MONEY9: આજે સમજીએ કે, પ્રાઈસ અર્નિંગ ટુ ગ્રોથ રેશિયો એટલે કે પેગ રેશિયો (PEG RATIO) કોને કહેવાય? આ રેશિયોની મદદથી મજબૂત ફંડામેન્ટલ ધરાવતી બેસ્ટ કંપની શોધવામાં રોકાણકારોને કેવી રીતે મદદ મળે છે? પેગ રેશિયો દ્વારા કંપનીનો શેર ઓવર-વેલ્યુડ છે, અંડર-વેલ્યુડ છે કે ફેરલી-વેલ્યુડ છે, તેનો અંદાજ લગાવવામાં આવે છે.
PEG રેશિયોની સમજ જો શેર ફેરલી-વેલ્યુડ હોય તો તેનો મતલબ કે વેલ્યુએશનના મોરચે શેર વાજબી ભાવ ધરાવે છે અને રોકાણ કરવા લાયક છે. શેર અંડર વેલ્યુડ હોય તો એમ કહી શકાય કે, તેનું વેલ્યુએશન સસ્તું છે અને તેમાં તેજી આવવાની શક્યતા છે. જો શેર ઓવર-વેલ્યુડ હોય તો તેનો અર્થ એવો થયો કે, વર્તમાન ભાવે શેર ઘણો મોંઘો છે અને તેમાં ઘટાડો થઈ શકે છે.
PE રેશિયો vs PEG રેશિયો આમ તો, પીઈ રેશિયો દ્વારા પણ કંપનીના વેલ્યુએશનનો અંદાજ મેળવી શકાય છે, છતાં પેગ રેશિયો મહત્ત્વનો છે, કારણ કે, પીઈ રેશિયો માત્ર વર્તમાન ભાવ સામે વેલ્યુએશન દર્શાવે છે જ્યારે પેગ રેશિયોથી આગામી વર્ષોમાં કંપની કેવું પ્રદર્શન કરશે તેનો અંદાજ મેળવી શકાય છે. આથી, પેગ રેશિયોનું મહત્ત્વ ઘણું વધારે છે અને વેલ્યુએશન માપવા માટે પીઈ રેશિયોની સરખામણીએ પેગ રેશિયોને વધારે અસરકારક માનવામાં આવે છે.
PEG રેશિયો કેટલો હોવો જોઈએ? હવે, એ પણ જાણી લઈએ કે, પેગ રેશિયો કેટલો હોય તો કંપનીમાં રોકાણ કરાય. જો કોઈ કંપનીનો પેગ રેશિયો 1 હોય તો કહેવાય કે તે ફેરલી-વેલ્યુડ છે અને રોકાણ કરવા યોગ્ય છે. જો પેગ રેશિયો 1થી ઓછો હોય તો કહેવાય કે તે અંડર-વેલ્યુડ છે અને પેગ રેશિયો 1 કરતાં વધારે આવે તો આવા શેરને ઓવર-વેલ્યુડ શેર માનવામાં આવે છે અને તેનાથી દૂર રહેવામાં જ મજા છે.
PEG રેશિયો શોધવાની ફૉર્મ્યુલા હવે, એ પણ જાણી લઈએ કે, પેગ રેશિયોને શોધવાની ફૉર્મ્યુલા કઈ છે અને તેની ગણતરી કેવી રીતે થાય છે. તમારે સૌથી પહેલાં કંપનીનો પીઈ શોધવો પડશે અને તેના માટે શેરના વર્તમાન ભાવનો કંપનીની શેર દીઠ આવક એટલે કે EPS દ્વારા ભાગાકાર કરવો પડશે. હવે કંપનીના પીઈનો કંપનીના અર્નિંગ ગ્રોથ રેટ વડે ભાગાકાર કરશો, તો તમને પેગ રેશિયો મળી જશે.
સચોટ રેશિયો કેવી રીતે શોધવો? સચોટ પેગ રેશિયો મેળવવા માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ અથવા તેના કરતાં વધારે વર્ષના અર્નિંગ ગ્રોથ રેટના આંકડાનો ઉપયોગ કરવો જોઈએ. આવું કરવાથી કંપનીનો શેર આગામી વર્ષોમાં કેવું પ્રદર્શન કરશે તેનો ચોક્કસ અંદાજ લગાવી શકાશે.
ઉદાહરણ દ્વારા સમજીએ હવે એક ઉદાહરણ દ્વારા વિસ્તારથી સમજીએ. ધારો કે, એક જ સેક્ટરની બે કંપની છે, X અને Y. આ બંનેમાંથી કઈ કંપનીમાં રોકાણ કરવું તેના માટે આપણે પેગ રેશિયોની મદદ લઈશું. X કંપનીનો પીઈ છે 15 અને Yનો પીઈ છે 18. પીઈના મોરચે તો, Yની સરખામણીએ Xનું વેલ્યુએશન વધુ આકર્ષક લાગે છે કારણ કે, Y કરતાં Xનો પીઈ ઓછો છે. હવે પેગ રેશિયોના ત્રાજવે બંનેની તુલના કરવા માટે અર્નિંગ ગ્રોથ રેટની જરૂર પડશે અને Xનો અર્નિંગ ગ્રોથ રેટ 12 છે જ્યારે Yનો આ રેટ 19 છે. તો, X કંપનીનો પેગ રેશિયો આવે છે 1.25 જ્યારે Y કંપનીનો પેગ રેશિયો છે 0.95. એટલે કે, પેગ રેશિયોના આધારે વાય કંપનીનું વેલ્યુએશન એક્સ કંપની કરતાં સસ્તું છે. એટલે કે, રોકાણ કરવા માટે એક્સ કરતાં વાય વધારે યોગ્ય કંપની સાબિત થઈ.
પૂરતું રિસર્ચ કરીને શેર ખરીદો હવે, જતાં-જતાં તમને જણાવી દઈએ કે, કંપનીનું વેલ્યુએશન શોધવા માટે પેગ રેશિયો એક મહત્ત્વપૂર્ણ આંકડો તો છે, પરંતુ આ સિવાય ઘણા પરિબળો પણ ધ્યાનમાં લેવા જરરૂી છે. રોકાણકારોએ અન્ય ઘણા બધા ત્રાજવે કંપનીને તોલવી જોઈએ. બરાબર રિસર્ચ કરવું જોઈએ અને સમજી-વિચારીને જ શેરબજારમાં રોકાણ કરવાનો નિર્ણય લેવો જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો