Money9 Gujarati:
7થી 8 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળતો હોય તેવી બેન્ક FDનો હિસ્સો વધીને 50 ટકા થઈ ગયો છે. છેલ્લાં 6 મહિનામાં લોકોએ ઊંચા ઈન્ટરેસ્ટ રેટ ઑફર ધરાવતી FDમાં મહત્તમ પૈસા મૂક્યા છે. RBIના આંકડા દર્શાવે છે કે, માર્ચ 2023ના અંતે 7થી 8 ટકા વ્યાજ દરની FDનો હિસ્સો 30 ટકા હતો, જે સપ્ટેમ્બરના અંતે 50 ટકાએ પહોંચી ગયો છે. એટલે કે, લોકોએ ખોલાવેલી કુલ FDમાંથી અડધો અડધ FD 7થી 8 ટકા રેટની છે. આટલા રેટ માટે બેન્કો પાસે પડેલી FDનું મૂલ્ય 52.87 ટ્રિલિયન રૂપિયા છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નો ડેટા દર્શાવે છે કે, 6 ટકાથી 8 ટકા વ્યાજ દરની ઓફર કરતી ટર્મ ડિપોઝિટનો હિસ્સો માર્ચ 2023ના અંતે 58 ટકા હતો, જે વધીને સપ્ટેમ્બર 2023ના અંતે લગભગ 80% થયો છે.
અત્યારે મોટા ભાગની બેન્કો 1 વર્ષથી 3 વર્ષની FD પર સાડા છ ટકાથી 8 ટકા ઈન્ટરેસ્ટ રેટ ઑફર કરી રહી છે. જો તમે FD કરાવવા માંગતા હોવ તો અત્યારે ઊંચા રેટનો લાભ લઈ લેવો જોઈએ, કારણ કે, આવતા વર્ષથી RBI રેપો રેટ ઘટાડવાનું શરૂ કરે તેવી શક્યતા છે.
IDBI બેન્કના DMD સુરેશ ખતનહર જણાવે છે કે, “બેન્કિંગ સિસ્ટમમાં તરલતાની ખાધ (liquidity deficit) પાંચ વર્ષની નીચી સપાટીએ છે અને ક્રેડિટ માંગને પહોંચી વળવા માટે બેન્કોને ભંડોળની જરૂર છે. ક્રેડિટ માંગ મજબૂત હોવાથી બેન્કોએ ઊંચા ખર્ચની ચિંતા કર્યા વગર થાપણ પર વ્યાજ દર વધાર્યાં છે અને હજુ વધારી શકે છે.”
માર્ચના અંતે બેન્કોની FDમાં 6 ટકાથી ઓછા રેટની થાપણોનો હિસ્સો 38.7 ટકા હતો, પરંતુ હવે તે ઘટીને 16.7 ટકા થઈ ગયો હોવાથી બેન્કોની કૉસ્ટ ઑફ ફંડ્સ વધી છે. 6 ટકાથી ઓછા વ્યાજ દર ધરાવતી FDમાં મૂકેલી રકમ માર્ચના અંતે 36.82 ટ્રિલિયન રૂપિયા હતી, જે સપ્ટેમ્બરના અંતે અડધી ઘટીને 17.59 ટ્રિલિયન રૂપિયા થઈ ગઈ છે.
થાપણદારો ઓછા ઈન્ટરેસ્ટ રેટ ધરાવતી FDમાંથી પૈસા ઉપાડીને ઊંચા વ્યાજ દર ધરાવતી FDમાં મૂકી રહ્યાં છે. આ કવાયત કરવા માટે ગ્રાહકો બેન્ક પણ બદલી નાખે છે. જો બેન્કોએ વ્યાજ પેટે વધારે પૈસા ચૂકવવા પડશે તો તેમના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (NIM)ને નુકસાન પહોંચી શકે છે, એમ એક ખાનગી બેન્કના વરિષ્ઠ બેન્કરે જણાવ્યું હતું.
થાપણદારોએ ઓછા વ્યાજ દર ધરાવતી FDમાંથી પૈસા કાઢીને ઊંચા વ્યાજ દર ધરવાતી FDમાં મૂક્યા હોવાથી નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળામાં બેંકોએ ઓછા ખર્ચના કરંટ એકાઉન્ટ-સેવિંગ્સ એકાઉન્ટ બેઝમાં ઘટાડો નોંધ્યો છે. નાની અને મધ્યમ કદની બેંકો નવા ગ્રાહકો મેળવવા માટે FDના દરોમાં આક્રમક વધારો કરીને મોટા ધિરાણકર્તાઓ સામે સ્પર્ધા વધારી રહી છે.
સ્પર્ધાએ ધિરાણકર્તાઓને ટૂંકા ગાળાની એફડી પર ઊંચા વ્યાજની ઓફર કરવાની ફરજ પાડી છે. બેંકો છ મહિના અને એક વર્ષની વચ્ચે પાકતી FD પર 4.5 થી 6% અને એક થી બે વર્ષમાં પાકતી FD પર 7-8% વ્યાજ ઓફર કરે છે.
6-7% વ્યાજ ઓફર કરતી ટર્મ ડિપોઝિટનો હિસ્સો માર્ચના અંતે 27.5% થી સપ્ટેમ્બરના અંતે નજીવો વધીને 28.6% થયો છે. આ બકેટ્સમાં ફંડ સપ્ટેમ્બર સુધીમાં રૂ. 30.24 ટ્રિલિયનથી વધીને માર્ચ સુધીમાં રૂ. 26.1 ટ્રિલિયન થયું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો