Money9 Gujarati:
અમદાવાદમાં રહેતા અંકિતભાઈ 38 વર્ષના છે. એક એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરે છે. પગાર પણ સારો છે. તેમનો ઈરાદો રિટાયરમેન્ટ પહેલા બિઝનેસ ચાલુ કરવાનો છે. રિટાયરમેન્ટ પછી પણ નિયમિતપણે આવક થાય તે જરૂરી છે અને હાથપગ ચાલતા હોય ત્યાં સુધી કમાણી થવી જરૂરી છે. અંકિતભાઈએ ગણતરી કરી તો ખબર પડી કે, લગભગ અઢીથી ત્રણ કરોડ રૂપિયા હાથ પર હોય તો બિઝનેસ શરૂ થઈ શકે. આટલા બધા રૂપિયા ભેગા કરવા માટે તેમણે 20 વર્ષનો ટાર્ગેટ નક્કી કર્યો છે. શું અંકિતભાઈ 20 વર્ષમાં 3 કરોડ રૂપિયા ભેગા કરી શકશે…? … તો ચાલો શોધીએ તેનો જવાબ..
રોકાણ કરવાના અનેક વિકલ્પ છે. પરંતુ એવો વિકલ્પ પસંદ કરવો જોઈએ, જે મોંઘવારીને હરાવીને વધારે વળતર આપી શકે… આવો વિકલ્પ છે મ્યુચ્યુઅલ ફંડ. મોંઘવારી કરતાં વધારે વળતર આપવાની તાકાત મ્યુચ્યુઅલ ફંડમાં છે. તેમાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે, SIP દ્વારા રોકાણ કરી શકાય છે.
હવે સવાલ એ થાય કે, કયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ…? કારણ કે મ્યુચ્યુઅલ ફંડ તો અનેક પ્રકારના હોય છે. અમુક મ્યુચ્યુઅલ ફંડ શેરબજારમાં રોકાણ કરે છે જ્યારે અમુક ફંડ બોન્ડ અને ફિક્સ્ડ ઈનકમ જેવા ડેટમાં રોકાણ કરે છે. કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્સ ગોલ્ડમાં પણ રોકાણ કરે છે. પરંતુ જો લાંબા ગાળા માટે રોકાણ કરવાની ગણતરી હોય તો ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને SIP કરવી શ્રેષ્ઠ સાબિત થશે.
રોકાણ કરતા પહેલાં તમારો ફાયનાન્સિયલ ટાર્ગેટ નક્કી હોવો જોઈએ. સરળ શબ્દોમાં કહું તો, તમે રોકાણ કરીને શું હાંસલ કરવા માંગો છો તે નક્કી હોવું જોઈએ. જેમકે, અંકિતભાઈનો ટાર્ગેટ બિઝનેસ માટે પૈસા ભેગા કરવાનો છે. હવે SIP દ્વારા રોકાણના ફાયદાની વાત કરું.. SIPમાં કમ્પાઉન્ડિંગ, ટાર્ગેટ આધારિત રોકાણ, ટોપ-અપ SIP અને રૂપી કોસ્ટ એવરેજિંગ જેવા વિવિધ ફાયદા મળે છે. રૂપી કોસ્ટ એવરેજિંગ એટલે રોકાણ કરવાની એક રીત, જેમાં નિયમિતપણે રોકાણ થતું રહે છે અને રોકાણ પર બજારના ઉતારચઢાવની કોઈ અસર પડતી નથી.
હવે સમજીએ કે, 20 વર્ષમાં 3 કરોડ રૂપિયા ભેગા કરવા માટે અંકિતભાઈએ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું રોકાણ કરવું પડશે..? એમ્ફીના ટાર્ગેટ આધારિત SIP કેલક્યુલેટર દ્વારા ગણતરી કરી તો જાણવા મળ્યું કે…, 12 ટકા અંદાજિત વળતર પ્રમાણે 3 કરોડ રૂપિયા ભેગા કરવા માટે દર મહિને 30,325 રૂપિયાની SIP કરવી પડે. 20 વર્ષમાં લગભગ 72.78 લાખ રૂપિયા જમા થઈ જશે અને કમ્પાઉન્ડિંગનો ફાયદો મળવાથી કુલ 3 કરોડ રૂપિયાની રકમ ભેગી થશે. મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન ફિક્સ તો હોતું નથી. તેનો આધાર માર્કેટ પર રહેલો છે, એટલે રિટર્નમાં પ્લસ-માઈનસ થઈ શકે છે.
હવે સમજીએ કે, 3 કરોડ રૂપિયા ભેગા કરવા માટે અંકિતભાઈએ દર મહિને 30 હજાર રૂપિયાની SIP કયા ફંડ્સમાં કરવી…?
તેનો જવાબ આપે છે મની ફ્રન્ટના કો-ફાઉન્ડર મોહિત ગંગ. તેઓ કહે છે કે, અંકિતભાઈએ ટાર્ગેટ પાર પાડવા માટે પરાગ પારિખ ફ્લેક્સિ કેપમાં 6,325 રૂપિયા રોકવા જોઈએ. આ ઉપરાંત, ટાટા લાર્જ એન્ડ મિડ કેપ ફંડ, UTI નિફ્ટી ટુ-હન્ડ્રેડ મોમેન્ટમ થર્ટી ઈન્ડેક્સ ફંડ, એડલવેઈસ મિડ કેપ ફંડ અને ટાટા સ્મોલ કેપ ફંડમાં દર મહિને છ-છ હજાર રૂપિયાની SIP કરવી જોઈએ.
દર મહિને 30 હજારનું રોકાણ કંઈ નાની રકમ નથી. જો અંકિતભાઈ આટલું બધું રોકાણ ના કરી શકતા હોય તો તેમણે 10 હજાર કે 15 હજારની SIPથી શરૂઆત કરવી જોઈએ. દર વર્ષે SIPમાં 5થી 10 ટકા વધારો કરવો જોઈએ. આવી રીતે પણ તેઓ ફાયનાન્શિયલ ગોલ હાંસલ કરી શકે છે.
20 વર્ષમાં 3 કરોડ રૂપિયા ભેગા કરવાનું કામ કંઈ સરળ નથી,, પરંતુ જો તમે સમજદારી સાથે આર્થિક નિર્ણય લેશો તો આ અઘરું કામ પણ સરળ થઈ જશે. રોકાણ કરતા પહેલાં તમારે જોખમ લેવાની ક્ષમતા કેટલી છે તે જાણવું પડશે અને તે મુજબ ફંડની પસંદગી કરવી પડશે.
સામાન્ય રીતે, ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 12 ટકા વળતર મળી શકે છે. પરંતુ અમુક વર્ષ નેગેટિવ રિટર્ન પણ મળશે. દર વર્ષે તમારો પોર્ટફોલિયો પોઝિટિવ રહે તે જરૂરી નથી. આથી, તમારે માત્ર એક એસેટ ક્લાસના ભરોસે ના રહેવું જોઈએ. અલગ-અલગ એસેટ ક્લાસમાં રોકાણ વહેંચી દેવું જોઈએ. ઈક્વિટી, ડેટ, ગોલ્ડ કે પછી રિયલ એસ્ટેટનો એક મિક્સ પોર્ટફોલિયો બનાવવો જોઈએ. એક એસેટ ક્લાસ નેગેટિવ રિટર્ન આપે ત્યારે બીજો એસેટ ક્લાસ તમારા પોર્ટફોલિયોને બેલેન્સમાં રાખશે.
અંકિતભાઈની જેમ તમે પણ કોઈ આર્થિક લક્ષ્ય માટે રોકાણ કરવાનું વિચારી રહ્યાં હો તો, રોકાણની જેટલી વહેલી શરૂઆત કરશો તેટલો વધારે ફાયદો થશે. નાની ઉંમરથી શરૂ કરેલું રોકાણ એક મોટું ફંડ ભેગું કરવામાં મદદરૂપ થશે. SIP કરીને ચૂપચાપ બેસી ના રહેતા, કારણ કે, તમારે વર્ષમાં ઓછામાં ઓછા એક વાર તો તમારા પોર્ટફોલિયોની સમીક્ષા ચોક્કસથી કરવી જોઈએ. જો આર્થિક લક્ષ્ય હાંસલ કરવામાં થોડીક પણ કચાશ લાગે તો તે મુજબ સ્ટ્રેટેજીમાં ફેરફાર પણ કરવો જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો