Money9 Gujarati:
RBIની મોનેટરી પૉલિસીના દિવસે અને 5 એપ્રિલે Sensex અને Nifty એકદમ ટાઈટ રેન્જમાં રહ્યા બાદ અંતે ફ્લેટ બંધ રહ્યા હતા. RBIએ અપેક્ષા મુજબ રેપો રેટ 6.5 ટકાએ યથાવત્ રાખ્યા છે. સેન્સેક્સ 20.59 પોઈન્ટ્સ (0.03 ટકા) વધીને 74,248.22એ બંધ રહ્યો જ્યારે નિફ્ટી 10.80 પોઈન્ટ્સ (0.05 ટકા) વધીને 22,525.50એ બંધ રહ્યો હતો. શુક્રવારે માર્કેટ બ્રેડ્થ તેજીતરફી હતી, કારણ કે 2,089 શેર્સ વધ્યા હતા જ્યારે 1,303 શેર્સ ઘટ્યા હતા અને 89 શેર્સમાં કોઈ વધારો કે ઘટાડો થયો નહોતો.
RBIને ફુગાવાની ચિંતા છે અને તેને ધ્યાનમાં રાખીને નજીકના ભવિષ્યમાં રેટ કટની ઉતાવળ કરે તેવું લાગતું નથી. આથી, બજારના નિષ્ણાતોને લાગે છે કે, નજીકના ભવિષ્યમાં ભારતીય શેરબજારો રેન્જબાઉન્ડ રહેવાની શક્યતા છે. ભારતીય અર્થતંત્ર મજબૂત વૃદ્ધિ કરી રહ્યું છે ત્યારે માર્કેટના એક્સપર્ટ્સને લાગે છે કે, ફુગાવાની ચિંતા સંપૂર્ણપણે હળવી થઈ નથી, એટલે RBI માટે રેટ કટ માટે જાજો અવકાશ નથી. વ્યાજના દરમાં સંભવિત ઘટાડાની શક્યતા ઓછી હોવાથી બજાર ચિંતામાં છે અને આથી નજીકના ગાળામાં બજાર રેન્જબાઉન્ડ રહેવાની શક્યતા છે.
ઓગસ્ટ પહેલા RBIના વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી શક્યતા લાગતી નથી. જ્યારે યુએસ ફેડ જૂનમાં દરો હળવા કરવાનું શરૂ કરે તેવી અપેક્ષા છે, તાજેતરના મહિનાઓમાં આવી અપેક્ષાઓ ઘણી વખત બદલાઈ છે અને તે નિશ્ચિત નથી.
સ્ટોક માર્કેટ એક્સપર્ટ ધ્રુમીલ વ્યાસ કહે છે કે, જિઓપોલિટકલ ઈશ્યૂ ના થાય તો, ભારતીય બજાર મજબૂતી જાળવી રાખશે અને ઈલેક્શનના રિઝલ્ટ સુધી બજાર પોઝિટિવ રહેશે. જો ઓઈલની કિંમત 100 ડૉલરની ઉપર જાય તો બજારે ચિંતા કરવાની રહેશે, બાકી વાંધો નહીં આવે.
માર્ચ ક્વાર્ટરમાં બેન્કિંગ સેક્ટરની અર્નિંગ્સ સારી જોવા મળશે. સ્ટીલની માંગ 10 ટકા જેટલી વધી છે અને મેટલ તથા કન્ઝમ્શન સ્ટોક્સ સારું પર્ફોર્મ કરી શકે છે. સિમેન્ટ કંપનીઓ પણ ચાલશે. બેન્કિંગ, મેટલ, સિમેન્ટ અને ફાર્મા કંપનીઓ માર્ચ ક્વાર્ટરમાં સારા પરિણામ જાહેર કરે તેવી શક્યતા છે, જેને રોકાણકારોએ ધ્યાનમાં રાખવું જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો