દેશનો સૌથી મોટો લક્ઝરી મોલ લોન્ચ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો મોલ જિયો વર્લ્ડ પ્લાઝા 1 નવેમ્બરથી આમ જનતા માટે ખુલી ગયો છે. આ દેશનો સૌથી મોટો લક્ઝરી મોલ છે. મોલના લોન્ચિંગમાં મુકેશ અંબાણી, રાધિકા મર્ચન્ટ, પુત્રી ઇશા અંબાણી સહિત અંબાણી ફેમિલી ઉપરાંત બોલીવુડના ઘણાં સ્ટાર્સ હાજર રહ્યા હતા. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ એટલે કે બીકેસીમાં ઓપન થયેલો આ મોલ 7.50 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ મોલ ફક્ત દેખાવમાં જ લક્ઝુરિયસ નથી પરંતુ તેમાં મળતી વસ્તુઓ પણ લક્ઝુરિયસ હશે. તેમાં બલેનસિએજ, કાર્ટિયર, લુઇ વિંતો, વર્સાચી, મનીષ મલ્હોત્રા, અબૂ જાની, સંદીપ ખોસલા, પોટરી બાર્ન, સહિત દુનિયાની મોંઘી અને ટોપ બ્રાન્ડ અવેલેબલ હશે.
નરેશ ગોયલની 538 કરોડની મિલકતો જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને તેમના પરિવારના સભ્યો તેમજ કંપની સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ બુધવારે આ અંગે માહિતી આપી હતી. જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ, તેમના પરિવારના સભ્યો અને કંપનીની રૂ. 538 કરોડથી વધુની સંપત્તિ કથિત બેંક લોન ફ્રોડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તપાસના ભાગરૂપે જપ્ત કરવામાં આવી છે. આ મિલકતો લંડન, દુબઈ અને ભારતમાં આવેલી છે. જપ્ત કરાયેલી મિલકતોમાં 17 રહેણાંક ફ્લેટ અને બંગલા અને કોમર્શિયલ જગ્યાનો સમાવેશ થાય છે.
કોટક બેંકને મળ્યો બાયર
છેવટે કોટકને ખરીદનાર મળી જ ગયો. જ્યૂરિચ ઇન્સ્યોરન્સ કંપની 4,051 કરોડ રૂપિયામાં કોટક જનરલ ઇન્સ્યોરન્સમાં 51 ટકા હિસ્સેદારી ખરીદવાની તૈયારીમાં છે. ખાનગી સેક્ટરની કોટક મહિન્દ્રા બેંકે શેર બજારને આપેલી માહિતીમાં જણાવ્યું કે રોકાણ ફ્રેશ ગ્રોથ કેપિટલ અને શેર ખરીદીના સંયોજન દ્વારા થશે. જ્યૂરિચ ઇન્સ્યોરન્સ 3 વર્ષમાં જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં 19 ટકાની વધારાની હિસ્સેદારી પ્રાપ્ત કરશે. કંપનીના જણાવ્યા અનુસાર કોટક મહિન્દ્રા બેંક અને કોટક મહિન્દ્રા જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ જ્યુરિચ ઇન્સ્યોરન્સ કંપની સાથે હિસ્સેદારી વેચાણ માટે એક નિશ્ચિત સમજૂતી કરી છે.
RIL બોન્ડના વેચાણથી મૂડી એકત્રિત કરશે
દેશના સૌથી મોટા ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સ્થાનિક કરન્સી બોન્ડના માધ્યમથી ફંડ એકત્રિત કરવા માંગે છે. બિઝનેસ જગતમાં ચર્ચા છે કે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સ્થાનિક મુદ્રા બોન્ડના વેચાણથી 150 બિલિયન રૂપિયા એટલે કે 1.8 બિલિયન ડોલર એકત્રિત કરવાનો વિચાર કરી રહી છે. રિલાયન્સ 5Gમાં ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે. ગ્રીન એનર્જી અને નાણાકીય સર્વિસ જેવા નવા સેક્ટરમાં એન્ટ્રી કરી રહ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર જો આ ટ્રાન્ઝેક્શન પૂર્ણ થશે તો તે રિલાયન્સ માટે રૂપિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું વેચાણ હશે. રિલાયન્સની બોન્ડ યોજના 2020 બાદ કંપનીની પહેલી ડોમેસ્ટિક બોન્ડ યોજના હશે.
મેકડોવેલ્સની પાસે વધુ 3.4 કરોડની ઉઘરાણી
મેકડોવેલ્સ, રોયલ ચેલેન્જ, જોની વોકર જેવી લિકર બ્રાન્ડ્સવાળી કંપની યૂનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ પાસે ટેક્સ અધિકારીઓએ વધારાના 3.4 કરોડ રૂપિયા માંગ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે કંપની તરફથી જુલાઇ-ઓગસ્ટ 2017 દરમિયાન ચૂકવવામાં આવેલા જીએસટીમાં વિસંગતતાઓ જોવા મળી છે. જેની ભરપાઇ માટે આ એડિશનલ એમાઉન્ટ માંગવામાં આવી છે. કંપનીએ શેરબજારને આપેલી માહિતીમાં કહ્યું છે કે જીએસટી અધિકારીઓ તરફથી ઓર્ડર ઇન ઓરિજિનલ મળ્યું છે. જેમાં ટેક્સ ઓથિરિટીઝે કહ્યું છે કે કંપની દ્વારા પ્રદાન કરવામાં આવેલા ટ્રેડમાર્ક્સના ઉપયોગના અધિકાર પર થયેલી આવક પર 18 ટકાનો જીએસટી છે. જ્યારે કંપનીએ જુલાઈ અને ઓગસ્ટ 2017માં 12 ટકા જીએસટીની ચુકવણી કરી છે. એટલે ટેક્સ ઓથોરિટિઝે 3.4 કરોડ રૂપિયાની ડિફરેન્શિયલ જીએસટી લાયબિલિટીની ચૂકવણી કરવાની માંગ કરી છે.
ESPNમાં હિસ્સેદારીનું વેચાણ આટલા અબજમાં
વોલ્ટ ડિઝનીની ESPN સ્પોર્ટ્સ નેટવર્કમાં હિસ્સેદારીનું વેચાણ 24 અબજ ડોલરની એન્ટરપ્રાઇઝ વેલ્યૂ પર થઇ શકે છે. સાથે જ રોકાણકાર તરીકે સ્પોર્ટ્સ લીગ, Apple જેવી ટેક કંપનીઓ અને વેરિઝોન જેવી ટેલીકોમ કંપનીઓનો પણ આમાં ઇન્ટરેસ્ટ જોવા મળી શકે છે. આ વાત બોફા ગ્લોબલ રિસર્ચે કરી છે. રોઇટર્સના એક રિપોર્ટ અનુસાર રોકાણકારોને આકર્ષવા માટે વોલ્ટ ડિઝનીએ ગયા મહિને ESPNની નાણાકીય સ્થિતિનો ખુલાસો કર્યો હતો, જેમાં ESPNના સેલ્સ અને નફામાં ઘટાડાની ખબર પડી હતી. સીઇઓ બોબ ઇગરે કહ્યું કે ડિઝની, ESPN ને રાખવા માંગે છે અને એક જોઇન્ટ વેન્ચર બનાવીને કે નેટવર્કમાં માઇનોરિટી સ્ટેક સેલ દ્વારા ખરીદાર શોધીને તેના માટે એક સ્ટ્રીમિંગ એપ બનાવવાનો પ્રયત્ન કરશે. ESPNની 36 ટકા હિસ્સેદારીનું વેચાણ થાય તેવી શક્યતા છે.
અંબાણીએ કર્યો ક્રેડિટ કાર્ડ બિઝનેસમાં પ્રવેશ
મુકેશ અંબાણીએ હવે ક્રેડિટ કાર્ડ બિઝનેસમાં પ્રવેશ કર્યો છે. ભારતનું ક્રેડિટ કાર્ડ માર્કેટ 1,33,000 કરોડ રૂપિયાથી પણ વધારે કદ ધરાવે છે અને અંબાણીએ તેમાં એન્ટ્રી મારી છે. અંબાણીએ SBI કાર્ડ્સ સાથે ભાગીદારી કરીને કો-બ્રાન્ડેડ કાર્ડ લૉન્ચ કર્યા છે. આ કાર્ડનું નામ છે રિલાયન્સ SBI કાર્ડ અને રિલાયન્સ SBI કાર્ડ પ્રાઈમ. Reliance SBI Cardની વાર્ષિક રિન્યુઅલ ફી 499 રૂપિયા છે જ્યારે Reliance SBI Card Primeની વાર્ષિક રિન્યુઅલ ફી 2,999 રૂપિયા છે. બંને કાર્ડને રિસાઈકલ કરેલા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવ્યા છે અને સ્વદેશી રૂપે નેટવર્ક પર લૉન્ચ કરવામાં આવ્યા છે. ભારતનું ક્રેડિટ કાર્ડ માર્કેટ સતત વધી રહ્યું છે અને તેનો લાભ ઉઠાવવા માટે રિલાયન્સ રિટેલ તથા SBI કાર્ડ્સે ભાગીદારી કરી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો