Money9 Gujarati:
ગ્રાહકો ચીજવસ્તુઓ ખરીદવા માટે જે કિંમત ચૂકવે છે તેમાં ઘટાડો થયો છે. સપ્ટેમ્બરમાં છૂટક મોંઘવારીનો દર 5 ટકાની નજીક પહોંચ્યો છે અને તેમાં વધુ ઘટાડો થવાની આશા બંધાઈ છે. સરકારે 12 ઓક્ટોબરે જાહેર કરેલા ફુગાવાના આંકડા અનુસાર, સપ્ટેમ્બરમાં કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારિત ફુગાવો 5.02 ટકા થયો છે, જે ઓગસ્ટમાં 6.83 ટકા જ્યારે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં 7.41 ટકા હતો. ટામેટાં સહિતના શાકભાજીની મોંઘવારી ઘટવાને લીધે ખાદ્ય ફુગાવાનો દર પણ ઘટીને 6.56 ટકા થયો છે, જે ઓગસ્ટમાં 9.94 ટકા અને સપ્ટેમ્બર 2022માં 8.60 ટકા હતો. સરકારના ફિલ્ડ અધિકારીઓએ 1,114 શહેર અને 1,181 ગામડાંમાંથી ભેગી કરેલી માહિતીના આધારે સરકારે ફુગાવાની વિગત જાહેર કરી છે.
RBI માટે ટાર્ગેટ પૂરો કરવો પડકારજનક
RBI 2 ટકાથી 6 ટકાની રેન્જને ફુગાવા માટે સહનીય ગણે છે અને હવે ફુગાવાનો દર આ રેન્જની અંદર આવ્યો છે. જુલાઈમાં ફુગાવાનો દર 7.44 ટકાની 15 મહિનાની ટોચે પહોંચ્યો હતો, પરંતુ હવે ઘટીને 3 મહિનાના તળિયે આવી ગયો છે. સપ્ટેમ્બરમાં ફુગાવાનો દર 5 ટકાની નજીક તો પહોંચી ગયો છે, પરંતુ તેને 4 ટકાએ લઈ જવાનું કામ પડકારનજક છે. RBI ફુગાવાને 4 ટકાએ પહોંચાડવા માંગે છે, પરંતુ મુખ્ય ખરીફ પાકનું વાવેતર ઓછું થવાથી તેમજ એકસરખો વરસાદની ન પડવાથી પાક ઓછો ઉતરવાની શક્યતા છે. ઓછામાં પૂરું દેશનાં જળાશયોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે અને અલ નીનોને કારણે હીટવેવની ચિંતા છે, જેના લીધે ખાદ્ય ફુગાવો ફરી વેગ પકડી શકે છે, એવી શક્યતા અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ સપ્ટેમ્બર મહિનાથી ફુગાવો હળવો થવાની અપેક્ષા વ્યક્ત કરી હતી અને ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર 5.4 ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો. RBIની મોનેટરી પૉલિસી કમિટી (MPC)એ ફુગાવા માટે બીજા ક્વાર્ટર માટે 6.4 ટકા, ત્રીજા ક્વાર્ટર માટે 5.6 ટકા અને ચોથા ક્વાર્ટર માટે 5.2 ટકાનો અંદાજ આપ્યો હતો. ફુગાવાના આંકડાને ધ્યાનમાં રાખીને કમિટીએ સતત ચોથી વખત રેપો રેટ 6.5 ટકાએ જાળવી રાખ્યો છે.
ફુગાવાના આંકડાની ભીતરમાં….
સપ્ટેમ્બરમાં કન્ઝ્યુમર ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ (CFPI) માસિક ધોરણે 2.2 ટકા ઘટ્યો છે. ખાસ તો, ટામેટાંના ભાવ ઘટવાથી શાકભાજીનો ફુગાવાનો દર ઘટીને 3.39 ટકા થયો છે, જે ઓગસ્ટમાં 26.14 ટકાની ઊંચી સપાટીએ હતો. જોકે, શાકભાજીને બાદ કરતાં અન્ય ખાદ્ય ચીજોની મોંઘવારી હજુ પણ ચિંતાજનક સ્તરે છે. ફળનો ફુગાવાનો દર 7.30 ટકા નોંધાયો છે. સપ્ટેમ્બરમાં કઠોળ અને દાળની મોંઘવારીનો દર ઓગસ્ટના 13.04 ટકાથી વધીને 16.38 ટકા તેમજ અનાજની મોંઘવારીનો દર 10.95 ટકાના ઊંચા સ્તરે યથાવત્ છે. મરી-મસાલાનો ફુગાવો 23.06 ટકાના સ્તરે છે. દૂધની છૂટક મોંઘવારીનો દર 6.89 ટકા જ્યારે ઈંડાંમાં 6.42 ટકા અને માંસ-મચ્છીમાં 4.11 ટકા ફુગાવો છે. ખાદ્ય મોંઘવારીના ઈન્ડેક્સમાં 50 ટકા ભારાંક ધરાવતી મોટા ભાગની ખાદ્ય વસ્તુનો ફુગાવાનો દર 6 ટકાની ઉપર રહ્યો હોવાથી ફુગાવો વધવાનું દબાણ છે. સપ્ટેમ્બરમાં ખાંડની મોંઘવારીનો દર વધીને 4.52 ટકા થયો છે, જે ઓગસ્ટમાં 3.8 ટકા હતો.
સપ્ટેમ્બરમાં માસિક ધોરણે ‘ફ્યુઅલ અને લાઈટ’ 3.9 ટકા અને ‘હાઉસિંગ’ ઈન્ડેક્સ 0.1 ટકા ઘટવાથી તેમજ મિસેલેનિયસ કેટેગરી માત્ર 0.2 ટકા વધવાથી અને કપડાં તથા પગરખાંનો ફુગાવાનો દર 0.3 ટકા વધવાથી મુખ્ય ફુગાવાનો દર (core CPI inflation) ઓગસ્ટના 4.8 ટકાથી ઘટીને સપ્ટેમ્બરમાં 4.5 ટકા થયો હતો.
રાજ્યોમાં મોંઘવારીનો દર
દેશના વિવિધ રાજ્યોના ફુગાવાની વાત કરીએ તો, સપ્ટેમ્બરમાં સૌથી વધુ મોંઘવારી રાજસ્થાનમાં નોંધાઈ છે. આ રાજ્યમાં છૂટક ફુગાવાનો દર 6.53 ટકા રહ્યો છે જ્યારે 6.49 ટકા સાથએ હરિયાણા બીજા ક્રમે છે. કર્ણાટકમાં મોંઘવારીનો દર 6 ટકા રહ્યો છે. ગુજરાતમાં ફુગાવો 5.17 ટકાના દરે વધ્યો છે. જે રાજ્યોમાં મોંઘવારીનો દર નીચો છે તેમાં છત્તીસગઢ સૌથી આગળ છે. આ રાજ્યમાં સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો માત્ર 1.98 ટકાના દરે વધ્યો છે જ્યારે દિલ્હીમાં ફુગાવાનો દર 2.24 ટકા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો