Money9: સસ્તી ચીજો કોને ન ગમે..આપણે ભારતીયો તો સસ્તી વસ્તુઓ ખરીદવાના શોખીન હોઇએ છીએ..એટલે તો તહેવારો પર લાગતા સેલમાં લોકો એવી રીતે ખરીદી કરતા હોય છે જાણે તે ફ્રીમાં ન મળતી હોય..કદાચ આ જ માનસિકતાના કારણે ભારતીય શેરબજારમાં નીચી કિંમતના શેરોમાં નાના રોકાણકારો એટલે કે રિટેલ ઇન્વેસ્ટર્સની હિસ્સેદારી વધુ રહેતી હોય છે. સામાન્ય રીતે રોકાણકાર એવું વિચારે છે કે સસ્તા શેર ખરીદવાથી બજારમાં વધારે પૈસા નહીં ફસાય અને નુકસાન થશે તો પણ પોતાના ખિસ્સાને વધારે નુકસાન નહીં થાય.
ઉદાહરણ તરીકે આપણે જો એવિએશન સેક્ટરની કંપની સ્પાઇસ જેટના શેર પર નજર કરીએ તો તેની હાલની માર્કેટ પ્રાઇસ લગભગ 33 રૂપિયા છે. એટલે કે તે ઘણો સસ્તો છે. એટલે તેમાં રિટેલ ઇન્વેસ્ટર્સની હિસ્સેદારી અંદાજે 39.4 ટકા છે. બીજીબાજુ આ જ સેક્ટરની કંપની ઇન્ડિગોને જોઇ લો. તેના શેરની કિંમત 1862 રૂપિયાની આસપાસ ચાલી રહ્યા છે. એટલે તેમાં નાના રોકાણકારોની હિસ્સેદારી ફક્ત 1.98 ટકા જ છે. સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે ઓછી કિંમત હોવાના કારણે જ સ્પાઇસ જેટમાં વધારે રિટેલ રોકાણકારોએ રોકાણ કર્યું છે. જો આપણે ઓટો સેક્ટરના ટાટા મોટર્સ, મારુતિ અને સિમેન્ટ સેક્ટરના સ્ટાર સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટની તુલના કરીએ તો પણ આવો જ ટ્રેન્ડ જોવા મળે છે.
હવે સવાલ એ ઉભો થાય કે શું ખરેખર કોઇ શેર સસ્તો છે, તો તે સારો પણ હશે જ..? શું સસ્તાની લાલચમાં આવા શેરોમાં પૈસા લગાવનારા કરોડો રોકાણકારોને વધુ ફાયદો થઇ રહ્યો છે કે નહીં?..આ શેરોમાંથી મળતા રિટર્નના આંકડા શું કહે છે? તો આનો જવાબ છે ના..એટલે કે શેરની કિંમતને તેની પર મળતા રિટર્ન સાથે કોઇ મતલબ નથી હોતો. આંકડા આ વાતની પુષિ્ટ પૂરે છે.
જો આપણે ઓછી કિંમતવાળા સ્પાઇસ જેટ, વોડાફોન આઇડિયા અને સ્ટાર સિમેન્ટ જેવા કેટલાક શેરો પર નજર કરીએ તો એક વર્ષ અને પાંચ વર્ષમાં તેનું પ્રદર્શન ઘણું જ ખરાબ દેખાય છે. તેમાં 7.5 ટકાથી લઇને 86 ટકા સુધીનું નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. નેગેટિવ રિટર્નનો અર્થ એ છે કે તેના ભાવમાં ઘટાડો થયો છે. સ્પાઇસ જેટમાં છેલ્લા 5 વર્ષમાં લગભગ 74 ટકાનું નેગેટિવ રિટર્ન મળ્યું છે. વોડાફોન આઇડિયાનો હાલનો ભાવ 6.6 રૂપિયા જ છે. પરંતુ આ શેરમાં તો પાંચ વર્ષમાં 86.4 ટકાનું નેગેટિવ રિટર્ન મળ્યું છે. બીજી તરફ જો આપણે ઉંચી કિંમતવાળા કેટલાક શેરના પ્રદર્શન પર નજર કરીએ તો તુલનાત્મક રીતે, તેમનું પ્રદર્શન સારુ રહ્યું છે. ઇન્ડિગોના શેરમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 47 ટકાનું રિટર્ન મળ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો અત્યારનો ભાવ 2,288 રૂપિયા છે. પરંતુ તેણે છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 157 ટકાનું રિટર્ન આપ્યું છે. ટીસીએસનો હાલનો ભાવ 3,286 રૂપિયા છે. તેણે છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 133 ટકાનું રિટર્ન આપ્યું છે.
તો આ બધા કેસને જોયા બાદ એક વાત તો સ્પષ્ટ થઇ ગઇ છે અને તે એ કે શેરોની કિંમતને તેના રિટર્ન સાથે કોઇ લેવાદેવા નથી. તો હવે તમે વિચારશો કે છેવટે શેરની પસંદગી કેવી રીતે કરવી? તો જાણકારોનું કહેવું છે કે અનેક પ્રકારના માપદંડો કે વેલ્યૂએશનના આધારે શેરની પસંદગી કરવી જોઇએ.
પહેલી મહત્વની વાત એ છે, કે જ્યારે પણ કોઇ કંપનીના શેરમાં રોકાણ કરો તો એ જરૂર જુઓ કે તેની બેલેન્સ શીટ કેવી છે. બેલેન્સ શીટમાં સૌથી પહેલા એ જોવું જોઇએ, કે કંપની પર દેવું છે કે નહીં..જો છે, તો પણ ડેટ ટુ ઇક્વિટી રેશિયો કેટલો છે? ડેટ ટુ ઇક્વિટી રેશિયો 2 થી ઓછો હોય તો તેને સારો માનવામાં આવે છે. આનાથી વધારે ડેટ ટુ ઇક્વિટી રેશિયોનો અર્થ એ છે કે કંપની પર જોખમ વધારે છે. કંપનીની દેવું ચૂકવવાની ક્ષમતા કેટલી છે, તે પણ જુઓ. આ ક્ષમતાને તમે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો કે ડેટ સર્વિસ કવરેજ રેશિયોથી જાણી શકો છો. ડેટ સર્વિસ કવરેજ રેશિયોથી એ ખબર પડે છે કે કંપનીની પાસે દેવું ચૂકવવા માટે કેટલી રોકડ છે. બીજી મહત્વની વાત એ પણ જોવાની છે કે કંપનીમાં પ્રમોટરનો હિસ્સો કેટલો છે અને તેમાંથી પણ ગિરવે શેર કેટલા છે?. ત્રીજું એ પણ જુઓ કે જે કંપનીમાં તમે રોકાણ કરી રહ્યા છો તે કંપની કઇ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે. ગ્રોથવાળી કે સાઇક્લિકલ..અને એ પણ જોઇ લો કે તેનું બિઝનેસ મોડલ કેવું છે?. ચોથી મહત્વની વાત એ પણ જોવાનું છે, કે તે કંપનીના ઓપરેટિંગ માર્જિન કેવા પ્રકારના છે. તે ઘટી તો નથી રહ્યાં ને?..અથવા તો એટલું જરુર સુનિશ્ચિત કરી લો કે તે ઓછામાં ઓછા સ્થિર તો હોવા જ જોઇએ. પાંચમો મહત્વનો પોઇન્ટ એ જોવાનો છે કે શેરનું વેલ્યૂએશન કેવું છે. આ વેલ્યૂએશન, સેક્ટરની અન્ય કંપનીઓ કે એવરેજની તુલનામાં કેવું છે.
તો એકંદરે એમ કહી શકાય છે કે શેરોની ખરીદી કરવી એ બજારમાંથી ભાવતાલ કરીને કોઇ સસ્તો સામાન ખરીદવા જેટલું સહેલું નથી. કોઇ કંપનીના શેરમાં રોકાણનો અર્થ એ છે કે તમે તેના કારોબારમાં ભાગીદાર બની રહ્યાં છો. એટલે કોઇપણ શેરની ખરીદી સંપૂર્ણ રીતે ચકાસણી કરીને જ કરો. શેરની કિંમત વધારે કેમ ન હોય પણ જો કંપની મજબૂત છે, તેના કારોબારમાં ગ્રોથની સંભાવના દેખાઇ રહી છે તો તમે રોકાણ કરી શકો છો. ઓછી કિંમતના વધારે શેર ખરીદીને ફસાઇ જવા કરતાં, સારુ એ રહેશે કે વધુ ભાવવાળા ઓછા શેર ખરીદીને સારા પૈસા બનાવો..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો