કોર્પોરેટ જગતાના સમાચારો.
ગૂગલે ગુજરાતમાં વિશાળ ઑફિસ ભાડા પર લીધી છે. ગૂગલે અમદાવાદ નજીક ગિફ્ટ સિટીના ફિનટેક વન ટાવરમાં આખો માળ 10 વર્ષના ભાડા પર લીધો છે. ગૂગલ તેનું ગ્લોબલ ફિનટેક સેન્ટર શરૂ કરશે. આ ટાવરમાં 20 માળ છે, જેમાં કોમર્શિયલ ઑફિસો આવેલી છે. એક માળનો વિસ્તાર 22 હજાર ચોરસ ફૂટ છે. આ ટાવરમાં IBM કંપનીએ પણ ત્રણ માળમાં ઑફિસ શરૂ કરી છે. ગૂગલ ભારતમાં પાંચ ઑફિસો ધરાવે છે. હૈદરાબાદમાં ગૂગલનું હેડક્વાર્ટર છે. મુંબઈ, પૂણે, બેંગાલુરુ અને ગુડગાંવમાં પણ ગૂગલની ઑફિસો છે. પૂણેની ઑફિસ 1 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલી છે. અમેરિકામાં વિશાળ કેમ્પસ ધરાવતી ગૂગલ હવે બીજું સૌથી મોટું કેમ્પસ હૈદરાબાદમાં બનાવી રહી છે.
સુઝુકી મોટર ગુજરાતમાં મારુતિ ખરીદશે 100 ટકા હિસ્સો
મારુતિ સુઝુકી ઇન્ડિયાએ કહ્યું છે કે તેના બોર્ડે સુઝુકી મોટર કોર્પોરેશન એટલે કે SMC પાસેથી સુઝુકી મોટર ગુજરાત એટલે કે SMGની 100 ટકા ઇક્વિટી મૂડી પ્રાપ્ત કરવા માટે એક શેર ખરીદીની સમજૂતીને લાગૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાએ એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું છે કે આના માટે કંપની 12,841 કરોડ રૂપિયા આપશે. આના માટે શેરધારકોની મંજૂરી લેવાશે. આ ઉપરાંત 2025 સુધીમાં સુઝુકીના ગુજરાત પ્લાન્ટમાંથી ઇવી ગાડીઓની જાપાનને નિકાસ કરવામાં આવશે.
Air India Expressનો નવો અવતાર થયો અનવીલ
ટાટા ગ્રુપની એર ઇન્ડિયા એક્સપ્રેસે તેનો નવો લુક અનવીલ કર્યો છે. હવે નવા એર ઇન્ડિયા એક્સપ્રેસમાં તમને 4 રંગ-ઓરેન્જ, ટરકોઇશ, ટેન્ઝરીન અને આઇસ બ્લૂ જોવા મળશે. એર ઇન્ડિયા એક્સપ્રેસ હાલ AIX Connect જેનું જુનું નામ એર એશિયા છે તેને પોતાની સાથે વિલય કરવાની પ્રક્રિયામાં છે. નવી એન્ટિટી ટાટા જૂથની બજેટ એરલાઇન હશે. એર ઇન્ડિયા એક્સપ્રેસે એક નિવેદનમાં જણાવ્યું છે કે કંપનીના વિમાનોમાં હવે બાંધણી, પટોળા, કાંજીવરમ અને કલમકારી જેવી પરંપરાગત ડિઝાઇન જોવા મળશે. એર ઇન્ડિયા એક્સપ્રેસ આવતા 15 મહિનામાં તેના ફ્લીટમાં 50 નવા બી 737 મેક્સ વિમાનોને સામેલ કરશે
TCSએ 6 વેન્ડર્સ પર લગાવ્યો પ્રતિબંધ
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ એટલે કે ટીસીએસે આ વર્ષે જૂનમાં એક કથિત ભરતી ગોટાળાને લઇને 16 કર્મચારીઓને નોકરીમાં છૂટ કર્યા છે તો કંપનીએ 6 વેન્ડર્સને પણ બહારનો રસ્તો બતાવી દીધો છે. દેશની સૌથી મોટી આઇટી કંપનીએ 23 જૂને શરૂ કરેલી તપાસમાં રિસોર્સ મેનેજમેન્ટ ફંકશનમાં નોકરીઓ માટે લાંચ લેવાના ગોટાળામાં 19 કર્મચારીઓની સંડોવણી માલૂમ પડી હતી. TCS હવે પોતાના રિસોર્સ મેનેજમેન્ટને મજબૂત કરવા માટે ઘણાં પ્રકારના પગલા ભરી રહી છે.
ચીનમાં વધુ એક રિયલ એસ્ટેટ કંપની થઇ ડિફોલ્ટર
ચીનનું રિયલ એસ્ટેટ સંકટ વધુ ગાઢ બની રહ્યું છે. સમાચારો અનુસાર ચીનની સૌથી મોટી પ્રાઇવેટ પ્રોપર્ટી ડેવલપર કંપની કન્ટ્રી ગાર્ડને પણ વિદેશી દેવાની ચુકવણીમાં ડિફોલ્ટ કર્યું છે. આ કંપની પર 11 અબજ ડોલરનું વિદેશી દેવું અને છ અબજ ડોલરનું ઘરેલુ દેવું છે. આ ડિફોલ્ટથી ચીનની મુશ્કેલીઓ વધી ગઇ છે. ચીનની ઇકોનોમીમાં રિયલ એસ્ટેટની અંદાજે એક તૃતીયાંશ હિસ્સેદારી છે. રિયલ એસ્ટેટ ડુબવાથી બેંકોની સ્થિતિ પણ બગડી શકે છે અને તેનાથી આખી ઇકોનોમી ડૂબવાનું જોખમ છે. જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન ચીનની જીડીપી 6.3 ટકાથી ઘટીને 4.9 ટકા પર આવી ગઇ છે.
IDFC ફર્સ્ટ બેંકમાં થશે IDFCનો વિલય
થોડાક સમય પહેલા એચડીએફસી લિમિટેડ અને એચડીએફસી ફર્સ્ટ બેંકનું વિલિનીકરણ થયું. આ મર્જર બાદ એચડીએફસી ભારતની બીજી અને વિશ્વની ચોથી સૌથી મોટી બેંક બની ગઇ છે. તો એક બીજુ મર્જર થવા જઇ રહ્યુ છે. આ મર્જર આઇડીએફસી ફર્સ્ટ બેંકમાં આઇડીએફસીનું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફાઇનાન્સ કંપની IDFCને આઇડીએફસી ફર્સ્ટ બેંક સાથે મર્જર માટે CCIની મંજૂરી મળી ગઇ છે. મહત્વનું છે કે આ મર્જરને રોકાણકારોની મંજૂરી પહેલેથી જ મળી ગઇ છે. જો કે સેબી, આરબીઆઇ અને NCLTની મંજૂરી બાદ જ આ મર્જર અમલી બનશે.
રોલ્ય-રોયસ 2500 કર્મચારીઓને કરશે ફાયર
દુનિયાની દિગ્ગજ કંપનીઓમાં છટણીઓનો સમય ચાલી રહ્યો છે. સમાચાર આવ્યા છે કે રોલ્સ રોયસ કોસ્ટ કટીંગ હેઠળ ઇન્ટરનેશનલ લેવલે 2,500થી વધુ કર્મચારીઓને કાઢી મૂકશે. IANSના રિપોર્ટ અનુસાર કંપની આખી દુનિયામાં 42,000 લોકોને રોજગારી આપે છે. જેમાં અડધાથી વધુ વર્કફોર્સ યુકેમાં છે. તો બીજી તરફ માઈક્રોસોફ્ટની સોશિયલ મીડિયા કંપની LinkedIn ફરી એકવાર છટણી કરશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે તે કુલ 668 કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવા જઈ રહી છે. આમાં એન્જિનિયરિંગથી લઈને ટેલેન્ટ અને ફાઇનાન્સ ટીમમાં કામ કરનારા કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ સિવાય મોબાઇલ કંપની નોકિયા 14,000 લોકોને નોકરીમાંથી પાણીચું આપશે. કંપનીનો નફો 69 ટકા તૂટતા આ નિર્ણય લેવાયો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો