Money9: ખેડૂતોને પાક વીમાની જ્યારે સૌથી વધુ જરુર છે તેવા સમયે જ સરકારો આ યોજનાથી અંતર બનાવવા લાગી છે. સતત બે સીઝનમાં ખેતી પર હવામાનની પ્રતિકુળ અસર પડી છે. અને ઉપજમાં પણ ઘટાડો થયો છે. ગત વર્ષની રવિ સીઝનમાં ખરાબ હવામાનથી ઘઉંની ઉપજ ઘટી ગઇ. અને હવે છેલ્લી ખરીફ સીઝનમાં ડાંગરની ખેતી પર હવામાનનો માર પડ્યો. આવા સમયે સરકારોએ ખેડૂતોના નુકસાનની ભરપાઇ માટે તેમની સાથે ઉભા રહેવું જોઇતું હતું. પરંતુ સરકાર ઉલટું ખેડૂતો માટે લોન્ચ કરવામાં આવેલી પાક વીમા યોજનાથી હાથ ખંખેરી રહી છે.
PMFBYથી રાજ્યોનું અંતર
2016માં લોન્ચ થયા બાદ 2018ની ખરીફ સીઝનમાં પ્રધાનમંત્રી કિસાન ફસલ વીમા યોજના એટલે કે PMFBYની સાથે 22 રાજ્ય જોડાયેલા હતા. પરંતુ વિતેલી ખરીફ સીઝનમાં યોજનાની સાથે જોડાયેલા રાજ્યોની સંખ્યા ઘટીને 19 રહી ગઇ છે. અને જે અત્યારે જે રવિ સીઝન ચાલી રહી છે તેમાં અત્યાર સુધી ફક્ત 14 રાજય જ આ યોજના સાથે જોડાયેલા છે.
નાના, સીમાંત અને એવા ખેડૂતોમાં આ યોજના લોકપ્રિય થઇ રહી હતી જેને લોન આપવામાં બેંક આનાકાની કરતી હતી. 2016માં લોન્ચિંગ બાદથી આ યોજના સાથે જોડાનારા ખેડૂતોની સંખ્યા 282 ટકા વધી હતી. પરંતુ જેમ જેમ રાજ્ય સરકારો આ વીમા યોજનાથી અંતર બનાવવા લાગી છે. તેમ તેમ યોજનાની સાથે જોડાનારા ખેડૂતોની સંખ્યા પણ ઘટી છે. 2018ની ખરીફ સીઝનમાં પ્રધાનમંત્રી કિસાન ફસલ વીમા યોજનાની સાથે દેશભરના 2.16 કરોડ ખેડૂતો જોડાયેલા હતા. અને વીતેલી ખરીફ સીઝનમાં આ આંકડો ઘટીને 1.53 કરોડ થઇ ગયો છે.
રાજ્યો પર પ્રીમિયમનો બોજ
PMFBY હેઠળ પાક વીમા યોજના કરાવવા માટે ખેડૂતને ખરીફ પાક માટે 2 ટકા, રવિ પાક માટે 1.5 ટકા, અને બાગાયતી તથા કોમર્શિયલ પાક માટે 5 ટકા પ્રીમિયમ ચુકવવું પડે છે. બાકી બચેલા પ્રીમિયમનો અડધો હિસ્સો કેન્દ્ર અને અડધો રાજ્ય સરકારો ચૂકવે છે. લોન્ચિંગ બાદથી અત્યાર સુધી આ યોજના માટે ખેડૂતો તરફથી 25,186 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ચુકવાયું છે. અને વળતર તરીકે સરકાર તરફથી 1.25 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
એટલે કે વીમા ક્લેમની ચુકવણીમાં સરકારો પર ખર્ચનો બોજ વધી ગયો છે. કદાચ આ જ કારણ છે કે ઘણાં રાજ્યો આ યોજનાથી દૂર ભાગી રહ્યા છે. જો કે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં સુધારાના સંકેત આપ્યા છે. અને કહ્યું છે કે યોજનામાં ખેડૂતોના લાભમાં ફેરફાર કરી શકાય છે. પરંતુ સવાલ હજુ પણ એ જ છે કે શું ફેરફાર બાદ પણ આ યોજના માટે રાજ્ય સરકારોનું વલણ બદલાશે કે રાજ્યોના પાછા હટવાનો સિલસિલો યથાવત રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો