Vijay Parmar:
Gold Prices: સોનાના ભાવમાં મજબૂત ઉછાળો આવ્યો છે અને ચાંદી પણ ચમકી છે. અમેરિકન ફેડરલ રિઝર્વની રેટ કટ અંગેની ટિપ્પણી બાદ, વૈશ્વિક બજારમાં ગોલ્ડના ભાવ પ્રતિ ઔંશ 2.6 ટકા વધીને 2,100 ડૉલરને પાર થઈ ગયા છે. 2024માં ત્રણ વખત રેટ કટના સંકેત બાદ બાદ ગોલ્ડમાં 40-50 ડૉલરનો વધારો થયો છે અને કિંમત પ્રતિ ઔંશ 2,050 ડૉલરે પહોંચી ગઈ છે. ભારતમાં પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે કિંમતમાં 1,500 રૂપિયા સુધીનો વધારો થયો છે. ભારતમાં 14 ડિસેમ્બરે સોનું 2.3 ટકા જ્યારે ચાંદીમાં 5 ટકા વધારો નોંધાયો છે.
અપેક્ષા મુજબ જ, ફેડરલ રિઝર્વે સતત ત્રીજી વખત માટે વ્યાજ દરો સ્થિર રાખ્યા છે. ફેડના 19 અધિકારીઓમાંથી લગભગ 17 અધિકારીએ સર્વસંમતિ સાધી હતી કે, 2024ના અંત સુધીમાં પોલિસી રેટ વર્તમાન સ્તરથી ઓછા હશે. Fed દ્વારા માર્ચમાં રેટ કટની શક્યતા અગાઉ 54 ટકા હતી, પરંતુ હવે લગભગ 73 ટકા શક્યતા છે. ફેડએ સ્પષ્ટ કર્યું છે કે, વ્યાજદરમાં કોઈ વધારો નહીં થાય અને આવતા વર્ષે 3 વખત વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે. ફેડની બેઠક બાદ ડૉલર ઘટવાથી નોન-ડૉલર ખરીદદારો માટે સોનું સસ્તું થયું છે. અન્ચ ચલણની તુલનાએ ડૉલર બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો છે. ડૉલર ઈન્ડેક્સ 103ની નીચે પહોંચી ગયો છે. આ ઉપરાંત, યુએસ બેન્ચમાર્ક 10-યર બૉન્ડ યીલ્ડ પણ ઓગસ્ટ પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. 10-યર અમેરિકન ટ્રેઝરી યીલ્ડ 4 ટકાના મહત્ત્વના સ્તરની નીચે પહોંચી છે.
મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો વાયદો 1,500 રૂપિયા વધીને 62,646 રૂપિયા બોલાયો છે. 14 ડિસેમ્બરે સોનાના ભાવ 1,447 રૂપિયા વધીને 62,646 રૂપિયા પર પહોંચ્યા હતા. ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાના ભાવમાં અંદાજે 1500 રૂપિયાનો વધારો થયો હતો અને ભાવ 10 ગ્રામના 62,692 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આજે સોનાની શરૂઆત 61,391 રૂપિયાથી થઈ હતી. ગઈકાલે સોનાનો ભાવ 61,199 રૂપિયા રહ્યો હતો.
સોનાની સાથે ચાંદી પણ ચમકી ગઈ છે. વૈશ્વિક સ્તરે ચાંદીની કિંમત 6 ટકા વધી છે જ્યારે ભારતમાં ચાંદીનો ભાવ 3,800 રૂપિયા વધીને પ્રતિ કિલો 75,319 રૂપિયાએ પહોંચ્યો છે. મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીની કિંમત 3,267 રૂપિયા વધીને 74,799 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહી છે. કારોબારી સત્ર દરમિયાન, ચાંદીની કિંમત લગભગ 3,800 રૂપિયા વધીને પ્રતિ કિલો 75,319 રૂપિયાએ પહોંચી ગઈ હતી. સવારે ચાંદીની કિંમત 71,950 રૂપિયાથી શરૂ થઈ હતી. ગઈકાલે ચાંદીનો ભાવ 71,532 રૂપિયા નોંધાયો હતો. ચાંદીની કિંમત 4 ડિસેમ્બરે 78,549 રૂપિયાના ઊંચા સ્તરે પહોંચી હતી.
ફેડની બેઠક બાદ સોના-ચાંદીમાં લાંબી તેજીનો તખ્તો ગોઠવાયો છે. અત્યારે ગોલ્ડ માટે અંડરટોન તેજીતરફી છે. Reliance Securitiesના Senior Research Analyst (Currencies & Commodities) જિગર ત્રિવેદી જણાવે છે કે, 2024માં કોમેક્સ પર ગોલ્ડ માટે 2,145 ડૉલરની સપાટી સપોર્ટનું કામ કરશે. આવતા વર્ષે સોનું 1,900 ડૉલરથી 2,145 ડૉલરની રેન્જમાં રહેવાની શક્યતા છે. MCX પર આ રેન્જ 59,000 રૂપિયાથી 64,000 રૂપિયા રહેવાની શક્યતા છે.
“સોનામાં અત્યારે અંડરટોન તેજીનો છે. દુનિયાભરની મધ્યસ્થ બેન્કો ગોલ્ડની ખરીદી જાળવી રાખશે. રશિયા-યુક્રેન અને ઇઝરાયેલ-હમાસ વોર બાદ જોવા મળેલું વોર પ્રીમિયમ ઘટ્યું છે, પરંતુ ફેડની બેઠક બાદ મળેલા સંકેત સોનાને તેજીમય રાખશે તેવી પ્રબળ શક્યતા છે. ડૉલરની નબળાઈ અને બોન્ડ યીલ્ડમાં ઘટાડો ગોલ્ડ બાઈંગને પ્રોત્સાહન આપનારો બની રહેશે,” એમ ત્રિવેદી ઉમેરે છે.
સોનું પહેલેથી જ ઊંચા સ્તરે પહોંચી ગયું છે. 2022ની દિવાળીથી 2023ની દિવાળી સુધીમાં સોનામાં 20 ટકા જેટલું વળતર મળ્યું છે. 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો ત્યારથી સોનું સડસડાટ વધ્યું છે. ઓક્ટોબરમાં 5.6 ટકા, નવેમ્બરમાં 2.4 ટકા અને ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં ગોલ્ડની કિંમત 2.5 ટકા પ્લસ થઈ છે. તો શું રોકાણકારોએ વર્તમાન ભાવે સોનામાં ખરીદી કરવી જોઈએ? તેવા સવાલના જવાબમાં ત્રિવેદી કહે છે કે, “આવતા વર્ષે ભારતમાં અને અમેરિકામાં ચૂંટણી છે. તેના સંદર્ભમાં અને વર્તમાન પરિસ્થિતિઓ ગોલ્ડ માટે પોઝિટિવ આઉટલૂક આપે છે. મને લાગે છે કે, થોડુંક કરેક્શન આવશે અને રોકાણકારોએ ઘટાડે ખરીદીની તક ઝડપવી જોઈએ.”
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો