ચાલુ વર્ષે ત્રણ રાજ્યોમાં ચૂંટણી છે જ્યારે 2024ના એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વિવિધ સ્કીમમાં રાહતની જાહેરાત થવાની શક્યતા છે.
મોંઘવારીની વચ્ચે લોકોને રાહતના સમાચાર મળ્યાં છે. કેન્દ્ર સરકારે રક્ષાબંધન પહેલાં ગરીબોને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીને રાંધણ ગેસના સિલિન્ડર પર સબસિડી આપવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીને હવે LPG સિલિન્ડર પર વધારાની 200 રૂપિયાની રાહત મળશે અને કુલ 400 રૂપિયાની સબસિડી મળશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો હોવાની ચર્ચા છે. દેશમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીની સંખ્યા લગભગ 11 કરોડ છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશે કરી પહેલ
રાજસ્થાન સરકાર ઈન્દિરા ગાંધી ગેસ સિલિન્ડર સબસિડી યોજના હેઠળ 1,140 રૂપિયાનો સિલિન્ડર 500 રૂપિયામાં ઉપલબ્ધ કરાવે છે. મધ્ય પ્રદેશ સરકારે પણ અગાઉ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. આથી, એવી શક્યતા પ્રબળ બની છે કે, કેન્દ્ર સરકાર પણ રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી શકે છે.
ચૂંટણીની અસર
આ વર્ષે દેશનાં મહત્ત્વનાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. આથી સરકાર રાહતના પગલાં ભરી રહી છે. LPG સિલિન્ડરની સબસિડી વધાર્યા બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘટવાની શક્યતા છે. પેટ્રોલિયમ કંપનીઓની સારી કમાણીને ધ્યાનમાં રાખીને સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જાહેર કરે તેવી પણ ધારણા છે. સરકાર ફ્રી રાશન સ્કીમ પણ લંબાવે તેવી ધારણા છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી આવી રહી છે. 2024ના પ્રારંભિક મહિનામાં લોકસભાની ચૂંટણી છે. ચૂંટણીમાં વિપક્ષો દ્વારા મોંઘવારીને મુદ્દો બનાવવામાં આવશે તેવી બીક હોવાથી સરકાર મોંઘવારીમાં ઘટાડો કરવાના પગલાં ભરે તેવી પ્રબળ શક્યતા છે. તાજેતરમાં સરકારે ચોખાની નિકાસ ઘટાડવાની પણ જાહેરાત કરી હતી, જેથી સ્થાનિક સ્તરે ચોખાનો પૂરતો પુરવઠો મળી રહે અને ભાવ અંકુશમાં રહે.
કોને મળે છે ઉજ્જવલા સ્કીમનો લાભ
વર્ષ 2016માં શરૂ થયેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ ગરીબી રેખા (BPL)ની નીચે આવતા પરિવારને મળે છે. સરકાર આવા પરિવારને મફતમાં LPG કનેક્શન આપે છે. સરકાર ઉજ્જવલા યોજના હેઠળ વર્ષમાં 12 LPG સિલિન્ડર પર સબસિડી આપે છે. સબસિડી માટે LPG કનેક્શન સાથે આધાર નંબર લિંક કરવો પડશે. લાભાર્થીનું આધાર કાર્ડ તેના ગેસ કનેક્શન સાથે લિન્ક હોય તો જ સબસિડી મળે છે. સરકારના માર્ચ 2023 સુધીના આંકડા અનુસાર, ઉજ્જવલા યોજના હેઠળ 9 કરોડથી વધુ ફ્રી ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. અત્યારે ડોમેસ્ટિક 14.2 કિલોના LPG સિલિન્ડરની કિંમત રૂ. 1,100ની આસપાસ છે અને ઘણા લાંબા સમયથી તેના ભાવમાં બહુ વધારો કે ઘટાડો થયો નથી.
Published August 29, 2023, 16:19 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો