Money9: વિસ્તારા એરલાઈન બાદ હવે એર ઈન્ડિયા એક્સપ્રેસ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. કેબિન ક્રૂએ એરલાઈન પર આરોપ લગાવ્યો છે કે તેનું મેનેજમેન્ટ યોગ્ય રીતે નથી થઈ રહ્યું. તેમજ સ્ટાફ સાથે સમાન વ્યવહાર કરવામાં નથી આવતો. આ મામલે ટાટા ગ્રુપ અને એર ઈન્ડિયાના ચેરમેન એન ચંદ્રશેખરનને પત્ર મોકલવામાં આવ્યો છે… યુનિયને દાવો કર્યો છે કે તેમને લગભગ 300 કર્મચારીઓની ફરિયાદો મળી છે. એરલાઇનમાં સિનિયર હોદ્દા માટે ઇન્ટરવ્યુ લેનારા કર્મચારીઓની સારી કામગીરી છતાં નિમણૂક કરવામાં આવી ન હતી. આ સિવાય એચઆરએ સહિતના ઘણા ભથ્થા પણ હટાવી દેવામાં આવ્યા છે. જેના કારણે એરલાઇન નફો કરતી હોવા છતાં કર્મચારીઓના પગારમાં ઘટાડો થયો છે. આ પત્ર પર મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. એર ઈન્ડિયા એક્સપ્રેસમાં અંદાજે 2000 કેબિન ક્રૂ મેમ્બર છે. ટાટા ગ્રુપે 2022માં એર ઈન્ડિયા પાસેથી એર ઈન્ડિયા એક્સપ્રેસનું એક્વિઝિશન કર્યું હતું.
માર્ચ ક્વાર્ટરમાં રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં રોકાણ ત્રણ ગણું વધીને રૂ. 5,743 કરોડ થયું છે જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,735 કરોડ હતું. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કંપની કુશમેન એન્ડ વેકફિલ્ડના જણાવ્યા અનુસાર, આ રોકાણ રિયલ એસ્ટેટ સેક્ટરના કુલ રોકાણના 63 ટકા છે. C and Wના કેપિટલ માર્કેટના રિપોર્ટમાં જણાવાયું છે કે માર્ચ ક્વાર્ટરમાં રિયલ એસ્ટેટમાં રોકાણ વધીને રૂ. 9,124 કરોડ થયું છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 8,830 કરોડ હતું. ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ઓફિસ પ્રોપર્ટીમાં રોકાણ નજીવું વધીને રૂ. 2,248 કરોડ થયું છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2,180 કરોડ હતું.
દેશમાં વીજળીનો વપરાશ એપ્રિલમાં વાર્ષિક ધોરણે લગભગ 11 ટકા વધીને 144.25 અબજ યુનિટ થયો છે. તાપમાનમાં વધારાને કારણે વીજળીનો વપરાશ વધ્યો છે. સરકારી આંકડા પરથી આ માહિતી મળી છે. એપ્રિલ, 2023માં વીજળીનો વપરાશ 130.08 અબજ યુનિટ હતો. એક દિવસમાં વીજળીની મહત્તમ માંગ પણ એપ્રિલ, 2024માં વધીને 224.18 ગીગાવોટ થઈ, જ્યારે એપ્રિલ, 2023માં તે 215.88 ગીગાવોટ હતી. ઉર્જા મંત્રાલયે ઉનાળા દરમિયાન વીજળીની મહત્તમ માંગ 260 ગીગાવોટની આસપાસ રહેવાનો અંદાજ મૂક્યો છે.
એવિએશન રેગ્યુલેટર DGCA એ ગો ફર્સ્ટ એરલાઇનના 54 એરક્રાફ્ટનું રજીસ્ટ્રેશન રદ્દ કરી દીધું છે. 26 એપ્રિલે દિલ્હી હાઈકોર્ટે 5 વર્કિંગ ડેમાં ગો ફર્સ્ટ દ્વારા લીઝ પર લેવામાં આવેલા વિમાનોનું ડિ-રજિસ્ટ્રેશન કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ એવિએશન રેગ્યુલેટરે આ કાર્યવાહી કરી છે. કેશ સંકટનો સામનો કરી રહેલી બજેટ એરલાઇન ગો ફર્સ્ટના ઉડ્યન ગત વર્ષે 3 મેથી બંધ છે અને તે સ્વૈચ્છિક નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. એરલાઇને ગયા વર્ષે, 2 મે, 2023 ના રોજ, કહ્યું હતું કે તે 3, 4 અને 5 મે માટે તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી રહી છે. ત્યારથી, ગો ફર્સ્ટ સતત ફ્લાઇટ્સ સ્થગિત કરવાની તારીખ લંબાવી રહી છે.
મારુતિ સુઝુકી ઈન્ડિયાએ તેની સૌથી લોકપ્રિય કાર સ્વિફ્ટનું બુકિંગ શરૂ કરી દીધું છે. આ હેચબેકને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અથવા Arena ડીલરશીપ પરથી 11,000 રૂપિયાની ટોકન રકમ ચૂકવીને બુક કરી શકાય છે. કંપની ભારતમાં કારનું ફેસલિફ્ટ વર્ઝન 9 મે 2024ના રોજ લોન્ચ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેક્સ્ટ જનરેશન સ્વિફ્ટમાં વર્તમાન મોડલની સરખામણીમાં Z-સિરીઝવાળું 1.2-લિટરનું થ્રી-સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. નવું એન્જિન લગભગ 40 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપી શકે છે. મારુતિની પેરન્ટ કંપની સુઝુકી મોટર કોર્પોરેશને જાપાનના ટોક્યોમાં આયોજીત ઓટો મોટર શોમાં ફોર્થ જનરેશન સ્વિફ્ટને રજૂ કરી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો