Money9 Gujarati:
વધારે EPS પેન્શન માટે અરજી કરવાની છેલ્લી તારીખ ફરી લંબાવવામાં આવી છે. અગાઉ આ તારીખ 26 જૂન, 2023 હતી પરંતુ હવે તમે 11 જુલાઈ, 2023 સુધી વધારે EPS પેન્શન મેળવવા માટે અરજી કરી શકશો. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા ત્રીજી વખત આ ડેડલાઈન લંબાવવામાં આવી છે. નિવૃત્તિ (Retirement) પછી વધુ પેન્શન (Pension) મેળવવાની ઈચ્છા હોય તો તમે 11 જુલાઈ સુધી અરજી કરી શકશો.
એમ્પ્લોયીઝ પેન્શન સ્કીમ (EPS) સબ્સક્રાઈબર્સ માટે વધારે પેન્શન માટે અરજી કરવાની મૂળ તારીખ 3 માર્ચ, 2023 હતી. આ ડેડલાઈન સુપ્રીમ કોર્ટે 2022ની 4 નવેમ્બરના ચુકાદામાં નક્કી કરી હતી. પરંતુ EPFO તરફથી વધારે પેન્શન મેળવવા માટે માન્ય કર્મચારી કેવી રીતે અરજી કરી શકે તે અંગેના વિગતવાર સર્ક્યુલર ઇશ્યૂ કરવામાં વિલંબ થવાથી પહેલીવાર ડેડલાઈન લંબાવીને 3 મે, 2023 કરવામાં આવી હતી. જોકે, આ ડેડલાઈન સુધી પણ અમુક બાબતોને લઈને મૂંઝવણ યથાવત્ રહી હતી, આથી બીજી વખત ડેડલાઈન લંબાવીને 26 જૂન, 2023 કરવામાં આવી હતી અને હવે ત્રીજી વખત તેને લંબાવીને 11 જુલાઈ કરવામાં આવી છે.
EPFO extends deadline to apply for higher pension for members till July 11
— Press Trust of India (@PTI_News) June 26, 2023
નિષ્ણાતોનું કહેવું છે કે, ડેડલાઈન લંબાઈ હોવાથી કર્મચારીઓને ચોક્કસ કેટલું પેન્શન મળી શકશે તેની ગણતરી કરવામાં સરળતા પડશે અને તેઓ યોગ્ય નિર્ણય લઈ શકશે. ઘણા કર્મચારી પેન્શનની ગણતરી કેવી રીતે થશે તેને લઈને મૂંઝવણ અનુભવી રહ્યાં છે. PF ફંડમાંથી પેન્શન ફંડમાં નાણાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા કેવી રીતે કામ કરશે તે અંગે પણ ચિત્ર સ્પષ્ટ નથી. આથી, સરકારે ડેડલાઈન લંબાવવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, 1 સપ્ટેમ્બર 20214 પછી PF એકાઉન્ટ ખોલાવ્યું હોય તેવા કર્મચારીઓ વધારે EPS પેન્શન મેળવવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. નવી યોજના અંતર્ગત, મહિને 15,000 રૂપિયાથી વધુ પગાર મેળવનાર કર્મચારી પણ હવે EPSમાં 8.33 ટકા યોગદાન આપી શકે છે, જેથી તે નિવૃત્તિ બાદ વધારે પેન્શન મેળવી શકશે.
સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2022ની સુનાવણીમાં એમ્પ્લોઈઝ પેન્શન (સુધારા) સ્કીમ-2014ને સમર્થન આપ્યું હતું. 22 ઓગસ્ટ 2014ના EPS સુધારણા દ્વારા પેન્શનપાત્ર પગારની મર્યાદા દર મહિને રૂ. 6,500થી વધારીને રૂ. 15,000 કરવામાં આવી હતી. આ સાથે સભ્યો અને નોકરીદાતાઓને પણ તેમના વાસ્તવિક પગારના 8.33% EPSમાં યોગદાન આપવાની મંજૂરી આપવામાં આવી હતી.
વધારે EPS પેન્શન માટે કેવી રીતે અરજી કરવી? માન્ય કર્મચારી વધારે EPS પેન્શન મેળવી શકે તે માટે EPFOએ મેમ્બર સેવા (Member Sewa) પોર્ટલ પર ઓનલાઈન લિન્ક આપી છે. જે કર્મચારી નિયમાનુસાર લાયક ઠરતો/ઠરતી હશે તે આ પોર્ટલની મુલાકાત લઈને અરજી કરી શકશે, પછી કર્મચારીનું EPF એકાઉન્ટ ખાનગી ટ્રસ્ટ પાસે હોય કે EPFO પાસે તેનાથી કોઈ ફરક નહીં પડે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો