Money9: આખા સપ્તાહના કોર્પોરેટ અને સ્ટાર્ટ અપ્સ જગતના મહત્વના સમાચારો
દુબઇનું આ ગ્રુપ ભારતમાં બનાવશે હોટલ
દુબઇનું જુમેરાહ ગ્રુપ ભારતમાં હોટલ કે રિસોર્ટ શરૂ કરશે. દિલ્હી બાદ અમદાવાદમાં રોડ શો માટે આવેલા જુમેરાહ એમિરેટ્સ ટાવર્સ એન્ડ જુમેરાહ લિવિંગના જનરલ મેનેજર કિર્તિ અંચને જણાવ્યું કે આવતા 7 વર્ષમાં કંપની તેની હાલની 27 પ્રોપર્ટીની સંખ્યાને ડબલ કરવા માંગે છે. જેના માટે ભારતમાં પણ બેસ્ટ લોકેશન શોધી રહી છે. અંચને કહ્યું કે કંપની ભારતમાં હોટલ ખોલવા માટે મેટ્રો શહેરો ઉપરાંત ટૂરિસ્ટ લોકેશન પણ સર્ચ કરી રહી છે. અને યોગ્ય સમયે તેની જાહેરાત કરવામાં આવશે. મહત્વનું છે કે જુમેરાહ કુલ 12 હોટલ દુબઇમાં છે જેમાં આવતા વર્ષે બીજી બે હોટલનો ઉમેરો થશે. દુબઇ ઉપરાંત કંપનીની બહેરિન, કુવૈત, ઓમાન, ચાઇના, માલદિવ્સ, ઇન્ડોનેશિયા, સ્પેન અને યુકેમાં પ્રોપર્ટી ધરાવે છે. 2050 સુધીમાં કંપનીના પોર્ટફોલિયોમાં 50 કરતાં વધુ પ્રોપર્ટી હશે. દુબઇ જતા કુલ ભારતીય પ્રવાસીઓમાં 20 ટકા ગુજરાતી છે.
ચાઇનીઝ કંપની MG મોટર હવે બનશે ભારતીય
JSW ગ્રુપના પ્રેસિડેન્ટ સજ્જન જિંદાલ અને ઓટોમોબાઇલ કંપની એમજી મોટર ઇન્ડિયાની વચ્ચે ચાલી રહેલી સમજૂતી અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. જિંદાલ આ ઓટો કંપનીની 32 થી 35 ટકા હિસ્સેદારી ખરીદી રહ્યા છે. એમજી મોટર શાંઘાઇ બેઝ્ડ SAIC મોટરની સહાયક કંપની છે. એક્સપર્ટનું માનવું છે કે આ ડીલથી MGનું વેલ્યુએશન 1 અબજ ડોલર સુધી પહોંચી જશે. દિવાળી સુધી આ ડીલની જાહેરાત થઇ શકે છે. MG મોટરમાં SAICનો 51 ટકા હિસ્સો છે. એક ભારતીય નાણાકીય સંસ્થા પાસે તેનો 8 ટકા હિસ્સો હશે. તો MGના ભારતીય ડીલરો અને સ્થાનિક કર્મચારીઓ પાસે 6 થી 7 ટકા હિસ્સો રહેશે. એમજી મોટર ઇન્ડિયા OFS સ્વરૂપે તેનો IPO લોંચ કરશે. જેમાં SAIC પોતાનો સ્ટોક વેચશે. જેનાથી ચીની કંપનીની ઓનરશિપ લગભગ 40 ટકા ઘટી જશે. અને સજ્જન જિંદાલનો હિસ્સો 51 ટકા થઇ જશે.
₹67 પર લિસ્ટ થયો આ IPO
ટીવી ચેનલો અને ઓટીટી માટે કન્ટેન્ટ તૈયાર કરનારી ઇંસ્પાયર ફિલ્મ્સના શેરોનું ગુરુવારે NSE ના SME પ્લેટફોર્મ શાનદાર લિસ્ટિંગ થયું. આ આઇપીઓમાં રિટેલ રોકાણકારો મોટી સંખ્યામાં પૈસા લગાવ્યા હતા અને તેમના માટે રિઝર્વ હિસ્સો 180 ગણાથી વધુ ભરાયો હતો. આઇપીઓની ઇશ્યૂ પ્રાઇસ 59 રૂપિયા પ્રતિ શેર હતી. જ્યારે ગુરુવારે NSE SME પર તેનું 67 રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયું. એટલે કે આઇપીઓના રોકાણકારોને 13.56 ટકાનો લિસ્ટિંગ ગેઇન થયો. લિસ્ટિંગ બાદ પણ આ શેર અટક્યો નહીં અને ઉછળીને 70.35 રૂપિયાની સપાટી સુધી પહોંચી ગયો. એટલે કે આઇપીઓના રોકાણકાર 19 ટકાથી વધુ નફામાં છે.
Vedanta 3 અબજ ડોલરનું દેવું આ રીતે ચુકવશે
અનિલ અગ્રવાલની વેદાંતા રિસોર્સિઝને પૈસાની જરૂર છે. કંપની અંદાજે 3 અબજ ડોલરનું દેવું ચુકવવા માટે વધુ સમય ઇચ્છે છે. આ લોનના રિસ્ટ્રક્ચરિંગ માટે તે ઇન્વેસ્ટર્સ સાથે વાતચીત કરી રહી છે. કંપનીએ આ દેવું 2024 અને 2025માં ચુકવવાનું છે. વેદાંતા ગ્રુપે તેની કંપનીઓની શ્રેષ્ઠ વેલ્યુ પ્રાપ્ત કરવા માટે બિઝનેસિઝને ડીમર્જ કરવાની જાહેરાત કરી છે. પરંતુ તેનાથી કંપનીને લોન આપનારા ઇન્વેસ્ટર્સ સંતુષ્ટ નથી. વેદાંતા ગ્રુપની કંપનીઓના બોન્ડ્સની કિંમતો સતત ઘટી રહી છે. છેવટે વેદાંતાએ આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે શું પ્લાન બનાવ્યો છે. તેનો જવાબ કંપનીના શેરહોલ્ડર્સ પણ જાણવા માંગે છે.
શું એલોન મસ્ક પ્રતિ કલાક 71 કરોડ કમાય છે?
શું એલોન મસ્ક પ્રતિ કલાક 71 કરોડથી વધુ કમાય છે? હકીકતમાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટેક અબજોપતિ એલોન મસ્ક દર મિનેટ 1,42,690 ડોલર કે પ્રતિ કલાક 85,60,800 ડોલર એટલે કે 71 કરોડ રૂપિયા કમાય છે. જો કે એલોન મસ્કે આવા સમાચારોને પાયા વગરના ગણીને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે જ્યારે પણ ટેસ્લાના સ્ટોકમાં ઘટાડો થાય છે તો તે મોટું નુકસાન સહન કરે છે. એક યુઝરને જવાબ આપતા એક્સના માલિકે કહ્યું કે આવા રિપોર્ટ મુર્ખતાપૂર્ણ મેટ્રિક્સ પર આધારિત છે. તેમણે કહ્યું કે ટેકનિકલી દરવખતે સ્ટોકમાં ઘટાડાથી તેમને ઘણું વધારે નુકસાન થાય છે.
પરાગ અગ્રવાલે એલોન મસ્કને આપ્યો મોટો ઝટકો
ટ્વિટરના પૂર્વ સીઇઓ પરાગ અગ્રવાલ, પૂર્વ કાનૂની પ્રમુખ વિજયા ગુડ્ડે અને અન્ય અધિકારીઓએ એલોન મસ્કને મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં ડેલાવેર ચાંસરી કોર્ટના જજ કેથલીને અગ્રવાલ અને તેની ટીમના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે માન્યું કે ટ્વિટરે કંપની માટે તેમના કામથી કમાયેલા પૈસાથી કાયદાકીય ખર્ચાઓને કવર કરવાના પોતાના કર્તવ્યોનું ઉલ્લંઘન કર્યું. ત્યારબાદ કોર્ટે એલોન મસ્ક દ્વાર સંચાલિત એક્સ કોર્પ પાસેથી કાનૂની ફી તરીકે 1.1 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ કર્યો. મહત્વનું છે કે ભારતીય મૂળના ટ્વિટર સીઇઓ અગ્રવાલે, પૂર્વ લિગલ પ્રમુખ ગડ્ડા અને પૂર્વ મુખ્ય નાણાકીય અધિકારી નેડ સેગલે 1 મિલિયન ડોલરથી વધુના વેતન વગરના કાયદાકિય બિલોને લઇને આ વર્ષે એપ્રિલમાં મસ્ક દ્વારા સંચાલિત ટ્વિટર પર કેસ કર્યો હતો.
પ્રથમ છ મહિનામાં ભારતીય કંપનીઓની હાલત બગડી
ભારતીય કંપનીઓનો દેખાવ પ્રથમ છ મહિનામાં આશાને અનુરૂપ નથી રહ્યો. રેટિંગ એજન્સી ક્રિસિલે મંગળવારે કહ્યું કે ભારતીય કોર્પોરેટ જગતની નાણાકીય હાલત ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં થોડીક નરમ પડી છે. અને બીજા છ મહિનામાં તેમાં વધુ ઘટાડાની આશંકા છે. દેશભરની અંદાજે 6,500 કંપનીઓનું રેટિંગ કરનારી ક્રિસિલે આ અનુમાન કંપનીઓના લોનના રેશિયો એટલે કે તેમના રેટિંગમાં અપગ્રેડ અને ડાઉનગ્રેડને ધ્યાનમાં રાખીને લગાવ્યું છે. જો કે રેટિંગ એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં પણ લોનનો રેશિયો 1 થી ઉપર જ રહેશે. એટલે કે કંપનીઓના રેટિંગમાં સુધારાની સંખ્યા ઘટાડાથી વધુ રહેશે.
અદાણીએ આ સિટીમાં 400 કેવી ગ્રિડ ચાલુ કર્યું
દેશની નાણાકીય રાજધાનીની વધતી જતી વીજ જરૂરિયાતોને પહોંચી વળવા માટે, અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે મુંબઈની પ્રથમ 400-kV ગ્રીડ લાઇન શરૂ કરી છે. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. ખારઘર વિક્રોલી ટ્રાન્સમિશન લિમિટેડની નવી લાઇન હાલની ટ્રાન્સમિશન અને વિતરણ ક્ષમતામાં વધારો કરશે અને મુંબઇ શહેરમાં વીજ ઉત્પાદનમાં 1000 મેગાવોટનો વધારો કરશે. હાલમાં મુંબઈમાં AESLના લગભગ 31.50 લાખ, ટાટા પાવરના આશરે સાત લાખ અને બેસ્ટના 10.50 લાખ ગ્રાહકો છે. આ ઉપરાંત, વસ્તીનો એક નાનકડો હિસ્સો મહારાષ્ટ્ર રાજ્ય વીજળી બોર્ડનો ગ્રાહક પણ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો