કંપનીનામામાં આખા સપ્તાહના કોર્પોરેટ અને સ્ટાર્ટ અપ્સ જગતના મહત્વના સમાચારો
મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ
મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023 અનુસાર, મુકેશ અંબાણીએ ગૌતમ અદાણીને પાછળ છોડીને સૌથી અમીર ભારતીયનું બિરુદ ફરીથી મેળવ્યું છે. રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની સંપત્તિ 2014માં 1,65,100 કરોડ રૂપિયાથી વધીને લગભગ 8,08,700 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે ચાર ગણો વધારો દર્શાવે છે. હિન્ડેનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી બીજા સ્થાને સરકી ગયા છે અને તેમની સંપત્તિમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. અદાણી રૂ. 4,74,800 કરોડની સંપત્તિ સાથે બીજા સ્થાને સરકી ગયા છે. સાયરસ એસ પૂનાવાલાએ 2,78,500 કરોડની કુલ સંપત્તિ સાથે ત્રીજા નંબરે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
Hero MotoCorpના પવન મુંજાલ સામે FIR
હીરો મોટો કોર્પના ચેરમેન પવન મુંજાલની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. પહેલા તેમની સામે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એટલે કે DRI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED દ્વારા તપાસ ચાલી રહી હતી અને હવે દિલ્હી પોલીસે પણ તેમની સામે કેસ નોંધ્યો છે. પવન મુંજાલ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ દિલ્હી પોલીસ દ્વારા છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. પવન મુંજાલ પર નકલી બિલ બનાવીને આવકવેરામાં જમા કરાવવાનો અને સર્વિસ ટેક્સનો લાભ લેવાનો આરોપ છે. આ બિલો હીરો મોટોકોર્પને મેનપાવર સપ્લાય કરતી કંપનીના નામે બનાવવામાં આવ્યા હતા. પવન મુંજાલ ઉપરાંત દિલ્હી પોલીસે વિક્રમ સીતારામ કસબેકર, હરિ પ્રકાશ ગુપ્તા, મંજુલા બેનર્જી અને હીરો મોટો કોર્પોરેશન સામે કેસ નોંધ્યો છે.
Inox Green Energy વેચશે હિસ્સેદારી
આઇનોક્સ ગ્રીન એનર્જી સર્વિસિસ નાની વિરાણી વિન્ડ એનર્જી પ્રાઇવેટ લિમિટેડમાં 100 ટકા હિસ્સો વેચશે. નાની વિરાણી ગુજરાતમાં 50 મેગાવોટનું ઓપરેશનલ વિન્ડ ફાર્મ ધરાવે છે. આઇનોક્સ ગ્રીન એનર્જી સર્વિસિસના શેરમાં 6 મહિનામાં 65 ટકાનો ઉછાળો આવ્યો છે. IGESLની મૂળ કંપની આઇનોક્સ વિન્ડ લિમિટેડે સ્ટોક એક્સચેન્જને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, આઇનોક્સ ગ્રીન એનર્જી સર્વિસિસએ નાની વિરાણી વિન્ડ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ એસપીવીમાં 100 ટકા હિસ્સાના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આઇનોક્સ વિન્ડ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કૈલાશ તારાચંદાનીએ જણાવ્યું હતું કે, આની આઇનોક્સ વિન્ડ અને IGESL બંને પર મહત્વપૂર્ણ લાભદાયી અસર પડી છે. IGESL એ ડેટ-ફ્રી કંપની બનવાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે.
TCSના શેરધારકોની બલ્લે-બલ્લે
દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એટલે કે TCSના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોની બલ્લે બલ્લે થઇ ગઇ છે. હકીકતમાં કંપનીએ જાહેરાત કરી છે કે તે રૂ. 4,150 પ્રતિ શેરના ભાવે રૂ. 17,000 કરોડના શેર બાયબેક કરશે. બાયબેક કિંમત વર્તમાન કિંમતના લગભગ 15 ટકા પ્રીમિયમ પર છે. કંપની કુલ 4 કરોડ શેર ખરીદશે. છેલ્લા છ વર્ષમાં ભારતની સૌથી મોટી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સર્વિસ કંપની દ્વારા આ પાંચમું શેર બાયબેક છે. કંપનીએ અગાઉ રૂ. 66,000 કરોડના શેર ચાર વખત ખરીદ્યા હતા.
SBI Mutual Fund આ બેંકમાં હિસ્સો ખરીદશે
SBI મ્યુચ્યુઅલ ફંડ માટે ઇન્ડસઇન્ડ બેંકમાં 9.99 ટકા હિસ્સો ખરીદવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ભારતીય રિઝર્વ બેંકએ 11 ઓક્ટોબરના રોજ SBI મ્યુચ્યુઅલ ફંડ યૂનિટ SBI ના મ્યુચ્યુઅલ ફંડને ઇન્ડસઇન્ડ બેંકમાં પેઇડ-અપ શેર મૂડીના 9.99 ટકા હસ્તગત કરવા માટેની મંજૂરી આપી છે. IndusInd બેંકે 11 ઓક્ટોબરના રોજ રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ માહિતી આપી છે. સમાચાર અનુસાર, ઇન્ડસઇન્ડ બેંકે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે કે SBI MF દ્વારા RBIને આપવામાં આવેલી અરજીના સંદર્ભમાં મંજૂરી આપવામાં આવી છે. આ અધિગ્રહણ સાથે, કંપનીને બેંકમાં 9.99 ટકા વોટિંગ રાઇટ્સ રાખવાની મંજૂરી પણ મળશે. એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવાયું છે કેએસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડને આરબીઆઈ દ્વારા એક વર્ષના ગાળામાં એટલે કે 10 ઓક્ટોબર, 2024 સુધીમાં બેંકમાં શેરહોલ્ડિંગ હસ્તગત કરવાની સલાહ આપવામાં આવી છે.
56% પ્રીમિયમ પર લિસ્ટ થયો આ IPO
પ્લાઝા વાયર્સ લિમિટેડનો આઈપીઓ આજે શેરબજારમાં લિસ્ટ થયો છે. કંપનીના શેરને BSE-NSE પર શાનદાર લિસ્ટિંગ મળ્યું છે. આ સ્ટોક BSE પર તેની IPO પ્રાઇસ 54 રૂપિયાની સરખામણીમાં 55.56 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયો છે. BSE પર તેના લિસ્ટિંગની કિંમત 84 રૂપિયા છે. તો NSE પર તે 40.74 ટકાના પ્રીમિયમ સાથે 76 રૂપિયા પર લિસ્ટેડ થયો છે. આનો અર્થ એ થયો કે જે રોકાણકારોને આ IPO ફાળવવામાં આવ્યો છે તેઓએ પહેલા જ દિવસે જંગી નફો કર્યો છે. BSEની સૂચના અનુસાર ગુરુવાર 12 ઓક્ટોબર, 2023થી પ્લાઝા વાયર્સ લિમિટેડના ઇક્વિટી શેર્સ એક્સચેન્જમાં ‘T’ ગ્રુપ ઓફ સિક્યોરિટીઝની યાદીમાં લિસ્ટ થશે અને તેને ટ્રાન્ઝેક્શન માટે સ્વીકાર કરવામાં આવશે. લિસ્ટિંગ પછી, આ સ્ટોક 10 ટ્રેડિંગ સેશન માટે ટ્રેડ-ફોર-ટ્રેડ સેગમેન્ટમાં રહેશે.
વેદાંતાએ મેટલ બિઝનેસ માટે બનાવી નવી કંપની
દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની આગેવાની હેઠળની કંપની વેદાંતા લિમિટેડે એક મોટી જાહેરાત કરી છે. વેદાંતાએ બુધવારે જાહેરાત કરી હતી કે તેણે તેની સંપૂર્ણ માલિકીની બેઝ મેટલ્સ પેટાકંપની, વેદાંત બેઝ મેટલ્સ લિમિટેડની રચના કરી છે. વેદાંતાએ તેના એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે એક લાખ રૂપિયાની ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ સાથે આ કંપની બનાવાઇ છે. વેદાંતાની ડિમર્જર સ્કીમ લાગૂ કરવા માટે આ કંપની બનાવાઇ છે. આ સમાચાર સામે આવ્યા બાદ વેદાંતા લિમિટેડનો શેર 3 ટકા વધીને રૂ. 229.90 પર પહોંચી ગયો હતો. વેદાંતાના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 340.75 છે.
Go Firstને ખરીદવાની રેસમાં જિંદાલ પાવર
ગયા મે મહિનાથી બંધ પડેલી ભારતીય એરલાઇન ગો ફર્સ્ટને ખરીદવાની રેસમાં જિંદાલ પાવર લિમિટેડ સૌથી આગળ છે. તાજેતરમાં જ જિંદાલ પાવરે એરલાઇન ખરીદવા માટે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ એટલે કે EOI સબમિટ કર્યું હતું. EOI એ બિડિંગ પ્રક્રિયાનું પ્રથમ પગલું છે. આના દ્વારા જાણી શકાય છે કે કઈ કંપનીઓ કે રોકાણકારો નાદાર થયેલી કંપનીને ખરીદવા માંગે છે. એક બેંકરે રોઇટર્સને નામ ન આપવાની શરતે જણાવ્યું કે જિંદાલ પાવર ટૂંક સમયમાં ઔપચારિક બિડ સબમિટ કરી શકે છે. જો કે, ગો ફર્સ્ટના રિઝોલ્યુશન પ્રોફેશનલ અને જિંદાલ પાવરે રોઇટર્સની ટિપ્પણીનો જવાબ આપ્યો ન હતો. બેન્કરે જણાવ્યું હતું કે EOI સબમિટ કરવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર હતી અને ત્યારબાદ અરજીઓનું મૂલ્યાંકન કરવા માટે લેંડર્સની સમિતિની બેઠક મળી હતી. અન્ય બેન્કરે જણાવ્યું હતું કે અન્ય બે વિદેશી સંસ્થાઓએ પણ ગો ફર્સ્ટ માટે બિડ કરવા માટે EOI સબમિટ કર્યા હતા.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો