Money9: આખા સપ્તાહના કોર્પોરેટ અને સ્ટાર્ટ અપ્સ જગતના મહત્વના સમાચારો
DHFL પર સેબીની કાર્યવાહી
દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પ લિમિટેડ એટલેકે DHFLના પૂર્વ પ્રમોટર ધીરજ વધાવન અને કપિલ વધાવન સામે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીએ સખત પગલા ભર્યા છે. સેબીએ બન્ને ભાઇઓના બેંક એકાઉન્ટ અને ડીમેટ એકાઉન્ટને એટેચ એટલે કે ટાંચમાં લેવાનો આદેશ કર્યો છે. બન્ને ભાઇઓ પર 22 લાખ રૂપિયાથી વધુની બાકી વસૂલાત માટે આ પગલું ભરવામાં આવ્યું છે. સેબીએ ગયા જુલાઇમાં બન્નેને દંડ ફટકાર્યો હતો. પરંતુ ધીરજ વધાવન અને કપિલ વધાવને દંડ નહીં ચૂકવાત સેબીએ આ ઓર્ડર કર્યો છે.
બિરલાનો સિમેન્ટ બિઝનેસનો ફ્યૂચર પ્લાન
Aditya Birla Group તેના સિમેન્ટ બિઝનેસને વધારવા માટે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક બન્ને રીતનો ઉપયોગ કરશે. ગ્રુપ તેના સિમેન્ટ બિઝનેસનો વિસ્તાર કરવા માંગે છે. ઇનઓર્ગેનિકનો અર્થ, નવી કંપનીઓના એક્વિઝિશનથી છે. કંપનીના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ આ માહિતી આપી છે. બિરલાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સિમેન્ટ ઉદ્યોગમાં હિસ્સેદારી વધારવા દિગ્ગજ કંપનીઓ એક્વિઝિશન બાબતે આક્રમક બની છે. આદિત્ય બિરલા ગ્રુપ એ અલ્ટ્રાટેક સિમેન્ટ અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ મારફતે માર્કેટ લીડર છે. બિરલાના હરીફ અદાણી સમૂહે પણ અંબૂજા અને એસીસીનું એક્વિઝિશન કર્યું છે.
Spicejet નવા વિમાન ખરીદશે
એરલાઇન્સ સ્પાઇસજેટે 316 કરોડ રૂપિયાનું વધારાનું ભંડોળ ઊભું કર્યું છે. આ સાથે પ્રેફરન્શિયલ શેર ઇશ્યૂ દ્વારા એકત્રિત કરાયેલું તેનું કુલ ભંડોળ 1060 કરોડ રૂપિયા થઇ ગયું છે. કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું કે સ્પાઇસજેટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પ્રેફરન્શિયલ એલોટમેન્ટ કમિટીએ 21 ફેબ્રુઆરી, 2024ના રોજ એરીઝ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લિમિટેડ સહિત બે રોકાણકારોને પ્રેફરન્શિયલ ધોરણે 4.01 કરોડ ઇક્વિટી શેરની ફાળવણીને મંજૂરી આપી છે. આ ભંડોળથી કંપની નવા વિમાન ખરીદશે.
Byju’sની મુશ્કેલીઓ વધી
એડટેક કંપની બાયજુસની મુસીબતો વધતી જ જાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ કંપનીના CEO રવિન્દ્રનને લુક આઉટ નોટિસ મોકલી છે. એટલે કે રવિન્દ્રને ભારતની બહાર જવા માટે તપાસ અધિકારીને જાણ કરવી પડશે. એક ન્યૂઝ એજન્સીને ટાંકીને આ જાણકારી સામે આવી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં પણ સરકારી એજન્સીએ બાયજુની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડને કારણદર્શક નોટિસ મોકલી હતી.
આ કંપનીને મળ્યું ₹160 કરોડનું ફંડિંગ
ઇલેક્ટ્રિક બાઇક-શેરિંગ પ્લેટફોર્મ યુલુ બાઇક્સને મોટું ભંડોળ મળ્યું છે. Yulu Bikes એ કંપનીના વર્તમાન વ્યૂહાત્મક રોકાણકારો મેગ્ના અને બજાજ ઓટો લિમિટેડને શેર ઇશ્યૂ કરીને ઇક્વિટી ધિરાણ દ્વારા 1.925 કરોડ ડોલર એટલે કે 160 કરોડ રૂપિયાની મૂડી ઊભી કરી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ મૂડી રોકાણ યુલુને તેના ગ્રોથને જાળવી રાખવામાં સક્ષમ બનાવશે. તેમજ તેની માર્કેટ લીડરશિપને મજબૂત કરવામાં મદદ કરશે. યુઝર્સની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને કંપની વ્હીકલ્સ, ઓપરેશનલ લોકેશન્સ અને પ્રોડક્ટ અને ટેક્નોલોજી ઈનોવેશનના સંદર્ભમાં તેની પહોંચ વિસ્તારશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો