MONEY9: કંપનીનામામાં વાંચો સપ્તાહની 7 મોટી ખબર
(1) બાયબેકની જાહેરાત બાદ પેટીએમના શેરમાં 2 ટકાથી વધુનો ઘટાડો કંપનીએ રૂ. 850 કરોડના શેર બાયબેકની દરખાસ્તને મંજૂરી આપ્યાના બીજા દિવસે, એટલે કે 14 ડિસેમ્બરના રોજ કંપનીનો શેર 2 ટકાથી વધુ ઘટીને રૂ. 525.05ના ઇન્ટ્રાડે lOW એ ધકેલાઇ ગયો હતો. કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 810ના ભાવે બાયબેક દરખાસ્તને મંજૂરી આપી છે જે રૂ. 2150ની આઇપીઓ પ્રાઇસની તુલનાએ 62 ટકા ડિસ્કાઉન્ટમાં છે પરંતુ તે 13 ડિસેમ્બરના ક્લોઝિંગની તુલનાએ 50 ટકા પ્રિમીયમમાં છે. કંપની શેરના બાયબેક માટે ફાળવેલી રકમના ઓછામાં ઓછા 50 ટકા રકમનો ઉપયોગ કરશે.
(2) દાલમિયા ભારત જેપી સિમેન્ટની એસેટ્સ રૂ. 5666 કરોડની એન્ટરપ્રાઇઝ વેલ્યૂએ ખરીદશે દેવામાં ડૂબેલું જેપી ગ્રૂપ તેનો સિમેન્ટ બિઝનેસ દાલમિયા સિમેન્ટને રૂ. 5666 કરોડની એન્ટરપ્રાઇઝ વેલ્યૂએ વેચવા માટે સંમત થયું છે. જેપી ગ્રૂપ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેની સામે ઇનસોલ્વન્સી કાર્યવાહી શરૂ કર્યા બાદ દેવું ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેપી ગ્રૂપને સ્ટેટ બેન્કને રૂ. 6,892 કરોડ ચુકવવાના બાકી છે. દાલમિયા અને જેપી ગ્રૂપ વચ્ચેના સોદામાં 9.4 મિલિયન ટન ઉત્પાદન ક્ષમતા ધરાવતા સિમેન્ટ એકમ અને 6.7 મિલિયન ટનની ક્ષમતા ધરાવતા ક્લિન્કર તેમજ 280 મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે.
(3) શ્રેઇ ગ્રૂપની લિક્વિડેશન વેલ્યૂ રૂ. 6 હજાર કરોડ અંકાઇ શ્રેઇ ગ્રૂપના ધિરાણકારો દ્વારા નિયુક્ત કરાયેલા બે સ્વતંત્ર વેલ્યૂઅર કાકોડે એન્ડ એસોસિયેટ્સ અને GAAએ તેમનો વેલ્યૂએશન રિપોર્ટ કમિટી ઓફ ક્રેડિટર્સને રજૂ કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બે સ્વતંત્ર વેલ્યૂઅર દ્વારા આંકવામાં આવેલી શ્રેઇ ગ્રૂપની લિક્વિડેશન વેલ્યૂ રૂ. 6,000 કરોડ છે અને એવરેજ ફેર વેલ્યૂ રૂ. 9,000 કરોડ આંકવામાં આવી છે. આની સામે ત્રણ બિડર્સ દ્વારા રજૂ કરવામાં આવેલી બિડ એવરેજ લિક્વિડેશન વેલ્યૂ અને એવરેજ ફેર વેલ્યૂ કરતાં લગભગ 60થી 70 ટકા ઓછી છે.
(4) અદાણી ગ્રૂપની ગૌહાટી એરપોર્ટનું સંચાલન કરતી કંપનીએ એરોડ્રોમનું લાઇસન્સ મેળવ્યું અદાણી ગ્રૂપની કંપની ગૌહાટી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડને LGBI એરપોર્ટનું સંપૂર્ણ મેનેજમેન્ટ કરવા માટે DGCA તરફથી એરોડ્રોમ લાઇસન્સ મળ્યું છે. DGCAએ આ લાઇસન્સ 9 ડિસેમ્બરના રોજ કંપનીને આપ્યું છે. LGBI એરપોર્ટનું સંપૂર્ણ વ્યવસ્થાન, સંચાલન અને વિકાસ કરવા માટે એરોડ્રોમ લાઇસન્સ આપવામાં આવ્યું છે. આ લાઇસન્સ સાથે એરોડ્રોમનો દેશના પબ્લિક એરપોર્ટ તરીકે ઉપયોગ કરી શકશે.
(5) ટાટા મોટર્સના બોર્ડે ટાટા ટેકના IPOને સૈદ્ધાંતિક મંજૂરી આપી ટાટા મોટર્સના બોર્ડે ટાટા ટેક્નોલોજીમાં તેના હિસ્સાનું IPO મારફતે આંશિક વેચાણ કરવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ટાટા મોટર્સ ટાટા ટેક્નોલોજીસમાં 72 ટકા હિસ્સો ધરાવે છે. ટાટા ટેક્નોલોજીસ એન્જિનિયરિંગ એન્ડ ડિઝાઇન, પ્રોડક્ટ લાઇફસાયકલ મેનેજમેન્ટ, મેન્યુફેક્ચરિંગ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં સેવા આપે છે તેમજ ઓટોમોટિવ અને એરોસ્પેસ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ અને તેમના સપ્યાલરોને આઇટી સર્વિસ મેનેજમેન્ટ પૂરું પાડે છે.
(6) VI, ATC રૂ. 1,600 કરોડના ડિબેન્ચરની તારીખ 26 ફેબ્રુઆરી સુધી લંબાવવા સંમત થઇ દેવામાં ડૂબેલી વોડાફોન આઇડિયા અને તેની વેન્ડર ATC ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેના રૂ. 1,600 કરોડના ઓપ્શનલી કન્વર્ટિબલ ડિબેન્ચરના સબસ્ક્રિપ્શનની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી સુધી લંબાવવા સંમત થઇ છે. VI પોતાના બાકી દેવાની સામે ટાવર કંપનીને પોતાના શેર ગયા સપ્તાહે આપવાની હતી. જોકે, મોબાઇલ ટાવર વેન્ડર ATC ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રૂ. 1,600 કરોડના ડિબેન્ચર આપવાની VIની દરખાસ્ત સરકાર તરફથી કોઇ પ્રતિભાવ ન મળતા નિષ્ફળ થઇ હતી.
(7) બાયજુસના ધિરાણકર્તાઓએ 1.2 અબજ ડોલરની લોનની આંશિક ચુકવણી ઝડપી બનાવવા માગ કરી. ભારતના સૌથી મૂલ્યવાન સ્ટાર્ટ અપ બાયજુસને ધિરાણ આપનાર ધિરાણકર્તાઓના જૂથે કંપનીને તાકીદ કરી છે કે તે 1.2 અબજ ડોલરની લોનની આંશિક ચુકવણી તાત્કાલિક કરે. બાયજૂસના ધિરાણકર્તાઓએ તાજેતરમાં બાયજૂસની 1.2 અબજ ડોલરની લોન ખરીદી છે અને તેઓ દેવાની શરતો પર ફેરવિચાર કરી રહ્યા છે. બાયજુસ તાજેતરમાં લોનની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી જેમાં 31 માર્ચના અંતે પૂરા થતા નાણાકીય વર્ષ માટેના પરિણામો માટે સપ્ટેમ્બર માટેની ડેડલાઇનનો પણ સમાવેશ થાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો