Money9: શું માર્ચ મહિનામાં મળી રહ્યા છે રિકવરીના સંકેત? શું અટકવાનો છે શેર બજારમાં ઘટાડાનો સિલસિલો? શું આવી ગયો છે પોર્ટફોલિયો બનાવવાનો સમય? આ તમામ સવાલ કે આશાઓ એટલે બની રહી છે, કારણ કે શેર બજારના આંકડા પર નજર રાખનારાની નજર, એક એવા આંકડા પર પડી છે જેનાથી તેમને એક બાઉન્સ બેકની આશા દેખાઇ રહી છે. તે આંકડા પર નજર નાંખીએ તેની પહેલાં એ સમજી લઇએ કે બજારમાં સતત ત્રીજા મહિને ઘટાડાનું કારણ શું રહ્યું.
રશિયા-યૂક્રેન યુદ્ધ શરુ થયું તે અગાઉથી જ શેરબજારનું સેન્ટિમેન્ટ ખરાબ હતું. દુનિયાભરમાં વધતી મોંઘવારીના કારણે વ્યાજ દરો વધવાનો સિલસિલો શરૂ થયો. ક્રૂડ ઓઇલની કિંમતોમાં નરમી બાદ એવું લાગ્યું કે ફેબ્રુઆરીમાં શેર બજારમાં સેન્ટિમેન્ટ સુધરશે. પરંતુ પછી આવ્યો 27 જાન્યુઆરીએ અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો રિપોર્ટ, જેનાથી અદાણી જૂથના શેરોમા મોટા કડાકા તો થયા જ સાથે સાથે બેંક, વીમા સહિત તમામ સેક્ટરના શેર જમીન પર આવી ગયા. બજારનું સેન્ટિમેન્ટ એવું તો ખરાબ થયું કે, ફેબ્રુઆરી મહિનામાં સતત 8 સેશનમાં ઘટાડો જોવા મળ્યો, જે 4 વર્ષમાં પહેલીવાર થયું. હવે સમજીએ એવા કયા આંકડા સામે આવ્યા છે જેના કારણે માર્ચ મહિનામાં રિકવરીની આશાઓ દેખાઇ રહી છે.
હકીકતમાં છેલ્લા 10 વર્ષોના આંકડા પર નજર નાંખીએ તો જ્યારે સતત 3 મહિના શેર બજારમાં ઘટાડો જોવા મળે છે, તો ત્યાર પછીના મહિનામાં શેર બજારમાં ઝડપી રિકવરી જોવા મળે છે. 2011થી અત્યાર સુધી 9 વાર એવું બન્યું છે જ્યારે શેર બજારે સતત 3 મહિના સુધી નેગેટિવ રિટર્ન આપ્યું હોય અને ચોથા મહિનામાં સારી રિકવરી જોવા મળી હોય.
આ વખતે ડિસેમ્બરથી ફેબ્રઆરીની વચ્ચે નિફ્ટીમાં 8.3%નો ઘટાડો જોવા મળ્યો છે. જો ફક્ત માર્ચ મહિનાની વાત કરીએ તો 2012થી અત્યાર સુધી 7 વાર એવી સ્થિતિ બની છે જ્યારે શેર બજારમાં તેજી જોવા મળી છે જ્યારે 4 વખત બજાર લાલ નિશાનમાં બંધ રહ્યું છે.
તો શું આ વખતે પણ ઇતિહાસનું પુનરાવર્તન થશે? આ અંગે શેર ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ રવિ સિંહ કહે છે કે બજારનો સ્વાભાવિક નિયમ છે કે મોટા ઘટાડા બાદ નીચલા સ્તરેથી રોકાણકારો મન મુકીને ખરીદી કરે છે અને ઉપલા સ્તરે નફો બુક કરે છે. શેર બજારના ઐતિહાસિક આંકડા પણ તેની સાક્ષી પુરે છે. જો કે શેર બજારમાં વેચવાલીનું દબાણ રહેશે કે નહીં, તે બજારના સેન્ટિમેન્ટ અને ફંડામેન્ટલ પર આધાર રાખશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો