 વર્ષમાં 16.15 લાખ રુપિયા ભેગા કરી શકશે.
SSYમાં 8 વર્ષના રોકાણથી ભેગા થશે 11,48,000 રુપિયા, જેમાંથી માત્ર 50 ટકા જ પૈસા ઉપાડી શકશે.ત્યાં મ્યુચ્યુઅલ ફંડમાં SIPથી16.15 લાખ રુપિયા ભેગા થશે અને પૂરા પૈસા એકસાથે વિડ્રૉ કરી શકાશે..
એક પરિવારમાં બે દીકરીઓનું ખાતું ખોલાવી શકાય છે. જો દીકરી જોડિયા હોય તો ત્રણ ખાતા ખોલી શકાય છે. આ ખાતું પોસ્ટ ઓફિસ અને મોટી બેંકોમાં ખોલાવી શકાય છે. KYC માટે આધાર, વૉટર આઈડી સાથે પુત્રીનું બર્થ સર્ટિફિકેટ સબમિટ કરવું પડશે. એક સરળ પ્રક્રિયા બાદ ખાતું ખુલી જશે. આ ખાતાને ચાલુ રાખવા માટે દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવાના રહેશે. એક નાણાકીય વર્ષમાં સુકન્યા ખાતામાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો