Money9 Gujarati:
મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ સતત વધી રહ્યું છે. ઓપન-એન્ડેડ ઈક્વિટી ફંડ્સમાં ફેબ્રુઆરી 2024માં રોકાણ 23 ટકા વધીને 26,865.78 કરોડ નોંધાયું છે. ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સ માટેના ઈન્ડસ્ટ્રી ટ્રેડ સંગઠન એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઑફ ઈન્ડિયા (AMFI) દ્વારા 8 માર્ચે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, ફેબ્રુઆરીમાં SIP દ્વારા 19,186 કરોડ રૂપિયાનું વિક્રમજનક નવું રોકાણ આવ્યું હતું. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં સતત 36મા મહિને પોઝિટિવ રોકાણ નોંધાયું છે, એટલે કે, રોકાણકારોએ પૈસા ઉપાડ્યા તેના કરતાં વધારે પૈસા નાખ્યા છે.
જાન્યુઆરીમાં SIP દ્વારા 18,838 કરોડ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકવામાં આવ્યા હતા, જેની સામે ફેબ્રુઆરીમાં 19,186 કરોડ રૂપિયાનું રેકોર્ડ બ્રેક રોકાણ આવ્યું હતું. AMFIના CEO વેંકટ ચલસાણી કહે છે કે, “SIP ખાતામાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. 49.79 લાખ નવા SIP રજિસ્ટ્રેશન થવાથી કુલ સંખ્યા 8.20 કરોડ થઈ ગઈ છે. આ આંકડા દર્શાવે છે કે, સંપત્તિ ભેગી કરવા માટે રોકાણકારો શિસ્ત કેળવતા થયા છે. ફેબ્રુઆરીના અંતે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની નેટ AUM 54,54,214.13 કરોડ રૂપિયા થઈ ગઈ છે.”
ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં નેટ ઈન્વેસ્ટમેન્ટ જાન્યુઆરીમાં 1.23 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું, જે ફેબ્રુઆરીમાં ઘટીને 1.19 લાખ કરોડ રૂપિયા થયું હતું. ઉલ્લેખનીય છે કે, સેબીએ ચિંતા વ્યક્ત કર્યા બાદ સ્મોલકેપ અને મિડકેપ ફંડ્સમાં ફેબ્રુઆરીમાં રોકાણ ઘટ્યું હતું, પરંતુ હજુ પણ આ બંને કેટેગરીના ફંડ્સમાં નોંધપાત્ર રોકાણ આવી રહ્યું છે. ફેબ્રુઆરીમાં મિડકેપ ફંડ્સમાં રોકાણ 12 ટકા ઘટ્યું હતું, છતાં 1,808 કરોડ રૂપિયાના મજબૂત સ્તરે નોંધાયું હતું. સ્મોલકેપ ફંડ્સમાં નેટ ઈન્વેસ્ટમેન્ટ 10 ટકા ઘટીને 2,922 કરોડ રૂપિયા થયું હતું.
27-28 ફેબ્રુઆરી દરમિયાન, કેપિટલ માર્કેટ રેગ્યુલેટર, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ મ્યુચ્યુઅલ ફંડ્સને તેમના સ્મોલ-કેપ અને મિડકેપ ફંડ્સના પોર્ટફોલિયોમાં ઊંડા ઉતરવાની સૂચના આપી હતી. ફેબ્રુઆરીનો ચોખ્ખો પ્રવાહ ઉછાળો બજારની સ્થિતિ, મજબૂત SIP પ્રવાહ અને મોટા NFO લિસ્ટિંગ સાથેની અપેક્ષાઓ અનુસાર આવ્યો હતો.
ઇક્વિટી એસેટ ક્લાસમાં, સેક્ટરલ/થિમેટિક ફંડ્સ કેટેગરીમાં સૌથી વધુ 11,262.70 કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું હતું. આ કેટેગરીમાં 5 પાંચ નવી સ્કીમ્સ (ગ્રોવ બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ ફંડ; ક્વોન્ટ પીએસયુ ફંડ; એસબીઆઈ એનર્જી ઓપોર્ચ્યુનિટીઝ ફંડ; વ્હાઇટઓક કેપિટલ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ ફંડ; વ્હાઇટઓક કેપિટલ ફાર્મા અને હેલ્થકેર ફંડ) આવી હતી, જેમાં તેમના NFO દરમિયાન કુલ 7,178 કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું હતું.
ફિક્સ્ડ ઈનકમ સેગમેન્ટની વાત કરીએ તો, ફેબ્રુઆરીમાં ડેટ ફંડ્સમાં 63,809 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું હતું, જે જાન્યુઆરીમાં 76,469 કરોડ રૂપિયા નોંધાયું હતું. ખાસ તો, શોર્ટ-ટર્મ લિક્વિડ ફંડ કેટેગરીમાં 83,642 કરોડનું રોકાણ ઠલવાયું હોવાથી ડેટ ફંડ્સમાં પોઝિટિવ ઈન્વેસ્ટમેન્ટ નોંધાયું હતું. આ ઉપરાંત, કોર્પોરેટ બોન્ડ કેટેગરીમાં પણ 3,029 કરોડ રૂપિયાનું રોકાણ ઠલવાયું હતું. લો ડ્યુરેશન ફંડ્સમાં 4,100 કરોડ રૂપિયાનો આઉટફ્લો જોવા મળ્યો હતો, ત્યારબાદ ફેબ્રુઆરીમાં ફ્લોટર ફંડ્સમાંથી 3,610 કરોડ રૂપિયાનો આઉટફ્લો જોવા મળ્યો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો